કેદી મોબાઈલ ગળી ગયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-11 08:42:54
  • Views : 88
  • Modified Date : 2024-01-11 08:42:54

જેલમાં ખતરનાક કેદીઓને બંધ રાખવામાં આવે છે. તેમણે કરેલા ગંભીર ગુનાઓ માટે જ તેમને જેલવાસની સજા આપવામાં આવે છે. જો કે ઘણા કેદીઓ એટલા રીઢા ગુનેગારો હોય છે કે તેમને જેલમાં બંધ હોવા છતા પણ કોઇ ફરક પડતો નથી.જેલમાં બંધ હોવા છતા ત્યાંથી પણ કેદીઓ પોતાનું નેટવર્ક ચલાવતા હોય છે. ઘણી વાર જેલમાં કેદીઓ મોબાઇલ ફોન રાખતા પણ ઝડપાતા હોય છે. જો કે રાજસ્થાનમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાજસ્થાનના જયપુરની સેન્ટ્રલ જેલનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેલમાં બંધ એક કેદીની હરકતથી જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના કઇક એવી છે કે જેલમાં બંધ એક કેદી રૂટીન ચેકિંગ દરમિયાન તેનો મોબાઈલ ફોન ગળી ગયો હતો. આ ક્રિયાને કારણે તેનો શ્વાસ બંધ થવા લાગ્યો હતો. જે પછી તેને તાત્કાલિક SMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ કેદીનો એક્સ-રે કરાવ્યો હતો, જેમાં તેના શરીરમાં મોબાઈલ ફોન જોવા મળ્યો હતો.કેદીના મોબાઇલ ફોન ગળી જવાથી પણ વિચિત્ર ઘટના એ હતી કે ડોક્ટરે કોઈપણ ઓપરેશન વગર જ કેદીના મોઢામાંથી મોબાઈલ ફોન બહાર કાઢી લીધો હતો. મોબાઈલ હટાવ્યા બાદ કેદીની હાલતમાં સુધારો થતા જ જેલમાં કેદી સુધી મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.ઘણી વખત જેલમાં બંધ કેદીઓ મોબાઈલ ફોન રાખતા હોવાની ઘટનાઓ બનતી જોવા મળે છે. જેલ પ્રશાસન નિયમિત રીતે આ કેદીઓનું ચેકિંગ કરતી હોય છે. જયપુરની સેન્ટ્રલ જેલમાં પણ આવું જ કઇક થયું હતુ. 5 જાન્યુઆરીના રોજ સેન્ટ્રલ જેલમાં રૂટીન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેલ અધિક્ષક ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર ઘાટગેટના રહેવાસી ફજ્જુ, જેલમાં અન્ડરટ્રાયલ છે, તેની રામગંજ પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. 8 ઓગસ્ટના રોજ તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલ સુપ્રિટેન્ડેન્ટ ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર 5 જાન્યુઆરીએ સેન્ટ્રલ જેલના વોર્ડ નંબર 6માં ફરજ બજાવતા સેન્ટિનલ અને ચીફ સેન્ટિનલે જેલના વોર્ડની બેરેક નંબર 1માં કેદીને શંકાસ્પદ વર્તન કરતા જોયો. જ્યારે તે તેની નજીક ગયો, ત્યારે કેદી તેની સામે જ કંઈક ગળી ગયો. તે ગળી લીધા પછી તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જ્યારે તેની પાસેથી માહિતી લેવામાં આવી તો જાણવા મળ્યું કે કેદી મોબાઈલ ફોન ગળી ગયો હતો. કેદીએ મોબાઈલ ફોન ગળી લેતા જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.કેદીને જેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને એસએમએસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. એસએમએસ હોસ્પિટલમાં કરાયેલા એક્સ-રેમાં કેદીના પેટમાં મોબાઈલ દેખાતો હતો. ત્યાર બાદ એન્ડોસ્કોપી દ્વારા કોઈ પણ પ્રકારના ઓપરેશન વગર ડોક્ટરે મોઢામાંથી મોબાઈલ બહાર કાઢ્યો હતો. આ ઘટના બાદ જેલ પ્રશાસન દ્વારા 8 જાન્યુઆરીએ લાલ કોઠી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News