બનાસકાંઠા જિલ્લામાં તીડ નિયંત્રણ માટે યુધ્ધના ધોરણે હાથ ધરાયેલ વ્યાપક પ્રયાસો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 15:40:41
  • Views : 477
  • Modified Date : 2019-12-27 15:40:41



બનાસકાંઠા જિલ્લામાં તીડના ઝુંડને નિયંત્રણમાં લેવા તેમજ આગળ વધતું અટકાવવા માટે યુધ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભારત સરકારના તીડ નિયંત્રણ વિભાગની ૧૯ ટીમોદ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરી તીડનો સફાયો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ખેડૂતોના સહકારથી ૨૫ થી વધુ ટ્રેકટરો દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી પણ તીડ નિયંત્રણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખેતીવાડી અને બાગાયત વિભાગની ૨૭ ટીમો તીડ સર્વેલન્સની કામગીરી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલે સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તીડ નિયંત્રણ માટે દવાનો છંટકાવ સવારે ૬-૩૦ વાગ્યાથી ૧૦-૩૦ વાગ્યા સુધી કરી શકાય છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ તાલુકાની બોર્ડરે રાજસ્થાન તરફથી તીડનું મોટું ઝુંડ પ્રવેશ્યાના પગલે તીડ સર્વેલન્સની કામગીરી અને તીડ કન્ટ્રોલની કામગીરીના જાતનિરીક્ષણ અને સમીક્ષા સારૂ ગાંધીનગરથી ગુજરાત રાજ્યના ખેતી નિયામક બી. એમ. મોદી, બનાસકાંઠાના કલેક્ટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર  આર. કે.પટેલ, સંયુક્ત ખેતી નિયામક મહેસાણા પી. ડી. રાઠોડ, ભારત સરકારના સંયુક્ત નિયામક, ફરીદાબાદ જે.પી.સીંઘ વિગેરેએ થરાદ તાલુકાના તીડ પ્રભાવિત ગામ રડકા ખાતે વહેલી સવારે મુલાકાત લઇ તીડ નિયંત્રણની કામગીરીનું જાત નિરીક્ષણ કરી ટીમોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આત્મા દ્વારા ખેડૂતોમાં જાણકારી માટે પ્રચાર પ્રસારની કામગીરી ચાલુ છે. ખેતીવાડી, બાગાયત અને તીડ નિયંત્રણ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સાથ સહકાર આપનાર ખેડૂતોનો આભાર માની ખેડૂતોને આહવાન કરાયું છે કે આપણે સૌ સાથે મળી તીડ નિયંત્રણની કામગીરી કરીએ. 



Download Our B K News Today App



Related News