આ વર્ષે બહેનોને ભાઈઓ માટે રાખડી ખરીદવી મોંઘી પડશે, કાચા માલમાં ભાવ વધારાથી રાખડી 10-15% મોંઘી થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-06 16:04:04
  • Views : 379
  • Modified Date : 2021-07-06 16:04:04

          કોરોનાની બીજી લહેર પૂરી થઇ પર છે અને ઓગસ્ટમાં તહેવારો શરૂ થશે. ભાઈ બહેનોનું પર્વ રક્ષાબંધન પણ આજ મહિનામાં આવશે અને રાખડીના વેપારીઓ આના માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે. રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, કોવિડના કારણે દોર, સ્ટોન, પેકેજિંગ મટિરિયલ સહિતના કાચા માલમાં ભાવ વધી જવાથી આ વર્ષે રાખડીની કિમતમાં 10-15% જેવો વધારો થવાની સંભાવના છે. 2020માં કોરોનાએ રક્ષાબંધન પર રાખડીના વેપારને મોટી અસર કરી હતી પણ વેપારીઓને આશા છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બિઝનેસ 50% જેવો વધશે.

       ગણેશ રાખડીના મનીષ પટેલે જણાવ્યું કે, આ વર્ષે રાખડી બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવમાં વધારો થયો છે. રાખડી તૈયાર કરવા માટેના દોરા, સ્ટોન, મોતી, ઉપરાંત પેકિંગ કરવા માટેના બોક્સના ભાવમાં 15-20% જેવો ભાવ વધારો થયો છે. જેની અસર રાખડીના ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે. આ વર્ષે 60-70% રાખડીનું ઉત્પાદન થયુ છે. પરિણામે નવા કાચા માલથી તૈયાર થયેલ રાખડીના ભાવમાં 10-15% ભાવ વધી શકે છે. જેની સામે મોટાભાગના વેપારીઓ પાસે ગયા વર્ષનો કાચો માલ અને તૈયાર રાખડીઓનો જથ્થો હતો. જૂનો માલ પડ્યો હોવાથી ઉત્પાદકોને થોડી રાહત મળી છે પણ તેની સામે ટ્રાન્સપોર્ટ સહિતની અન્ય કોસ્ટ વધી છે એટલે બહુ ખાસ ફફક નહીં પડે.

       અમદાવાદ હોલસેલ રાખડી વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રદીપ જૈનનું કહેવું છે કે અમદાવાદમાં 22 જેટલા મોટા હોલસેલ રાખડીના વેપારી છે જ્યારે રાજ્યભરમાં અંદાજે 100 જેટલા મોટા હોલસેલ રાખડીના વેપારી છે. કોરોનાના કારણે આ તમામ વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. ગત વર્ષે અંદાજે 50-60% રાખડીનું ઉત્પાદન થયુ, જ્યારે રૂ. 10 કરોડનું ટર્નઓવર હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે સ્થિતિ થોડી સુધારી છે તેને જોતાં આ વર્ષે વેપાર રૂ. 15 કરોડ સુધી પહોંચે તેવી આશા છે. સામાન્ય વર્ષોમાં રાખડીના ઉત્પાદનના આધારે ટર્નઓવર થતુ હોય છે, જેમાં શરેરાશ 20-25 કરોડનું ટર્નઓવર થતુ હોય છે. જોકે હાલ કોવિડના કારણે થોડો ડરનો માહોલ છે, જેથી બજારમાં 45-50%નો વેપાર છે. જોકે પ્રવીણ રાખડીના પ્રિયાંક ઠક્કરનું કહેવુ છે કે આ વર્ષે ટાર્ગેટ પુરો થઇ શકે છે.

      અમદાવાદના MR રાખડીના જીગ્નેશ ઠક્કરે જણાવ્યું કે રક્ષાબંધનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેથી અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોને અગવડતા ન પડે અને રાખડીનો સિઝનલ ધંધો યોગ્ય ચાલે તે માટે રાત્રિ દરમિયાન વેપાર માટેનો સમય લંબાવવો જોઇએ. રાખડી બનાવતા અંદાજે 50 હજારથી વધુ લોકોને રોજગારી મળી રહે છે. સામાન્ય રીતે માર્ચથી રાખડીનો હોલસેલ વેપાર શરૂ થતો હોય છે, જોકે કોરોનાની બીજી લહેરના કારણે લોકડાઉથી વેપારને મોટો ફટકો પડ્યો. જોકે જૂન મહિનાથી અનલોક થતા વેપાર શરૂ થયો છે, જે જળવાય તે માટે સમય મળવો જોઇએ.

    
     વડોદરામાં રાખડીના વેપાર સાથે જોડાયેલા પાર્વતી ટ્રેડર્સના ગોવિંદભાઇ પૌહાણીનું કહેવુ છે કે લોકોમાં કોરોનાની ત્રીજી લહેરનો ડર છે, જેથી રિટેલ વેપારીઓ માલ ખરીદવામાં જોખમ અનુભવી રહ્યા છે. ઉપરાંત ગુજરાત અને તેમાંય અમદાવાદ દેશભરમાં રાખડી બજારનું હબ માનવામાં આવે છે. માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશભરમાં અને વિદેશમાં પણ રાખડીઓ મોકલવામાં આવે છે, પરંતુ આ વર્ષે પણ કોરોનાના કારણે ધંધા પર મોટી અસર પડી છે અને પ્રત્યક્ષ રીતે ખરીદી માટે આવી નથી રહ્યાં. એટલુ જ નહિ પરંતુ જે રિટેલ વેપારીઓ જે માલ ખરીદતા તેમાં પણ શરેરાશ 40-50%નો ઘટાડો જોવા મળ્યો છે.

Download Our B K News Today App



Related News