દિયોદરમાં લગ્નમાં વિલંબ થતાં વિરહમાં પ્રેમી યુગલની કેનાલમાં મોતની છલાંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 11:52:40
  • Views : 581
  • Modified Date : 2020-07-21 11:52:40

દિયોદરમાં રહેતા એક યુવકની સગાઈ ભાભર ખાતે સમાજના રીતરિવાજ મુજબ થઈ હતી.ત્યારે સગાઇ કરેલ કન્યાની ઉંમર નાની હોવાથી પરિવાર લગ્ન માટે  થોડી સમય રાહ જોવાનું કહ્યું હતું. ત્યારે યુવક અને સગીરા બંને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ હોવાના લીધે લગ્નનો વિલંબ સહન ન થતા રવિવારે સાંજે દિયોદર પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ઈશરવા પાસે છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું. ત્યારે સોમવારે સવારે યુવક અને સગીરાની ભારે જહેમત બાદ લાશ બહાર કાઢવામાં આવી હતી.આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.દિયોદરના યુવક ભરતની ભાભર ખાતે રહેતી દક્ષા (આ બંને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે) સાથે સમાજના રીતરિવાજ મુજબ સગાઈ કરવામાં આવી હતી. ત્યારે સગાઈ કરેલ છોકરીની ઉંમર નાની હોવાના લીધે તેણીના પરિવારજનો દ્વારા થોડાક સમય બાદ લગ્ન કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે ભરત અને દક્ષા વચ્ચે સગપણ થયા બાદ એકબીજા સાથે ગાઢ પ્રેમ સંબંધ બંધાયા હતા.ત્યારે લગ્નનો વિલંબ સહન ન થતા યુવક ભરત અને સગીરા દક્ષાએ મોતને વહાલું કરવાનો નિર્ણય લઇ રવિવારે ભરત દિયોદરથી મોટરસાયકલ લઈને ભાભર ખાતે સગીરાને લઈ આવી ત્યાંથી દિયોદર પાસે ઈસરવા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે જઈ યુવક ભરત તેના મોટા ભાઇને ફોન કરી કેનાલમાં પડવા અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ યુવકના મોટાભાઈ તેની શોધખોળ માટે ગયા હતા પરંતુ તે પહોંચે તે પહેલા યુવક ભરત અને દક્ષાએ નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. ત્યારે ભરતની લાશ રાત્રે મળી આવી હતી ત્યારે ભારે જહેમત બાદ સોમવારે સવારે દક્ષાની લાશ મળી આવી હતી. ત્યારે સામાન્ય બાબતમાં ભરત અને દક્ષાએ મોતનું પગલું ભરતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મૃત્યુ બાદ બંને પરિવારજનોએ મૃતક દીકરા અને દીકરીની લાશ સ્વીકારી હતી. આ અંગે બંને પક્ષે સમજૂતી થતાં પોલીસ મથકે જાણ કરી ન હતી.

Download Our B K News Today App



Related News