સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાતે ક્રૂઝનું આકર્ષણ શરૂ કરવા માટે ગોરા બ્રિજ તોડવાનો આરંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 13:57:16
  • Views : 403
  • Modified Date : 2020-03-03 13:57:16

વિશ્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાતે ક્રૂઝનું આકર્ષણ શરૂ કરવા માટે પંચાવન વર્ષ જૂનો ગોરા બ્રિજ તોડવાનો આરંભ થઇ ગયો છે. જેનો આસપાસના ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો  છે. ત્યારે એક તબક્કે  સ્થાનિક સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રિય મંત્રી મનસુખ વસાવાએ પણ આ મામલે તંત્રની ઝાટકણી કાઢી હતી. 
જેમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલો ૧૯૬૫-૬૬માં જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમનું નિર્માણ કાર્ય ચાલુ કરાયું ત્યારે બનાવેલા ગોરા બ્રિજના વચ્ચેના ભાગને તોડવાની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ૧લી માર્ચથી શરૂ કરવામાં આવ્યુ હતુ.  આમ ચોમાસામાં જ્યારે ધોધમાર વરસાદ વર્ષે અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે એ પુલ સંપૂર્ણપણે ડૂબી જતો હતો. એ જ કારણોસર ગોરા બ્રિજની બાજુમાં  સમાંતર બીજો એક બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે બ્રિજ હજીસુધી પૂરો થયો નથી.ત્યારે તેનો વપરાશ શરૂ થાય તે અગાઉ જ ગોરા બ્રિજ તોડવાની શરૂઆત કરવામાં આવતાં આસપાસના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. 
આમ ગરુડેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આગામી સમયમાં ક્રૂઝ બોટ સેવા ચાલુ થવાની છે. જેના પગલે આઠસો મીટર લાંબા ગોરા બ્રિજના વચ્ચેના ભાગને તોડવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. આમ હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ અને આસપાસના સ્થાનિક ગ્રામજનો માટે ગરુડેશ્વર થઈ કેવડિયા જવા માટે ડાયવર્ઝન અપાયું છે. ત્યારે એકતરફ સરદાર સરોવર નર્મદા નિગમના આ નિર્ણયથી આસપાસના ગ્રામજનો રોષ વ્યક્ત કરી એમ જણાવી રહ્યા છે કે પુલ તોડવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યા વગર લીધેલો આ નિર્ણય યોગ્ય નથી. આમ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નવા બ્રિજના લોકાર્પણ પહેલા જૂનો પુલ તોડવાનો નિર્ણય બિલકુલ યોગ્ય નથી તેમ જણાવીને તંત્રની ઝાટકણી કાઢી હતી. ઝરવાણી, ગોરીયા, ગોરા, જાવડીયા, બોરીયા, પીપરીયા સહિત લગભગ ૨૦થી ૨૫ ગામના લોકોનો તેના કારણે ખૂબ જ મુશ્કેલી પડશે. પરંતુ તંત્રએ કોઇપણ જાતની વ્યવસ્થા કર્યા વગર આ નિર્ણય લીધો જેના કારણે આ વિસ્તારના રહીશો નારાજ થયા છે. ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પણ આવે છે, પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડશે. 

Download Our B K News Today App



Related News