પાટણ જિલ્લાના ૨૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 14:22:41
  • Views : 390
  • Modified Date : 2020-03-06 14:22:41

પાટણ જિલ્લાના ૨૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ  

સમગ્ર ગુજરાતમાં એસ.એસ.સી. અને એચ.એચ.સી. બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે પાટણની બી.ડી.સાર્વજનિક વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા પરીક્ષાર્થીઓને પુષ્પ આપી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.વર્ષ દરમ્યાન ગ્રહણ કરેલા શિક્ષણની કસોટીની ક્ષણોમાં વિદ્યાર્થીઓ હળવાશથી અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીને પુષ્પ આપી મોં મીઠું કરાવવામાં આવે છે. પરીક્ષાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર થાય તે માટે તાજેતરમાં શરૂ થયેલી બોર્ડની પરીક્ષા અન્વયે પાટણની બી.ડી.સાર્વજનિક વિદ્યાલયના એસ.એસ.સી. બોર્ડના પરીક્ષા કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારવા શાળા પર પહોંચ્યા. પરીક્ષા કેન્દ્રમાં દાખલ થતા વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર દ્વારા પુષ્પ આપી ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા અને સફળતા મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.રાજ્યભરમાં શરૂ થયેલી બોર્ડની પરીક્ષા અંતર્ગત પાટણ જિલ્લામાં ધોરણ-૧૦ માં ૨૦ પરીક્ષા કેન્દ્રોના ૮૭૪ બ્લોકમાં ૨૬,૨૫૯ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૩ કેન્દ્રોના ૩૭૫ બ્લોકમાં ૧૧,૬૦૩ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં ૪ કેન્દ્રોના ૧૩૯ બ્લોકમાં ૨,૨૩૧ વિદ્યાર્થીઓ મળી પાટણ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૪૦,૦૯૩ વિદ્યાર્થીઓ ૩૭ કેન્દ્રોના ૧,૩૮૮ બ્લોક પરથી પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે હેતુથી તમામ પરીક્ષા કેન્દ્રોના બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ પરીક્ષાર્થીઓને સરળતાથી તેમની  બેઠક મળી રહે તે માટે બ્લોક નંબર દર્શાવતા પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે.  આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા, બી.ડી.સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય બળદેવભાઈ દેસાઈ, શાળાનો શિક્ષકગણ તેમજ ભારત વિકાસ પરીષદના સભ્યોએ ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.


Download Our B K News Today App



Related News