તીડનો સફાયો કરવા રાજ્ય સરકાર સક્રિય કૃષિ મંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 15:30:01
  • Views : 471
  • Modified Date : 2019-12-27 15:30:01

બનાસકાંઠા જિલ્લાના તીડ પ્રભાવિત થરાદ તાલુકાના  રડકા, નારોલી સહિત રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા ગામોની  કૃષિ મંત્રી આર.સી ફળદુએ મુલાકાત લઇ તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાનીનો જાયજો મેળવવા ખેડૂતોના ખેતરોનું નિરીક્ષણ કર્યુ હતું.  કૃષિ મંત્રી  આર.સી. ફળદુએ બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ખેડૂતોના ખેતરમાં ફરી નુકશાનીનો અંદાજ મેળવી ખેડૂતોને હૈયાધારણા આપી હતી.  મંત્રીએ મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, તીડોને નિયંત્રણ કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તીડોના આક્રમણનો સમાનો કરવા ખેડુતો પણ પોતાના ટ્રેકટરો વડે દવા છંટકાવની કામગીરીમાં મદદ કરી રહ્યા છે તે બદલ અહીંના સ્થાનિક લોકોને ધન્યવાદ આપું છું.  કૃષિ  મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે,  થરાદ તાલુકાના રડકા અને નારોલી આસાપાસના ગામોમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહેલા તીડનો સફાયો કરવા ભારત સરકારની ૧૮ ટીમો તથા રાજ્ય સરકારની ૧૨  ટીમો, આમ કુલ-૩૦ ટીમો અને સ્થાનિક ટ્રેકટરો દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી દવા છંટકાવ કરીને તીડોનો સફાયો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ખેતીવાડી વિભાગની ટીમો દ્વારા તીડની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે અને જ્યાં તીડના ઝુંડે રાત્રિ રોકાણ કર્યુ હોય તેનું લોકેશન મેળવી ટીમો દ્વારા તેને શોધી ભારત સરકારની ટીમો તથા ટ્રેકટર માઉન્ટેડ રાજય સરકારની ટીમોનું દળ બનાવી વહેલી સવારે ૬ થી ૧૧ કલાક સુધી દવાનો છંટકાવ કરી તીડોનું નિયંત્રણ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, બપોર પછી દિવસ દરમિયાન તીડ ઊંચા ઉડતા હોય છે જેથી આ સમયે તેનું નિયંત્રણ કરવું શક્ય બનતું નથી. રાત્રીના સમયે તેઓ બેસી જાય છે પરંતુ રાત્રિના સમયે તીડ દ્વારા તેના શરીર પરના છિદ્રો સંકોચી લેવામાં આવે છે અને શ્વસનક્રિયા ધીમી હોય છે જેથી રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે સૂર્યોદય પછી દવા છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવે છે. મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, પવનની દિશાના આધારે તીડના ઝુંડ ગતિ કરતા હોય છે. આ તીડ રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવ્યા છે જો ત્યાંની સરકારે કેન્દ્ર સરકારની મદદથી સમયસરપગલાં લીધા હોત તો ખેડૂતોના પાકને બરબાદ થતો બચાવી શકાયો હોત તેમ તેમણે જણાવ્યું હતું. હાલ પવનની દિશાના આધારે થરાદ તાલુકાના આંતરોલ, રડકા, અજાવાડા અને નારોલી ગામની આજુબાજુ જોવા મળતાં તીડ રાજસ્થાન બાજુ પવનની દિશાના આધારે એ તરફ ગતિ કરે છે અને દિશા બદલાતા ફરીથી આ વિસ્તારમાં આવીજાય છે. તીડના ઉપદ્રવનો ખાત્મો કરવા સમગ્ર તંત્ર એલર્ટ રહી કામ કરે છે તેમ તેમણે ઉમેર્યુ હતું મંત્રીની મુલાકાત પ્રસંગે  કૃષિ નિયામક બી.એમ. મોદી, અગ્રણીઓ  જીવરાજભાઈ  પટેલ, શૈલેશભાઇ પટેલ, થરાદ પ્રાંત અધિકારી  વી.સી. બોડાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે.પટેલ, નાયબ બાગાયત નિયામક જે.બી. સુથાર સહિત અધિકારીઓ અગ્રણીઓ અને સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 


Download Our B K News Today App



Related News