રાજ્યના તમામ બંદરો એલર્ટ, અંડર વોટર એટેકની શક્યતાને લઇ મરીન કમાન્ડો તૈનાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 14:26:35
  • Views : 501
  • Modified Date : 2019-08-29 14:26:35

કચ્છમાં પાકિસ્તાની કમાન્ડો ઘુસણખોરી કરી તેવી શક્યતા છે. જેને લઈને ગુજરાતના તમામ બંદરો પર એલર્ટ આપવામાં આવ્યુ છે. અદાણી પોર્ટ, કંડલા પોર્ટ, પીપાવાવ પોર્ટને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. તમામ પોર્ટે શિપ માલિકોને સુરક્ષાના નિયમો પાળવા માટે સૂચના આપાઈ છે. જ્યારે કચ્છના સરક્રિક, હરામીનાળા અને સમુદ્ર વિસ્તારોમાં હાઈએલર્ટ અપાયું છે.જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે. કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા ટ્રેનિંગ લીધેલાં કમાન્ડો ઘૂસ્યા હોવાના ઈનપુટ બહાર આવતા સુરક્ષા તંત્રે એલર્ટ જાહેર કર્યુ છે. એલર્ટના પગલે પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સની ચેકિંગ શરૂ કરી દીધું છે તો મરીન કમાન્ડોને પણ તૈનાત કરી દેવાયા છે. કંડલા પોર્ટ પ્રશાસને બધા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપી છે. ઈન્ટેલીજન્સ ઈનપુટ અનુસાર પાકિસ્તાનના ટ્રેનિંગ પ્રાપ્ત કમાન્ડો ગલ્ફ ઓફ કચ્છમાં હરામી નાળા ક્રીકથી ઘૂસ્યા છે. જેમણે અંડર વોટર એટેક માટે ટ્રેનિંગ મેળવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.થોડાં દિવસ અગાઉ જ પાકિસ્તાની બોટ મળી હતી.24 ઓગસ્ટના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સને કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક માછીમારીની બે ખાલી બોટ મળી આવી હતી. આ બોટ કચ્છના 'હરામી નાળા' નજીકથી મળી આવ્યા બાદ બીએસએફ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.જો કે આ નૌકાઓમાંથી કોઈ શંકાસ્પદ સામાન મળી આવ્યો ન હતો. તેમ છતાં, સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદી હુમલાના ઇનપુટ મળ્યા બાદ આસપાસના કેટલાક વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News