વરસાદ બન્યો વેરી ખેડૂતો પાસેથી અંતિમ કોળિયો પણ છીનવી લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 12:35:19
  • Views : 455
  • Modified Date : 2020-10-19 12:35:19

       અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણના પગલે કચ્છમાં સતત ત્રણ દિવસથી વરસાદ આફત બનીને આવ્યો છે. ચોમાસા દરમ્યાનના ભારે વરસાદના પગલે મોટાભાગના પાકને નુકસાન થયું હતું પરંતુ ફરી આવી પહોંચેલા વેરી વરસાદે ખેડૂતોના મુખમાંથી અંતિમ કોળિયું પણ છીનવી લીધું છે. ખાસ કરીને મગફળી, તલ, ગોવાર, કપાસ સહિતના પાક પાછળ વાવણી, નિંદામણ, ખેડ વગેરે પાછળ જગતના તાતે કરેલો ખર્ચ નીકળશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે. રવિવારે રાપરમાં બે, અબડાસા દોઢ અને ગાગોદરમાં એક ઇંચ આફત વરસી હતી. ઉપરાંત ભુજ, નખત્રાણા, લખપત તાલુકામાં પણ ઝાપટું વરસી ગયું હતું.રાપરમાં વહેલી પરોઢે હાજા ગગડાવી દે તેવા કડાકા-ભડાકા સાથે ભારે પવન અને વીજળીના ચમકારે આવેલી આફતરૂપી મેઘસવારીએ અડધા કલાકમાં શહેરમાં પાણી પાણી કરી નાખ્યુ હતું. શહેરના માલી ચોક, ભૂતિયા કોઠા, આથમણા નાકા બજાર સહિતના વિસ્તારોમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતા.તોફાની વરસાદે 42 મી.મી. પાણી વરસાવતા ઘડીક ભર તો શ્રાવણીઓ માહોલ ખડો થયો હતો. તાલુકાના બાદરગઢ, નીલપર, ખીરાઇ, સઈ ડાભુંડા, કિડીયાનગર, પ્રાગપર, હમીપર, ઉમેયા, વલભપર, મોટી રવ, નાની રવ, ડાવરી, લાકડાંવાંઢ, ત્રંબૌ, રામવાવ, ભીમાસર, આડેસરપટ્ટી, ફતેગઢ અને પ્રાથળ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે બે ઇંચ ઉપર વરસાદ ખાબકી જતા પાક સંપૂર્ણ નષ્ટ થવાના આરે છે. તૈયાર પાકોમાં મગ, બાજરી, ગોવાળ, મગફળી વગેરેમાં ભારે નુકસાનની દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી હતી. તાલુકાના હાઇવે પટ્ટીમાં સવારે 4થી 6 સુધી એકાદ ઇંચ પાણી પડી જતાં મગફળી, ગોવાર, તલ, મગ સહિતના પાક ધોવાઇ ગયો છે. ખડીરના ગણેશપર સહિત આસપાસના ગામોમાં સવારે વરસાદી ઝાપટું વરસી ગયું હતું. ભચાઉ તાલુકાના કાંઠાળપટ્ટીના છાંડવારા, આમલિયારા, જંગી, વાંઢિયા, શિકારપુર, સામખિયાળી, લાલિયાણા, આધોઇ સહિતના ગામોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડી જતાં ખેતીને ભારે નુકસાન થયું હતું.પાવરપટ્ટી વિસ્તારના નિરોણા, હરીપુરા, અમરગઢ, ઓરીરા, વેડહાર, બિબર, વંગ, ડાડોર, ઝાલુ, ખારડિયા, ઝુરા સહિતના ગામોમાં સાંજે 4થી 5:30ના સમયમાં ગાજવીજ સાથે અડધોથી પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો. વરસાદના કારણે પાવરપટ્ટી વિસ્તારમાં રાબેતા મુજબ વીજ પુરવઠો ખોરવાયો હતો. વધુમાં ખરીફ પાકને ભારે નુકસાન થતાં તેની ગુણવત્તા સારી નહીં રહે, જેથી ખેડૂતોને પાકના ધાર્યા બજાર ભાવ નહીં મળે અને મોટો આર્થિક ફટકો પડશે એમ ખેડૂત ખેતશી આહીરે જણાવ્યું હતું. ગાજવીજ સાથે સતત એક કલાક ચાલુ રહેલા વરસાદથી ભયનો માહોલ સાર્જાયો હતો.ભુજના તાલુકાના લોડાઇ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ઉપરાંત ચપરેડી, અટલનગર પંથકમાં સાંજે 4થી 5 વાગ્યા દરમ્યાન દોઢ ઇંચ જેટલો વરસાદ પડી જતાં ખેતરોના બંધપાળા તૂટી ગયા હતા તો મોલાતને પારાવાર નુકસાન થયું હતું.નખત્રાણા તાલુકાના રવાપરમાં બપોરે 1.10 કલાકે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. મગફળીની લણણી શરૂ હોઇ પથારા પલળ્યા, બપોરઉગેડી, નેત્રા, દેવીસર પંથકમાં વરસાદી ઝાંપટું વરસી ગયું હતું. રવાપર ઉપરાંત નાગવીરી, નવાવાસ, લીફરી, ઘડાણી, વાલ્કા નાના-મોટા, હરીપર, આમારા, રતડિયા સહિતના ગામોમાં અડધાથી પોંણો ઇંચ વરસાદપડ્યો હતો.લખપત તાલુકાના દયાપર, ઘડુલી, પાનધ્રો, માતાના મઢ, મેઘપર, સારણ, બરંદા, સુભાષપર, વિરાણી, મિઢિયારી, નારાયણ સરોવર, ગુવર, પીપર, તહેરા, કપુરાશી, વર્માનગર, છેર, જાડવા સહિતના ગામોમાં પવનના સુસવાટા, ગાજવીજ સાથે વરસાદી ઝાંપટું વરસી જતાં અડધાથી પોણો ઇંચ પાણી પડ્યું હતું. બરંદાના નવીન રૂપારેલે જણાવ્યું હતું કે, વરસાદથી તલ તેમજ વાડી, ખેતરોમાં તૈયાર પાકને ભારે નુકસાની થઇ છે.

Download Our B K News Today App



Related News