બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઠંડીનું પ્રમાણ વધ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 13:32:43
  • Views : 409
  • Modified Date : 2019-12-05 13:32:43


બનાસકાઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સરહદે આવેલ વાવ, ઢીમા, થરાદ અને સુઈગામ પંથકમાં ઋતુ ભલે ને ગમે તે હોય પરંતુ વરસાદ, ઠંડી અને ગરમી ખુબ જ પડે છે. ત્યારે દિવાળી આસપાસ રવિ પાકના પિયતની સાથે સાથે ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. પરંતુ આ વર્ષે દિવાળી પછી ગરમીનું પ્રમાણ ઓછું નહિ થવાથી શિયાળુ સિઝન ચાલુ થઈ હોય તેવું જણાતું ન હતુ. ત્યારે દિવાળી પછી તરત જ કમોસમી વરસાદ અને બરફના કરા પડવાથી ખેડૂતોની ચિંતા વધી હતી. તો વળી જીરા, રાયડો અને ઈસબગુલ જેવા અનેક પાક પિયત વિના જ પડ્યા હતા. ત્યારે સરહદી વિસ્તારમાં થયેલ તાજેતરમાં જ કમોસમી વરસાદને કારણે શિયાળુ સિજનનું એક માસ મોડું વાવેતર થયુ છે ત્યારે ખેડૂતો હજુ વધારે ઠંડી પડશે તો શિયાળુ પાકને વધારે પ્રમાણમાં ફાયદો થશે તેવું જણાવી રહ્યા છે.સરહદી વિસ્તારમાં શિયાળુ સીઝનમાં કમોસમી વરસાદ પડતા રવિ સિઝન એક મહિનો મોડી ચાલુ થઈ છે. તો વળી છાસવારે કેનાલોમાં ગાબડાઓ પડતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે. ત્યારે એક તરફ કુદરતની સામે જગતનો તાત લાચાર છે તો બીજી તરફ નર્મદાની કેનાલોમાં  ગાબડાઓ પડવાથી ખેડૂતોના પાકમાં પાણી ફરી વળે છે.  અનેક વખત ખેડૂતોએ રજૂઆતો કરી છે  છતાં પણ કોઈ નક્કર પગલાં નહિ ભરવામાં આવતાં ખેડૂતો લાખ્ખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે. ત્યારે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધવાથી ખેતરોમાં કૃષિપાક લહેરાઈ રહ્યા છે. સરહદી યાત્રાધામ ઢીમા વિસ્તારમાં લીલા શાકભાજી જેવા કે મૂળા, મેથી, લીલા મરચા, ગાજર, લીલા ધાણા જેવી અનેક શાકભાજીને ઠંડીનું પ્રમાણ વધતા ફાયદો થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News