સીસવા ગામના તળાવમાં કાર ખાબકતા એક યુવાનનું મોત, બે મિત્રોનો આબાદ બચાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-15 15:50:06
  • Views : 464
  • Modified Date : 2020-02-15 15:50:06

: બાજવા ગામના ત્રણ મિત્રો નોકરી પરથી આજે વહેલી સવારે કારમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે કાર ચાલકને ઝોકુ આવી જતા વડોદરા નજીક સીસવા ગામના તળાવમાં કાર ખાબકી હતી. આ ઘટનામાં એક મિત્રનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે બે મિત્રોનો આબાદ બચાવ થયો હતો.
ત્રણેય મિત્રો રોજ કારમાં નોકરી પર જતા હતા
વડોદરા શહેર નજીક આવેલા બાજવા ગામમાં રહેતા ચંદ્રેશભાઇ અરવિંદભાઇ શાહ(36) તેમજ તેના બે મિત્રો રાજુભાઇ અને નરેન્દ્રભાઇ સાવલી તાલુકામાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્રણેય મિત્રો રોજ સ્વિફ્ટ કારમાં નોકરી ઉપર જતા હતા. નાઇટ શિફ્ટમાં નોકરી કરીને ત્રણેય મિત્રો કારમાં ઘર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે તેઓની કાર સીસવા ગામના તળાવમાં ખાબકી હતી.
કાર ચાલકને ઝોકુ આવતા કાર તળાવમાં ખાબકી
સાવલીથી નીકળેલી કારના ચાલક રાજુભાઇને સીસવા ગામ પાસે ઝોકું આવી જતાં રોડની બાજુમાં આવેલા પ્રોટેક્શન વોલ વિનાના તળાવમાં કાર ખાબકી હતી. તળાવમાં કાર ખાબકતા જ ગામના લોકો દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ સાથે ફાયર બ્રિગેડને જાણ કરતા ટી.પી.-13 ફાયર બ્રિગેડના ફાયર સબ ઓફિસર ઓમ જાડેજા સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી એક યુવાનને બચાવી લીધો હતો. અને તળાવમાં ડૂબી ગયેલા ચંદ્રેશભાઇ અરવિંદભાઇ શાહના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.એક યુવાન તરીને બહાર આવ્યો બીજાને ફાયર બ્રિગેડે બચાવ્યો કારમાં સવાર ત્રણ યુવાન પૈકી કાર ચાલક રાજુભાઇ તરીને બહાર આવી ગયો હતો.  જ્યારે બીજાને ગામ લોકોની મદદથી ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધો હતો. સીસવા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ગામના લોકો જાગતા હતા. કાર તળાવમાં ખાબકતાં જ ગામ લોકો દોડી ગયા હતા. અને તુરંત જ બચાવ કામગીરી સાથે ફાયર બ્રિગેડને જાણ કરતા બે યુવાનો આ ઘટનામાં બચી ગયા હતા.  આ બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ પણ પહોંચી ગઇ હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News