સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારીના દર્શને લાખો ભક્તો ઉમટ્યા, નર્મદાના જળથી અભિષેક કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-22 12:56:22
  • Views : 378
  • Modified Date : 2020-02-22 12:56:22

દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પર્વ મહાશિવરાત્રીની વડોદરા શહેર-જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શિવાલયો બમ્..બમ્..ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. ડભોઇ તાલુકાના કરનાળી ખાતે નર્મદા નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મંદિરના દર્શન માટે સવારથી શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. આજે વહેલી સવારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આરતી અને વૈદિક પૂજા કરી હતી. સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરના વ્યવસ્થાપક રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના પાવન પર્વે મોડી રાતથી જ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા. આજે સવારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે આરતી કરવામાં આવી હતી. દાદાના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ નર્મદા નદીમાં સ્નાન કરીને નર્મદાના જળ, શેરડીનો રસ, મધ જેવા દાદાના પ્રિય ચીજવસ્તુઓથી અભિષેક કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે કુંબેર ભંડારી નગરયાત્રા નીકળશે. આજે ચાર પ્રહરની મહાપૂજાનું પણ આયોજન કરાયું છે. વડોદરાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં સવારથી જ શ્રદ્ધાળુઓની ભોલેદાદાના દર્શન માટે લાઇનો શરૂ ગઇ છે. સવારથી ભજન-મંડળીઓ શિવજીની આરાધના કરતા ભજનોની રમઝટ બોલાવી રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન અને માતા પાર્વતીજીના લગ્ન થયા હોવાથી શિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. રાત્રે ભગવાન શિવજી અને માતા પાર્વતીના લગ્ન થશે. મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર વડોદરા શહેરના શિવાલયો હર..હર.. મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. નાના-મોટા અને સુપ્રસિદ્ધ તમામ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. કાયાવરહોણ શ્રી લકુલીશ મહાદેવ તેમજ દેણા ગામ ખાતે આવેલા શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળા ભરાયા હતા. શિવાલયોની બહાર તેમજ વડોદરા શહેરના માર્ગો ઉપર શિવજીની પ્રિય પ્રસાદી મનાતી ભાંગનું વેચાણ થઇ રહ્યું છે.

Download Our B K News Today App



Related News