દિલ્હીમાં નજીવી બાબતે બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ, 3ની ધરપકડ, 37 પોલીસ કસ્ટડીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-05 11:14:20
  • Views : 230
  • Modified Date : 2022-05-05 11:14:20


દિલ્હીના વેલકમ વિસ્તારમાં બે સમુદાય વચ્ચે જૂથ અથડામણ

પાર્કમાં રમતા બાળકો વચ્ચે ઝઘડો થતા મામલો બિચક્યો

ઘટના બાદ પોલીસ એક્શનમાં: 3ની ધરપકડ તો 37 લોકો કસ્ટડીમાં

 

છેલ્લાં કેટલાંય સમયથી દેશના કેટલાંક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક બે સમુદાયો વચ્ચે જૂથ અથડામણ સર્જાયાના સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે હવે દિલ્હીના વેલકમ વિસ્તારમાં બે બાળકો વચ્ચેની લડાઈ બાદ બે સમુદાયો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ત્યાર બાદ થયેલા પથ્થરમારાથી સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. સમગ્ર ઘટના બુધવારના રોજ મોડી રાત્રે બની હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે કડક કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરી લીધી, જ્યારે 37 લોકો કસ્ટડીમાં છે. ઘટનાસ્થળે ખૂબ મોટી સંખ્યામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

પાર્કમાં રમતા બાળકો વચ્ચે ઝઘડો થતા મામલો બિચક્યો

ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપી સંજય કુમારે જણાવ્યું કે, ગઈ કાલે રાત્રે લગભગ 9.50 વાગ્યે પીએસ વેલકમ વિસ્તારમાં ફોટો ચોક નજીક બે સમુદાયના લોકો વચ્ચે ઝઘડાને લઈને પીસીઆર કોલ આવ્યો હતો. આથી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે ફોર્સ પણ તૈનાત કરી દેવાઇ હતી. મામલે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, વેલકમ વિસ્તારના X અને Y બ્લોકના પાર્કમાં રમતા બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. જ્યાર બાદ બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો. આથી સાંપ્રદાયિક તણાવની આશંકા વચ્ચે કેટલાંક શાંતિપ્રિય લોકોએ પોલીસને જાણ કરી. આથી પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ અને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દીધી.

 

મામલે 3ની ધરપકડ અને 37 કસ્ટડીમાં

ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, ઘટનાને લઇને 37 લોકોની અટકાયત કરવામાં આવી છે અને કેટલાંકની હાલમાં શોધખોળ ચાલુ છે. અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મામલે આઈપીસી હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને 108 સીઆરપીસી હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે. તેમના મતે હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. હુલ્લડની કલમો હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. દોષિત વ્યક્તિઓને ઓળખવામાં મદદ કરવા માટે નાગરિક ભાઈચારા સમિતિના સભ્યોને પણ મામલની અંદર જોડવામાં આવ્યા છે.

 

અટકાયતમાં સામેલ કેટલાંક લોકોના નામ પણ સામે આવ્યા છે. જેમાં વાલ્મિકી સમાજના ચંદ્રભાન, સંજય (પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વચ્છતા કાર્યકર), અકીલ, ઉબૈદ, જાકીર, આકીર (ઝાકિર અને આકીર (પિતા-પુત્ર), બકાવના, વાજીદ, રફીક, હબીબ, નૌશાદ, બંટી, પ્રેમ અને શિવમ સામેલ છે.

ભજનપુરા વિસ્તારમાં પણ મચ્યો હતો હોબાળો

તમને જણાવી દઈએ કે, બુધવારે ઉત્તર-પૂર્વ દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં બે લોકોએ કરેલા ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મામલે જણાવ્યું કે, ઘટનામાં વિશાલ અને ગૌરવ નામના બે લોકોને ગોળી વાગી હતી. જેમાં એક શંકાસ્પદની ઓળખ મનીષ ડેઢા તરીકે કરવામાં આવી છે અને એવું લાગે છે કે તેને વિશાલ સાથે કોઈ અંગત દુશ્મનાવટ હતી. તેઓએ કહ્યું કે, ગૌરવ કે જેની પત્ની પોલીસમાં છે, તે જ્યારે તેની સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે તે ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું કે, ગૌરવને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે, જ્યારે વિશાલ હજુ પણ દાખલ છે.

 

પોલીસે કહ્યું કે, એવું લાગે છે કે ડેઢા અને વિશાલ વચ્ચે પ્રેમ પ્રકરણને લઈને દુશ્મની હતી. અગાઉ વિશાલે પણ ડેઢા પર ફાયરિંગ કર્યું હતું અને તેની પર હત્યાના પ્રયાસનો પણ આરોપ છે. પોલીસે જણાવ્યું કે, ડેઢા ભૂતકાળમાં પણ બે ગુનાહિત કેસમાં સંડોવાયેલો છે.

Download Our B K News Today App



Related News