થેન્કસ ટુ મેઘરાજા : શાકભાજીની આવકો વધતા ભાવમાં થયો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 13:14:20
  • Views : 478
  • Modified Date : 2019-08-30 13:14:20

મંદી અને મોંઘવારી અને ઉંચા કરવેરાના બોજથી ત્રસ્ત  સૌરાષ્ટ્ર પર જરૂરી વિરામ બાદ જરૂરી જળવર્ષા કરીને મેઘરાજાએ કૃષિ અને શાકભાજીનું ચિત્ર સુધારી દીધું છે.  મેળાઓ પૂરા થયા બાદ ઉઘાડના પગલે માર્કેટયાર્ડોમાં શાકભાજીની સ્થાનિકેથી આવકો શરુ થતા ભાવમાં ઘટાડો થયો છે અને લોકોને વધુ માત્રામાં ઓછા ભાવે શાકભાજી મળે તેવું ચિત્ર સર્જાયું છે. બીજી તરફ શાકભાજીની બીજા રાજ્યોમાંથી થતી આયાતમાં ઘટાડો થતા અને શાકભાજી વેચાણ પણ વધતા ખેડૂતો અને ખરીદ્દારો બન્ને માટે અનુકૂળ હવામાન મેઘરાજાએ સર્જ્યું છે.રાજકોટના માર્કેટયાર્ડમાં આજે કોબી, ટમેટા, મરચાં, દૂધી, ગુવાર, ભીંડો, કોથમીર, આદુ સહિત વિવિધ શાકભાજીની આવકો વધી હતી. તેમાં પણ રાજકોટ આજુબાજુના ખેડૂતોની રિક્ષાથી માંડીને મેટાડોર સહિતના ત્રણસોથી વધુ વાહનો ભરીને શાકભાજી યાર્ડમાં આજે ઠલવાયું હતુ. યાર્ડના ચેરમેન ચાવડાએ જણાવ્યા મૂજબ વિવિધ  મોટાભાગનું શાકભાજી દસથી વીસ રૂ।.ના કિલોના અને કેટલુંક ૩૦-૩૫ના ભાવે સોદા થયા હતા. તો પહેલા લીલામરચાં વગેરે બીજા પ્રાંતથી આવતા તેની જગ્યાએ આજે બે ટ્રક ભરીને મરચાં રાજસ્થાન મોકલાયા હતા. હજુ આગામી દિવસોમાં શાકભાજીની આવક વધતી જશે અને લોકોને સારુ અને સસ્તુ શાક મળવા સાથે વેચાણ વધતા ખેડૂતોના માલનો પણ નિકાલ થશે તેવી આશા જાગી છે. સૌરાષ્ટ્રમાં વરસાદની પેટર્ન આ વખતે કૃષિક્ષેત્ર માટે પણ અનુકૂળ રહી છે, અગાઉ જરૂરી ધોધમાર વરસાદથી ધરતીને તરબતર કરી દીધા બાદ વિરામ અને ઉઘાડ રહ્યા બાદ ત્રણ દિવસથી ફરી જળવર્ષા થતા અનેક સ્થળે ખેતીવાડીનું ચિત્ર ઉજળુ થયું છે. સૌરાષ્ટ્રના હાઈવે પર ગામડાઓમાં નીકળતા ઠેરઠેર કૃષિપાક લહેરાઈ રહ્યો છે.  આને પગલે નવરાત્રિ-દિવાળીથી મગફળી સહિતની આવકો વધવાની સાથે ખેડૂતોને પૂરતા ભાવ સાથે લોકોને વાજબી ભાવે કૃષિજણસો મળે તેવી આશા બંધાઈ છે. જો કે માર્કેટયાર્ડમાં હવે રોકડ વ્યવહાર પર નિયંત્રણ જેવા મુદ્દાઓ અને પાકવિમો, ભૂંડ-રોઝડાંનો  ત્રાસ વગેરે અંગે ખેડૂતોની મૂસ્કેલી સરકારે દૂર કરવાની જરૂર છે. 

Download Our B K News Today App



Related News