પાલનપુરમાં હુમલો કરી લૂંટનો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 14:44:44
  • Views : 360
  • Modified Date : 2020-02-12 14:44:44

પાલનપુરમાં હુમલો કરી લૂંટનો પ્રયાસપાલનપુર

પાલનપુર જુના આરટીઓ ચોકડી નજીક આવેલા શાહ આચાર્ય પેટ્રોલપંપે મંગળવારે બપોરના સુમારે નાણાં લેવા માટે આવેલી વાનના કેશિયર ઉપર હુમલો કરી રૂપિયા ૨.૪૧ લાખની લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સો લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલાં વાનની સીક્યુરિટી, પેટ્રોલપંપના કર્મચારી અને બાજુમાં આવેલા ટાવરના કર્મચારીઓએ એક લૂંટારૂને ઝડપી લીધો હતો. જ્યારે બાકીના બે બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. જ્યાં થયેલી ઝપાઝપીમાં પેટ્રોલપંપના એક કર્મચારીને ઇજા થવા પામી હતી. આ અંગે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ઝડપાયેલા શખ્સની પુછતાછ હાથ ધરી નાસી છુટેલા લુંટારૂઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાલનપુરમાં છેલ્લાં કેટલાંક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ચોરી, મારામારી, લૂંટ અને ચીલ ઝડપના ક્રાઇમનો ગ્રાફ ઉંચે ચડી રહ્યો છે. પોલીસને એકાદ બે ચીલ ઝડપના ગુના શોધવામાં સફળતા મળી છે. જોકે, ચોરી અને લૂંટનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો વચ્ચે વધુ એક લૂંટનો પ્રયાસ થવા પામ્યો છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર એચ. ડી. એફ. સી. બેંકની વાન દ્વારા દરરોજ શહેરના જુદા-જુદા પેટ્રોલપંપ સહિતના સ્થળોએથી રોકડ રકમ જમા લેવામાં આવે છે. જ્યાં આ વાનના ચાલક ઇમ્તિયાજભાઇ બેલીમ, કેશિયર મહેબુબખાન કાલેટ અને ગાર્ડ કાનજીભાઇ લક્ષ્મણભાઇ એલીયા રાબેતા મુજબ મંગળવારે શહેરના પેટ્રોલપંપની કેશ એકત્ર કરી બપોરના સમયે શહેરના જુના આરટીઓ ચોકડી નજીક આવેલા શાહ આચાર્ય પેટ્રોલપંપે રોકડ લેવા માટે આવ્યા હતા. જ્યાં કેશિયર મહેબુબખાન પેટ્રોલપંપના કર્મચારી પાસેથી રૂપિયા ૨,૪૧,૦૭૦ એક થેલામાં મૂકી વાન તરફ આવ્યા હતા અને વાનમાં બેસવા જાય તે પહેલાં બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સો પૈકી એક જણાએ કેશિયરના હાથમાંથી નાણાં ભરેલો થેલો ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કેશિયરે બુમાબુમ કરતાં પેટ્રોલપંપના કર્મચારીઓ, બાજુમાં આવેલા ટાવરના કર્મચારીઓ અને વાનનો સીક્યુરિટી ગાર્ડ ત્યાં દોડી ગયા હતા. જેમણે થેલો ઝુંટવવાનો પ્રયાસ કરી રહેલા શખ્સને પકડી લીધો હતો. જ્યારે બાકીના બે શખ્સો બાઇક લઇને ફરાર થઇ ગયા હતા.  આ ઘટનાને પગલે લોકોનું ટોળુ એકત્ર થઇ ગયુ હતુ. દરમિયાન ઝડપાયેલા શખ્સને પાલનપુર પશ્વિમ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી પુછતાછ હાથ ધરી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Download Our B K News Today App



Related News