રામમંદિર બને તે માટે સામાન્ય માણસની અસાધારણ પ્રતિજ્ઞા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 13:01:37
  • Views : 405
  • Modified Date : 2019-11-11 13:01:37

તલાટીકાકાને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ રામમંદિર માટે અનેક લોકોએ પોતાનું બલિદાન આપ્યું હશે. અનેક તપસ્વી લોકોએ સંઘર્ષ કર્યો હશે. તે સહુને વંદન.મે જયારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળી ખાનપુર સ્થિત તે સમયના ભાજપના પ્રદેશ કાર્યાલય પર સતત આવવાનું થતું. ત્યારે ભાજપાના પોસ્ટર (તે સમયે વિનાઈલ પ્રિન્ટિંગ મશીન નહોતા, ૧૯૮૪ થી સ્ક્રીન પ્રિન્ટિંગની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ મોટાભાગના પોસ્ટર બોર્ડ પેઇન્ટર દ્વારા હાથથી પેઈન્ટ થતા) ભાજપા કાર્યાલય પર જ નિવાસ કરી રમેશભાઈ તલાટી નામના એક ભાઈ બનાવતા, દર મહિને એકાદ વખત કાર્યાલય આવવાનું થતું જ અને કાર્યાલય પર સૌને મળવાનું થતું તેમાં રમેશભાઈને પણ મળવાનું થતું. પરંતુ રમેશભાઈ એકપણ શબ્દ બોલતા નહોતા, જે કહેવું હોય તે કાગળ પર લખતા, અમે મળતા ત્યારે કાયમ સાથે ચા પીતા, તેમના મૌન વિશે તેમણે કહ્યું કે જ્યારે અયોધ્યામાં શ્રીરામમંદિર બનશે ત્યારે તેઓ બોલશે. આમ રામમંદિર બને તે માટે એક ભેખધારીએ ભાજપના “સામાન્ય કાર્યકર્તા” તરીકે જીવી “અસામાન્ય બાધા” રાખી હતી. જે આજે યાદ આવી અને  આંખ આંસુથી ભરાઈ ગઈ. લાગણીના બે આંસુ જ તેમને શ્રધ્ધાંજલિ છે.સ્વ.રમેશભાઈ તલાટી ભાજપ ખાનપુર કાર્યાલય રહેતા, વોલ પેઈન્ટીંગ કરતાં, ભાજપના સૂત્રો, સ્લોગનને દિવાલો પર ચીતરવાનું કામ કરતા. બેનરો બનાવતાં અને લગભગ ભૂખ્યાં વધુ રહેતા. સતત વિચાર અને બીડી તેમનો ખોરાક. હમેશાં સફેદ ઝભ્ભો-લેંઘો પહેરે અને એકદમ દુબળા એવા લાગણીશીલ વ્યક્તિને બધા “તલાટીકાકા “કહીને બોલાવતાં હતાં.તેમણે “જયાં સુધી રામમંદિર નહીં બને ત્યાં સુધી હું બોલીશ નહીં.” નહીં બોલવાની એટલે કે “મૌન “રહેવાની “બાધા “લીધી હતી.  તે સમયે શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રદેશ મહામંત્રી હતા. ત્યારે તેઓને અવાર નવાર મળવાનું થતું તે સમયની તેઓની એકવાત યાદ છે. “નરેન્દ્રભાઈ તલાટીકાકા સાથે ઘણીવાર વાતો કરતાં તેમાં તલાટી કાકા તેમને ઘણીવાર પૂછતા કે  રામમંદિર ક્યારે બનશે ? નરેન્દ્રભાઈ કહેતાં કે “ભગવાન શ્રીરામ પર શ્રધ્ધા રાખો અને ન્યાય તંત્ર પર વિશ્વાસ તલાટીજી રામમંદીર બનશે જ.”તલાટી કાકા જેવા અનેક કાર્યકર્તાઓએ અનેક પ્રકારની બાધાઓ રાખી છે, સ્વ.અશોકજી સિંઘલથી માંડી અનેક લોકોએ મંદિર બનાવવા માટે પોતાના જીવન ચક્રમાં એક ખોટ (બાઘા) રાખી હતી, એક સજ્જને ચપ્પલ નહીં પહેરવાની બાધા રાખી હતી. અમારા સ્વજન અરવિંદભાઈ પટેલ તથા તેમના સગાઓનો પરિવાર આવકાર અને આવજોના બદલે જય સીયારામ બોલે છે. આવા અનેક લોકોની શ્રદ્ધાની પરિક્ષાનું ઉચિત પરિણામ આવ્યું છે, ભગવાન રામ માત્ર આસ્થા નથી પરંતુ કરોડો લોકોની હૃદયનો ધબકાર છે, કરોડો લોકોનો પ્રાણ છે. તલાટી કાકા નું તા. ૧૧-૫-‘૧૦નાં રોજ દુઃખદ અવસાન થયું હતું. આજે તે દેહસ્વરુપે નથી, પરંતુ તેઓ તેમની રામ પ્રત્યેની શ્રધ્ધા-આસ્થાની બાધા સ્વરુપે જીવે છે. આજે રામજન્મભૂમિનો ચુકાદા પછી નરેન્દ્રભાઈ સાથેની તલાટીકાકા ની જૂની યાદો કહી રહી છે કે. “મેં કહ્યું હતું ને કે શ્રધ્ધા રાખો વિશ્વાસ રાખો તલાટીકાકા હવે રામમંદિર બનશે.”ભગવાન રામ સૌનું સારું કરશે, ભારતની સર્વોચ્ચ ન્યાય પાલિકા દ્વારા આવેલો આ ચૂકાદો નિષ્પક્ષ તેમજ સત્ય પર આધારિત છે તે ઉપરાંત ન્યાય પાલિકાઓ પર ભારતીયોની શ્રધ્ધા પણ અહીં દેખાઈ છે. લોકોએ વર્ષોથી વિવિદિત મુદ્દાના આ ચુકાદાને શાંતિથી સ્વિકાર્યો છે તે દેશની ખૂબ મોટી જીત છે. દેશની એકતા તોડવા વાળા, સ્યુડો સેક્યુલરો કે દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને દેશના નાગરિકોએને પથ્યમાં ધરબી દીધા છે તે પણ ભારતના આવનારા સમયનો એક સંકેત છે.શનિવાર રામ ભક્ત હનુમાનજીનો વાર છે અને આ ચુકાદો શનિવારે આવ્યો છે તે શ્રધ્ધાળુઓ માટે શુભ સંકેત છે અતુલતિબલધામં હેમશૈલાભદેહમ્‌દનુજવનકુશનું જ્ઞાનિનામગ્રગણ્યમ્‌ ।સકલગુણનિધાનં વાનરાળામધીશમ્‌રધુપતિપ્રિયભક્ત વાતજાતં નમામિ ।।આજે જયારે રામમંદિર નિર્માણ માટેનો સુપ્રિમકોર્ટનો ચુકાદો આવ્યો છે. ત્યારે સ્વ.રમેશભાઈ તલાટી કાકાની  મૌનની બાધા પૂર્ણ થશે અને હવે તેમના આત્માને શાંતિ મળશે. તેમને મારી હૃદયપૂર્વક અશ્રુભરી, શ્રધ્ધાંજલિ.??જય જય શ્રી રામ ??- ભાસ્કર ઠાકરપૂર્વ સંગઠન મંત્રી ભાજપા 


Download Our B K News Today App



Related News