મહિલાઓ માટેની રાજ્ય સરકારની પહેલ, મહિલા સશક્તિકરણ માટે ખાસ આર્થિક સહાય ,સેલ્ફ હેલ્પ જુથ બનાવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 10:43:15
  • Views : 1659
  • Modified Date : 2021-03-08 10:43:15

    ગુજરાત રાજય સરકાર મહિલાઓના આર્થિક વિકાસ અને તેમના સામાજીક કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. તેમાં મહિલા શિક્ષણ, શિક્ષણ, પોષણ, આરોગ્ય, કૌશલ્ય, આર્થિક, કલ્યાણ, સુરક્ષા, વહીવટી સક્ષમતા જેવા મુદ્દાઓ આવરી લેવાય છે. મહિલા સશક્તિકરણ માટે ખાસ આર્થિક સહાય ,સેલ્ફ હેલ્પ જુથ બનાવીને કામગીરી થાય છે, તમેને વિવિધ એકઝીબીશન યોજવા મદદ પણ કરાય છે. રાજય સરકારનો મહેસુલ વિભાગ દ્વારા મહિલાઓના નામે મકાનની નોંધણી કરવામાં આવે તો સ્ટેમ્પ ડયુટીમાં રાહત પણ આપવામાં આવે છે.રાજયમાં વર્ષ 2014-15થી મહિલા વિકાસની વાત કરતું જેન્ડર બજેટ પણ સમાન્ય બજેટ સાથે રજુ કરવામાં આવે છે.

    રાજય સરકારના મહિલા અને બાળવિકાસના કમિશનર અને સચિવ મનિષા ચંદ્રાએ જણાવ્યું હતુ કે, “રાજ્યની કિશોરીઓ, યુવતીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ અન્ય તમામ મહિલાઓનું પોષણ, આર્થિક, સામાજિક વિકાસ અને સુરક્ષા જળવાય અને તેણી પોતાના અને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા સક્ષમ બને તેજ અમારું લક્ષ્ય છે. અમારો મંત્ર છે,"સક્ષમ મહિલા...સશક્ત ગુજરાત..." પોતાના વિકાસ થકી કુટુંબ, સમાજ અને રાજ્યના વિકાસમાં મહત્તમ યોગદાન આપે.”મહિલાના નામે નોધાતા દસ્તાવેજોની ફી માંથી માફી : મહિલાઓના નામે મિલકત હોયતો તેની સામાજિક સુરક્ષા જળવાય છે, સરકારે મહિલાના નામે નોધાતા દસ્તાવેજોની ફી માંથી માફી આપી છે, જેના પરિણામ સ્વરૂપ આજે ૨૪.૦૧ લાખ દસ્તાવેજ મહિલાના નામે નોધાયા જે માટે સરકારે રૂ. 1637.17 કરોડની ફી માફી કરી આપી છે. (મહેસુલ વિભાગ).

    ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારની કન્યાઓ શાળામાં પ્રવેશ મેળવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે “કન્યા કેળવણી રથ યાત્રા” પ્રાથમિક શાળામાં ચલાવવામાં આવે છે, જેમાં સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ સતત ગ્રામ્ય સ્તરે કન્યાના વાલીઓ ને કન્યા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શાળામાં પ્રવેશ અપાવે છે. સાથેજ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવેલ કન્યા સ્થાયી રહી પોતાનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે “વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના” (પ્રાથમિક અને માધ્યમિક શાળા) દ્વારા રૂ.૨૦૦૦ની આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

