સુઇગામમાં પોણા 2 ઇંચ,ધાનેરામાં દોઢ ઇંચ, દાંતામાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 12:22:03
  • Views : 718
  • Modified Date : 2020-07-03 12:22:03

ઉત્તર ગુજરાતમાં બુધવાર મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતાં 11 તાલુકામાં 1 મીમીથી માંડી પોણા બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. બુધવારે મોડી સાંજથી ગુરૂવાર સવાર સુધીમાં સુઇગામમાં પોણા બે ઇંચ, ધાનેરામાં દોઢ ઇંચ, દાંતામાં પોણો ઇંચ, દિયોદરમાં 9 મીમી, બાયડમાં 6 મીમી, સાંતલપુરમાં 4 મીમી, ભાભર અને લાખણીમાં 2-2 મીમી, કાંકરેજ, વિજયનગર અને સતલાસણામાં 1 મીમી વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ ગુરૂવાર સવારથી સાંજે 6 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના એકપણ સ્થળે નોંધણી લાયક વરસાદ ન વરસાતાં દિવસ કોરોધાકોર પસાર થયો હતો.જ્યારે દિયોદરના પાલડી મીઠી ગામે વીજળી પડતાં ચાર ગાયોના મોત નિપજ્યા હતા.  સુઇગામ પંથકમાં બુધવારે  રાત્રે સાડા નવ વાગ્યે વાવાઝોડા,ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરતાં એક કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લીધે નીચાણવાળા વિસ્તારોમાઅને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ધાનેરા તાલુકામાં બુધવારની મોડી રાત્રે અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો અને 20 મીનીટમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં ધાનેરાની ગટરો ઉભરાઇ હતી અને પાણી મુખ્ય રસ્તાઓ ઉપર આવ્યા હતા અને આ પાણી સરકારી હોસ્પીટલમાં ભરાઇ જતાં હોસ્પીટલ બેટમાં ફેરવાઇ હતી. દિયોદર તાલુકામાં બુધવારે રાત્રે આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. ત્યારે અડધો કલાક જેટલા વરસેલા વરસાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાલુકામાં 9 મિ.મી વરસાદ નોંધાવા પામ્યો હતો. હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા ત્યારે દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામે મગનભાઈ લાલાભાઇ રબારી પાલડી ગામે અરજણસિંહ વાઘેલાના ખેતરમાં ભાગીયા તરીકે રહી ખેત મજૂરી કરતા હતા. ત્યાં ખેતરમાં બાંધેલી તેમની ચાર ગાયોનું વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. દાંતામાં પણ મોડી રાત્રે 20 મિમિ વરસાદ વરસ્યો હતો. જેને લઇ સમગ્રપંથકમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત લાખણી-ભાભરમાં 2 મિમિ વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.  હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે ઉત્તર ગુજરાત મહદંશે વાદળછાયું રહેશે. પરંતુ પાંચેય જિલ્લામાં વરસાદની શક્યતા નહીંવત છે. બીજી બાજુ વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.

Download Our B K News Today App



Related News