સરપંચના પુત્રે બહેનના પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 12:24:45
  • Views : 4356
  • Modified Date : 2020-03-02 12:24:45

વાગરા તાલુકામાં આવેલાં પાદરિયા ગામના અજય ઉર્ફ અમિત ગોહિલની હત્યાના કારસાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગામના સરપંચના પુત્રએ પોતાની બહેન સાથે અજયના આડા સંબંધ હોઇ તેનો કાંટો કાઢવાનો કારસો રચી તેની નિર્મમ હત્યાને અંજામ આપ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. દહેજ પોલીસે હત્યાને અંજામ આપનારા સરપંચના પુત્ર તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. વાગરા તાલુકામાં આવેલાં પાદરિયા ગામનો અજય ઉર્ફે અમિત ગત 24મી ફેબ્રુઆરીએ કોલોનીમાં દુધ આપવા ગયાં બાદથી ગુમ થયો હતો. પરિવારે તેની શોધખોળ કરતાં 27મીએ નરણાવી ગામની સીમમાં આવેલાં બહકા તળાવમાંથી અજય ઉર્ફે અમિતનો ગળે ટૂંપો આપી તેના બન્ને હાથ ટીશર્ટથી પાછળથી બાંધી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દહેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં કોઇ જાણભેદુંએ જ કારસો રચ્યો હોવાની શંકા પોલીસને જતાં તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ગામમાં થતી ચર્ચાઓના આધારે અજય ઉર્ફે અમિતને તેના મિત્ર સાગરની બહેન ગામના સરપંચ અજીત વસાવાની પુત્રી સાથે આડો સંબંધ હોવાનું માલુમ પડતાં પોલીસે તેમની ઉલટ પુછપરછ કરતાં આખરે સાગર ભાંગી પડ્યો હતો. તેણે હત્યાના કારસાની કબુલાત કરી જણાવ્યું હતું કે, અજય ઉર્ફે અમિતને તેની બહેન સાથે સંબંધ હોઇ ષડયંત્ર રચ્યું હતું. જેમાં તેના અન્ય એક મિત્ર અને કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકે મદદ કરી હોવાની કબુલાત કરતાં પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાદરિયાના સરપંચના પુત્ર સાગર સાથે અમિત ઉર્ફે અજયની મિત્રતાં હતી. તે સાગરની મોટી બહેનને બહેન કહી બોલાવતો હતો. જોકે બાદમાં તેના તેની સાથે આડા સંબંધ હોવાનું માલુમ પડતાં સાગરે બનાવના આગલા દિવસે જ તેની હત્યાનો કારસો રચ્યો હતો. એક મિત્રને સાથે રાખ્યો હતો. બહેન સાથે આડા સંબંધને લઇને સાગરે અજયને ગામની સીમમાં ખેતરે લઇ ગયો હતો. તેની સાથેના બાળકે તેના હાથ પાછળથી પકડી લેતાં સાગરે નાયલોનની દોરીથી તેના ગળે ટૂપો દેતાં અજય સાગરભાઇ મને છોડી દો ના છેલ્લાં શબ્દો ઉચ્ચાર્યાં હતાં. દોરી તુટતા સાગરે હાથથી ગળું દબાવ્યું હતું. હત્યાને અંજામ આપ્યાં બાદ હત્યારા સાગર અને તેના સાથીએ તેમના પર શંકા ન આવે તે માટે બન્નેએ ગામ છોડ્યું ન હતું. મૃતક અજયના પરિવારજનો તેને શોધતાં તે વેળાં તેઓ પણ તેમને મદદરૂપ થવાનું નાટક કરતાં હતાં.

Download Our B K News Today App



Related News