    માધ્યમિક શાળાઓ ગામથી દુર હોવાથી વાહન વ્યવહારની સુવિધાના અભાવે દીકરીઓ શિક્ષણ મેળવતી નથી ડ્રોપ આઉટ થાય છે, આ સમસ્યાના ઉકેલ માટે “વિદ્યા સાધના અને સરસ્વતી સાધના” યોજના અંતર્ગત શાળામાથીજ દીકરીઓને મફત સાયકલ આપવામાં આવે છે. તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે મફત એસ.ટી. બસ પાસ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે જે વાલીઓ પોતાની દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવી શકતા નથી તેના માટે “મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ” (નિયામક, પ્રાથમિક શિક્ષણ)યોજના શરુ કરેલ છે, જેમાં અરજી કરી કન્યા શિક્ષણ માટે સહાય મેળવી શકાય છે.આદિવાસી વિસ્તારમાં માધ્યમિક શિક્ષણમાં દીકરીઓને ઘરકામ કે અન્ય કામમાં જોડવાના કારણે હાજરી ઓછી હોય છે તેથી આ વિસ્તારમાં “અન્ન સંગમ” (10+10+10 kg. ઘઉં ચોખા અને મકાઈ) (આદિજાતી વિકાસ વિભાગ) યોજના અંતર્ગત વાલીઓને અનાજ પૂરું પાડવામાં આવે છે.

    વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાને એક કોલ દ્વારા તાત્કાલિક સહાય અને સુરક્ષા મળી રહે તે માટે “અભયમ 181 મહિલા હેલ્પલાઈન” સતત કાર્યરત છે (મહિલા અને બાળ વિકાસ વિભાગ), હિંસા ગ્રસ્ત મહિલા કે યુવતીને માહિતી, માર્ગદર્શન અને સહાયતા માટે “પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સહાયતા કેન્દ્રો” સમગ્ર રાજ્યમાં કાર્યરત છે, તેમજ ઘરથી બહાર કાઢી મુકેલી મહિલાને સહાયરૂપ બનવા “વન સ્ટોપ સેન્ટર – સખી સેન્ટર” અને “આશ્રયગૃહ” અને “સ્વધાર ગૃહ” બનાવાયા છે.

    “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” (નવી યોજના) અંતર્ગત ધિરાણ સંસ્થાઓ મારફત પ્રત્યેક સ્વ સહાય જૂથને આર્થિક પ્રવુંર્ત્તી શરુ કરવા રૂ.1 લાખની લોન સહાય આપવામાં આવે છે, (ગ્રામ વિકાસ વિભાગ) તેમજ સ્વ સહાય જૂથો દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે “આયુર્વેદિક સાબુ બનાવવાના યુનિટ શરુ કરવા આર્થિક સહાય” આપવાની યોજના વર્ષ 2021-22થી શરુ થનાર છે. (ફોરેસ્ટ વિભાગ).

  • -મહિલા સશક્તિકરણની અંદાજે 867 જેટલી યોજનાઓ આવરી લેવાઈ છે.
  • -આ પૈકી, 189 જેટલી યોજનાઓ સંપૂર્ણપણે (100%) મહિલાલક્ષી છે,
  • -જેમાં મહિલાઓ અને કન્યાઓની શિક્ષણ, આરોગ્ય, ક્લ્યાણ, સુરક્ષા, પોષણ, કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણ જેવી વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ. 5112.88 કરોડ જેટલી જોગવાઈ કરવામાં આવેલી છે,
  • -મહિલાઓની સહભાગિતાના ટકાવારીમાં 30થી 99% હોય તેવી 678 યોજનાઓ આવરી લેવામાં આવેલ છે, જે માટે રૂ. 81,998.22 કરોડ જેટલી જોગવાઈ કરવામાં આવેલ છે, જેમાં વ્યક્તિગત લાભાર્થીલક્ષી યોજનાઓ, વિવિધ માળખાગત તેમજ સમુદાય વિકાસ યોજનાઓનો સમાવેશ થયેલી છે.
  • -વર્ષ 2021-22ના જેન્ડર બજેટમાં ગત વર્ષ (2020-21)ની સરખામણીમાં બંને કેટેગરીમાં થઈ કુલ રૂ.8,692.63 કરોડનો વધારો થયો છે.


Download Our B K News Today App



Related News