વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને 3 લોકો પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા, ત્રિપુટીની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 15:34:20
  • Views : 299
  • Modified Date : 2020-09-15 15:34:20

       વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું જણાવીને 3 લોકો પાસેથી 3.80 લાખ પડાવી લેનાર ત્રિપુટીને વારસીયા પોલીસે ઝડપી પાડ્યા છે અને અન્ય કોઇ વ્યક્તિ આ ભેજાબાજ ત્રિપુટીની જાળમાં ફસાયું છે કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા નરેશભાઈ મારવાડી નવા બજાર વિસ્તારમાં મકવાણા બ્રધર્સ નામે વજન કાંટાની દુકાનમાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે. અઢી વર્ષ અગાઉ તેમના વિસ્તારમાં જ રહેતા અર્જુનભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે, હરિજનવાસમાં રહેતા હિતેશ ખેમચંદાણી મુખ્યમંત્રી આવાસ યોજનાના ફાળવેલા મકાનો આપવાનું કામ કરે છે. તમારે મકાન જોઇતુ હોય તો વાત કરજો, હું તમારો પરિચય કરાવી આપીશ.અર્જુન અને હિતેશ નરેશભાઇના ઘરે પહોંચ્યા હતા અને વાતચીત બાદ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન માટે રૂપિયા 30 હજાર રોકડા આપ્યા હતા અને બાકીના ચેક સહિત કુલ 1.40 લાખ ચુકવ્યા હતા ત્યારબાદ ફોઈની દીકરી અલકા મારવાડી(રહે, અંબે માતાના મંદિર પાસે, ફતેપુરા) પાસેથી 1.20 લાખ અને ઇદાયત વ્હોરા(રહે, ભાંડવાડા, ફતેપુરા) પાસેથી મકાન માટે 1.20 લાખ લીધા હતા અને મકાનની વાત કરતા સબસિડી માટે તમારૂ કામ અટકેલુ છે. સબસિડી આવશે એટલે તમારૂ મકાન મળી જશે તેવો દિલાસો આપતા હતા.તેઓના રૂપિયા પાછા માગતા તેણે મળતીયા ગિરધરભાઇ પરમાર(રહે, બાપોદ વુડાના મકાન પાસે, વડોદરા)ના સહયોગથી કુરીયર મારફતે સાડા ચાર લાખના ચેક મોકલ્યા હતા, જે બાઉન્સ થયા હતા. જેથી વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વારસિયા પોલીસે ભેજાબાજ હિતેશ, અર્જુન અને ગિરધર વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

Download Our B K News Today App



Related News