પાટણમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:15:39
  • Views : 515
  • Modified Date : 2019-04-16 05:15:39

પાટણ ખાતે રામનવમીની ૩૨ મી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી નીકળી હતી અને લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ આ શોભાયાત્રામાં પોતાના પ્રચારની પ્રસિÂધ્ધ કરવા માટે બન્ને પક્ષના ઉમેદવારો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.પાટણ શહેર ધાર્મિક શહેર તરીકે પ્રખ્યાત છે. અને તમામ ધાર્મિક પ્રસંગોમાં તમામ લોકો હળીમળીને શોભાયાત્રા કાઢતા હોય છે.  તેમાં પણ રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રીરામની  છેલ્લાં ૩૧ વર્ષથી શોભાયાત્રા નીકળે છે.  આ વર્ષે ૩૨ મી શોભાયાત્રા પાટણ શહેરમાં છીડીયા દરવાજા નજીક આવેલા રામજીમંદિરથી રવિવારે બપોરે ૨ કલાકે ભગવાન રામ લક્ષ્મણ જાનકી રથમાં બિરાજમાન થયા બાદ સંત શિવાનંદજી મહારાજ, રામ ગીરી મહારાજ આતુભાઇ મહારાજ, સહિતની ઉપસ્થિતિમાં શહીદોના માનમાં મૌનપાળી આરતી કર્યા બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. યાત્રામાં તલવાર ત્રિસુલ સાથે માથે ફેટા બાંધી સજજ થયેલા યુવાનોએ ભગવાનનો જયઘોષ કર્યો હતો. યાત્રામાં વિવિધ બેન્ડોએ ભગવાનની સ્તુતિ અને ધૂનથી યાત્રા રસમય બનાવી હતી. એક કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રામાં બ્રહ્મા કુમારી સહિતની સંસ્થાઓ ભગવાન શ્રીરામ ઘોડે સવાર શિવાજી  રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, શિવજી, સહિતના ધાર્મિક પાત્રોની ઝાંખીઓ તેમજ રાક્ષસ ટુકડીઓએ બાળકોને મનોરંજન પીરસ્યુ હતું. યાત્રા અંબાજી મંદિર થઇ હિગળાચાચર ત્રણ દરવાજા, ગોળશેરી, ખાખરવાડો, નાગરલીમડી, સાલવીવાડો, મદારસા, ઝિણીપોળ, રસણીયાવાડો, વનાગવાડો, જુનાગંજ, ચતુર્ભુજ બાગ બગવાડા યાત્રા પસાર થઇ હતી. જગન્નાથ મંદિરે પાસેથી પસાર થતા રામજી ભગવાન અને જગન્નાથ ભગવાનનો મીલાપ થયો હતો. દરમ્યાન બજાર અને મહોલ્લા પોળોમાં હજારો ભક્તોએ તેમના ઘર આંગણેથી પસાર થતા ભગવાનના દર્શન કર્યા હતા. યાત્રામાં દુર્ગાવાહિની બહેનો પૈકી ક્રિશા જાનીએ કટકિયાવાડ નજીક તલવારબાજી કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને મંડળો દ્વારા ભક્તો માટે પાણી શરબત છાશ નાસ્તો સહિતની સેવા કેમ્પો મારફતે સુવિધાઓ કરી હતી. ૪૨ ડિગ્રી તાપમાનથી અસહ્ય ગરમીમાં શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોને છાશ, સરબત અને  પાણી અને ઠંડા સેવા કેમ્પોથી રાહત રહી હતી. આ શોભાયાત્રામાં લોકસભા પાટણ બેઠકના ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે ભગવાન રામની આરતી ઉતારી રથના સારથી  બની આશીર્વાદ લીધા હતા. આ શોભાયાત્રામાં વિહિપના કિર્તીભાઈ મહેતા, નીતિનભાઈ વ્યાસ, ધારાસભ્ય કિરીટ પટેલ, ભરતભાઈ રાજગોર, મોહનભાઇ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, લાલેશ ઠક્કર, ગોરધનભાઈ ઠક્કર, હેમંત તન્ના, કિશોર મહેશ્વરી, યતીન ગાંધી, ભરત ભાટીયા, ગોપાલ રાજપૂત, મધુભાઈ પટેલ, કેયુર પટેલ વગેરે પણ હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News