૧૫.૨૦ કરોડનો સ્પેશ્યલ કન્ટીજન્સી પ્લાન બનાવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 11:09:28
  • Views : 462
  • Modified Date : 2019-05-07 11:09:28

પાલનપુર ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં અછતની સ્થિતિ અંગે સમીક્ષા કરાઇ હતી. જેમાં મંત્રી ઇશ્વરભાઇ પરમારે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ, અછત અને મનરેગા હેઠળ ચાલતા કામો અને સુજલામ-સુફલામ જળ સંચય યોજનાના કામોની સમીક્ષા કરવામાં આવી છે. જિલ્લામાં ૫૭ જેટલાં ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે અને જરૂરીયાત મુજબ ટેન્કરોની સંખ્યા વધારવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. પશુઓને પુરતા પ્રમાણમાં પાણી અને ઘાસચારો મળી રહે તેની પણ રાજય સરકાર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અછતની સ્થિતિને અનુલક્ષી તા. ૮ ઓક્ટોબર-૨૦૧૮થી આયોજન કરી તે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે. મુક્તેશ્વર અને ધરોઇ ડેમમાં આગામી બે વર્ષ સુધી ચાલે તેટલું પીવાનું પાણી છે અને દાંતીવાડા અને સીપુ ડેમમાં એક વર્ષ સુધી ચાલે તેટલો પીવાના પાણીનો સ્ટોક છે. અછતગ્રસ્ત વિસ્તારના લોકોને જરૂરી તમામ સહાય આપવા રાજય સરકાર સક્રિય અને સંકલ્પબધ્ધ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ક્રૃષિ ઇનપુટ સહાય આપવામાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમસ્થાને છે તે બદલ જિલ્લાના અધિકારીઓને અભિનંદન પાઠવું છું. આ બેઠકમાં પાણી પુરવઠા બોર્ડના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જીનિયર ગુપ્તાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૮ જેટલી વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે. તેમાં ૧૧૦૫ ગામોને આવરી લેવામાં આવ્યાં છે જે પૈકી ૬૯૩ ગામોમાં અને ૯ શહેરોમાં પીવાનું પાણી આપવામાં આવે છે. સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાઓમાં ૧૨૨ ગામો અને ૩ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લાનો ઉત્તર પૂર્વ વિસ્તાર ખડકાળ હોવાથી ત્યાં ઉંડા બોર શકય ન હોવાથી સાદા કુવા– હેન્ડપંપ આધારીત પીવાના પાણીની વ્યવસ્થા કાર્યરત છે. જિલ્લામાં કુલ ૬,૩૮૩ હેન્ડપંપ ગ્રામ્ય વિસ્તારોમાં અને ૭૩ હેન્ડપંપ અંબાજી મુકામે કાર્યરત છે. હેન્ડપંપ રિપેરીંગ માટે જિલ્લામાં ૪ ટીમો કાર્યરત છે. જયાં હેડપંપ બંધ છે તેવા વિસ્તારોમાં ટેન્કરોથી પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડની કચેરી પાલનપુર દ્વારા સંભવિત પીવાના પાણીની તંગી નિવારવા માટે રૂ. ૧૫૨૦ લાખનો સ્પેશ્યલ કન્ટીજન્સી પ્લાન બનાવી પાણીની મુશ્કેલી થઇ શકે તેવા ૧૪૧ ગામો માટે વિશેષ આયોજન કરાયું છે. તે અનુસાર ૬૩ ગામોમાં રૂ. ૯૧૩ લાખના ખર્ચથી ઉંડા પાતાળ કુવા બનાવવા, ૫૭ ગામોમાં ૨૯ જેટલા ટેન્કરોથી પાણી પુરૂ પાડવું, ૧૮ ગામોમાં વ્યક્તિગત રીજુવિનેશન અન્વયે પાણી પુરૂ પાડવું, ૧૩ ગામોની જૂથ યોજનામાં જરૂરી સુધારા કરીને પાણીની વ્યવસ્થા જાળવવામાં આવશે. 


Download Our B K News Today App



Related News