મોઢેરા સૂર્યમંદિરનું વરસાદી માહોલમાં નિખરેલું સૌંદર્યઃ વડાપ્રધાને પણ વીડિયો ટ્વિટ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 13:54:00
  • Views : 682
  • Modified Date : 2020-08-26 13:54:00

        હાલ ચોમાસું ચાલુ રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે મોઢેરાના સૂર્યમંદિર ખાતે પણ મેઘરાજાએ મહેર વરસાવતા સૂર્યમંદિર પ્રાંગણમાં આવેલી સૂર્યકુંડમાં વરસાદી પાણી ખડખડ વહ્યા હતા. આફરિન થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયોને આજે ટ્વિટ કરીને સૂર્યમંદિરની સુંદરતા અને ભવ્યતાના વખાણ કર્યા હતા, વડાપ્રધાને ટ્વિટ કરેલો 55 સેકન્ડના વીડિયોને 1.1 મિલિયન વ્યુ મળ્યા છે. ઉલ્લેખની છે કે દોઢ મહિના પહેલા જ 6 જુલાઈએ લોકડાઉન બાદ પ્રવાસીઓ માટે સૂર્યમંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વીડિયો ટ્વિટ કર્યો છે તેમાં સૂર્યમંદિર તરફથી ખડખડ વહેતા પાણી જે કુંડમાં પડે છે. તેને સૂર્યકુંડ કે રામકુંડ કહેવામાં આવે છે. સૂર્યકુંડમાં ચારેબાજુ નાના-નાના 108 મંદિરો આવેલા છે. કુંડમાં અંદરની બાજુએ ચાર મોટા મંદિરો છે. પૂર્વમાં વિષ્ણું મંદિર, પશ્ચિમમાં વૈષ્ણવ સંપ્રદાયની વિવિધ મૂર્તિઓની સાથે ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત છે. ઉત્તરમાં નટરાજ જ્યારે દક્ષિણમાં શીતળા માતાનું મંદિર છે. સૂર્યકુંડની ઉપર ચડતા બે વિશાળ સ્તંભ દેખાય છે તેને કિર્તીસ્તંભના નામે ઓળખવામાં આવે છે. મુખ્યમંદિરની બહાર નીકળતા કાળભૈરવ અને તેની નજીક શિવપાર્વતીની મૂર્તિઓ આવેલી છે.ભારતમાં ત્રણ સૂર્ય મંદિર આવેલા છે, જેમાં પહેલા ક્રમે ઉડીસાનુ કોણાર્ક મંદિર, બીજુ જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજું ગુજરાતનું મોઢેરા સ્થિત સૂર્ય મંદિર. સોલંકી વંશના રાજા 'સૂર્યવંશી' હતા, સૂર્યને તેઓ કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી ભીમદેવ સોલંકી પ્રથમએ પોતાના આદ્ય દેવતાની આરાધના માટે વિક્રમ સંવત 1083 (ઈ,સ. પૂર્વ 1025-26) એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને આ પ્રકાર મોઢેરામાં સૂર્ય મંદિર નિર્માણ પામ્યું હતું. શિલ્પકલાના અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારું આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને ભીમદેવને બે ભાગોમાં બનાવડાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજો ભાગ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ અને 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચ છે. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર શ્રેષ્ઠ કારીગરીના વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરવામાં આવ્યા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. મંદિરનું નિર્માણ એવી રીતે કરાયું છે કે સૂર્યોદય થતાં સૂર્યની પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહ પર પડે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ આવેલુ છે. જેને લોકો સૂર્યકુંડ કે રામકુંડના નામે ઓળખે છે. અલ્લાઉદ્દીન ખિલજીએ કરેલા આક્રમણમાં સૂર્યમંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. ભારતીય પુરાતત્વ વિભાગ હાલ આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધું છે.


Download Our B K News Today App



Related News