નર્મદા કેનાલમાંથી બચી ગયેલા કિશોરે કહ્યુ: 'સ્કૂલ બેગ હોવાથી પાણીમાંથી ઉપર આવી ગયો, તુલસીનો છોડ પકડી લેતા મારો જીવ બચ્યો'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 13:46:34
  • Views : 474
  • Modified Date : 2020-02-21 13:46:34

આંકલાવના કોસિન્દ્રા ગામથી વડોદરા આવી રહેલા ત્રણ મિત્રો પૈકી 16 વર્ષના લક્ષ્મણનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 2 મિત્રો હજુ પણ લાપતા છે. તેના મિત્રો વૈભવ અને અશોક મિત્રો કંઇ કંપનીમાં કામ કરે છે અને શું બનાવે તે જોવા માટે લક્ષ્ણ તેમની સાથે નિકળ્યો હતો, તે સમયે ભીમપુરા શેરખીને જોડતા બ્રિજ પર બાઇક સ્લીપ થતાં ત્રણેય મિત્રો 20 ફૂટ ઊંડી કેનાલમાં પડ્યા હતા. જેમાં લક્ષ્મણને તેણે ખભે લટકાવેલી સ્કૂલ બેગ અને કેનાલની પાળી પરના તુલસીના છોડે નવુ જીવન આપ્યું હતું. લક્ષ્મણે જણાવ્યુ કે, વૈભવ અને ગોપાલ          મારા સારા મિત્રો છે, જેથી ગોપાલે મને કહ્યું હતું કે, તારે અમારી કંપનીમાં કામ જોવા માટે આવવુ હોય તો ચાલ સવારે વહેલી નીકળી જઇશું અને વહેલા પાછા આવી જઇશું, જોકે શરૂઆતમાં તો મે તેમની સાથે જવા માટે ના પાડી દીધી હતી, પરંતુ વહેલા આવવાનું કહેતા હું તેમની સાથે જવા માટે તૈયાર થયો હતો. વધુમાં લક્ષ્મણે જણાવ્યું હતું કે, અમે ઘરેથી નીકળ્યા ત્યારે વૈભવ બાઇક ચલાવતો હતો, તેની પાછળ ગોપાલ બેઠો હતો અને તેની પાછળ હું બેઠો હતો. ગોપાલ અને વૈભવનુ ટિફિન મારી સ્કૂલ બેગમાં મૂકેલુ હતુ. અને સ્કૂલ બેગ મારી પાસે હતી. અમે જ્યારે શેરખીથી ભીમપુરા કેનાલના બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે વળાંક પર અચાનક જ બાઇક સ્લીપ થઇ ગયું હતુ. જેથી અમે ત્રણેય મિત્રો બાઇક સાથે કેનાલમાં પડ્યા હતા. અમે લોકોએ બચાવ બચાવની બૂમો પાડવાનું શરૂ કરી દીધુ હતું. પાણીનો પ્રવાહ વધારે હોવાથી વૈભવ અને ગોપાલ કેનાલની વચ્ચે પહોંચી ગયા હતા. જોકે મે પાછળ બેગ લગાવેલી હોવાથી હું પાણીની ઉપર આવી ગયો હતો. અને કેનાલની પાળી પરના તુલસીના છોડને પકડી લીધો હતો. આ સમયે અમારી બૂમો સાંભળીને ત્યાં એક ભાઇ આવી ગયા હતા અને તેઓ વૈભવ અને ગોપાલને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યા હતા. અને હું તુલસીના છોડના સહારે કેનાલની પાળી પર ચઢીને બહાર નીકળી ગયો હતો. કેનાલમાં ડૂબી ગયેલા બે મિત્રોને શોધવા ફાયર બ્રિગેડના લાશ્કરો અને એનડીઆરફીની ટીમ કામે લાગી છે. જોકે કેનાલમાં પાણીનું વહેણ વધુ હોવાથી બન્ને આગળ તણાયા હોવાનું અનુમાન છે.

Download Our B K News Today App



Related News