લગ્નપ્રસંગે તમારું વ્યક્તિત્વ નિખારશે ટ્રેડિશનલ-વેસ્ટર્નનું ફ્યૂઝન!તહેવારોની સિઝન પૂરી થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 14:58:46
  • Views : 745
  • Modified Date : 2019-11-20 14:58:46

 કોઇપણ તહેવાર આવતો હોય ત્યારે મહિનાઓ અગાઉથી તેની જોરદાર તૈયારીઓ ચાલુ થઇ જાય. મૂળે આપણે ભારતીય પ્રજા ખૂબ જ હોંશીલી, આપણે દરેક વસ્તુને માણવાનો, નાની વાતની પણ ઉજવણી કરવાનો મોકો ક્યાંક ને ક્યાંકથી શોધી જ લેતાં હોઇએ છીએ. આપણે ઘણીવાર પેપરમાં વાંચી અને સાંભળીએ છીએ કે મંદી છે, બજાર તેજીમાં નથી, પણ તમે તહેવારના સમયમાં બજારમાં જાવ તો ખ્યાલ આવે કે મંદી નામનો શબ્દ આ દિવસોમાં ક્યાંય રફુચક્કર થઇ જતો હોય છે અને લોકો મન ભરીને પોતાને મનગમતી વસ્તુની ખરીદી કરી લે છે. આવું જ કોઇ પ્રસંગ આવવાનો હોય તે પહેલાં બજારમાં જોવા મળતું હોય છે. તેથી દિવાળી પૂરી થઈ, મોટાભાગના મોટા તહેવારો ગયા પણ હજી બજારનો માહોલ શાંત નથી, કેમ કે હવે લગ્નની સિઝન શરૂ થશે. દિવાળી જાય એટલે ઠંડીની સિઝનમાં લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠે છે. ઘરમાં જુઓ તો એક સાથે દસ દસ લગ્નકંકોત્રીઓ આવીને પડી હોય અને આપણાં પેરેન્ટ્‌સ તે નક્કી કરવામાં વ્યસ્ત હોય કે કોના ઘરે જમવા જઇશું, કોના ઘરે દાંડિયારાસમાં જઇશું અને કોના ઘરે શું ચાંદલો તેમજ ગિફ્‌ટ આપીશું. જ્યારે સ્ત્રીઓને વળી લગ્નસિઝનમાં એ ચિંતા હોય કે આ વખતે નવું શું પહેરીશું. એક જ પ્રકારનાં વસ્ત્રો પહેરીને કંટાળેલી સ્ત્રીઓ કંઇક નવું પહેરવાની વેતરણમાં હોય છે જે તેમના લુકને બીજાથી અલગ તારવી શકે અને તેઓ સુંદર પણ લાગે. આજે આપણે એવા જ ફ્યુઝનવેરની ચર્ચા કરવાની છે કે જે તમે આગામી લગ્ન સિઝનમાં ચોક્કસથી પહેરી શકશો.ટ્રેડિશનલ અને વેસ્ટર્નનો સુભગ સમન્વય  હવે છોકરીઓ ફુલ્લી ટ્રેડિશનલ વસ્ત્રો પહેરવાને બદલે સેમી ટ્રેડિશનલ અથવા તો ફ્યુઝન વસ્ત્રોની પસંદગી વધારે પ્રમાણમાં કરે છે. અરે, હવે સાડીમાં પણ એટલી નવીનવી ડિઝાઇન નીકળી છે કે તમે પરંપરાગત સાડી ભૂલી જ જશો. વેલ, અહીં આપણે સાડી નહીં પણ ટ્રેડિશનલ અને વેસ્ટર્નના સમન્વયની વાત કરવાની છે. મતલબ કે ફ્યુઝન આઉટફીટ્‌સની વાત કરવાની છે. આજકાલ લગ્નની સિઝનમાં સાડી અને ચણિયાચોળી કરતાં સ્કર્ટ-ટીશર્ટ, ધોતી, ક્રોપ ટોપ સાથે લોંગ જેકેટ, પ્લાઝો ક્રોપ સાથે લોંગ જેકેટ, સ્કર્ટ, ક્રોપટોપ સાથે લોંગ અને શોર્ટ જેકેટ વગેરે પહેરવાનું વધારે પસંદ કરે છે. આની ખાસિયત એ છે કે ધારો તો તમારી પાસે રહેલાં વસ્ત્રોની જોડી બનાવીને પણ પહેરી શકો છો. જેમ કે, તમારી પાસે લોંગ સ્કર્ટ હોય તો તેને મેચિંગ થોડું ભારે ટીશર્ટ ખરીદીને પરફેક્ટ મેચ કરી શકાય. તેની સાથે લોંગ જેકેટને મેચ કરવું હોય તો તેને પણ મેચ કરી શકો છો. આજકાલ છોકરીઓ એથનિક સ્કર્ટ સાથે વેસ્ટર્ન ટોપ અને પરંપરાગત દુપટ્ટાનું પણ મેચિંગ કરીને સુંદર કોમ્બિનેશનવાળો આઉટફિટ તૈયાર કરે છે. આ જ રીતે ક્રોપ સાથે પ્લાઝો અને સિગાર પેન્ટનું કોમ્બિનેશન અને તેની ઉપર લોંગ એથનિક અથવા તો થોડું હેવી ટ્રેડિશનલ જેકેટ બનાવડાવી શકાય છે. આ આઉટફિટ્‌સ પહેરાતા ખૂબ જ સુંદર લાગે છે તેમજ તમારી એક આગવી છબી ઊભી કરવાનું કાર્ય પણ બખૂબી કરી જાણે છે. 


Download Our B K News Today App



Related News