જેતપુરમાં લોકડાઉનના કારણે આર્થિક સંકડામણથી કંટાળી શિક્ષકે વાડીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 16:46:42
  • Views : 623
  • Modified Date : 2020-07-31 16:46:42

   જેતપુર રહેતા અને જુનાગઢની ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અતુલ મગનભાઇ ઠુંમરે પોતાની વાડીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી છે. જેતપુરના જીંથુડી હનુમાન મંદિર પાસે આવેલી પોતાની વાડીએ જ ઝેરી દવા પી લીધી હતી. ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં વાડીએથી મૃતદેહ મળી આવતા જેતપુર પોલીસને જાણ કરાતા સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, લોકડાઉનને કારણે આર્થિક સંકડામણથી કંટાળી અતુલે આ પગલું ભર્યું છે.શિક્ષક અતુલના પિતા મગનભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મારો દીકરો બેં સ્કૂલમાં નોકરી કરતો હતો. બંને સ્કૂલમાંથી એક પણ જગ્યાએથી પગાર મળ્યો ન હતો. આથી તે ચિંતિત રહી જીવન જીવતો હતો. થોડાક દિવસ અમને લાગ્યું કે મારા દીકરાએ આર્થિક ભીંસની અસર મગજ પર લઈ લીધી હતી. અમે તેને કહેતા કે તારે ઘરે એક રૂપિયો દેવાની જરૂર નથી. તેમજ અમે તેની પાસેથી રૂપિયા માગતા પણ નહોતા. તો પણ તેણે આ પગલું ભરી લીધું. અતુલની પત્ની કૃપાલીબેને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મારા પતિનું નામ અતુલભાઇ ઠુંમર છે. તે જીનીયસ પબ્લીક સ્કૂલમાં જોબ કરતા હતા. તેને ઘણા સમયથી પગાર મળ્યો નહોતો. કોરોનાને લીધે બધુ બંધ હતું આથી તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. આથી તેણે આપઘાતનું પગલું ભરી લીધું છે. બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો. તેના આપઘાત પાછળનું આ એક જ કારણ છે.

Download Our B K News Today App



Related News