પાલિકામાં ભાજપના નગરસેવકોનો અસંતોષ ખાળવા નિરીક્ષકો દોડી આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 17:15:28
  • Views : 450
  • Modified Date : 2020-02-29 17:15:28

ડીસા નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના જ કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવી વિવિધ કમિટીના ચેરમેન તેમજ સભ્ય તરીકેથી રાજીનામા આપતાં શુક્રવારે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકને ડીસા મોકલી સભ્યોની રજૂઆત સાંભળી હતી.
ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી સામે ભાજપના ચૂંટાયેલા 11 તેમજ બે ભાજપ સમર્થિત સભ્ય મળી કુલ 13 જણાએ વિવિધ સમિતિના ચેરમેન અને સભ્ય પદેથી જિલ્લા ભાજપને રાજીનામાં મોકલી દેતા ભાજપમાં આંતરીક વિખવાદ વકરી રહ્યો છે. જેથી વિરોધ કરનાર સભ્યોએ પ્રમુખ પોતાની મનમાની કરતાં હોવા તેમજ કામ ન થતાં હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. જેથી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અસંતુષ્ટ સભ્યોને સાંભળવા માટે નિરીક્ષક તરીકે જે.ડી.ચૌધરી અને અશોકભાઈ ચૌધરી આવ્યા હતા. આથી શુક્રવારે ડીસા માર્કેટયાર્ડ ખાતે નિરીક્ષકો સમક્ષ ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યોની રજૂઆત બાદ અસંતુષ્ટ સભ્યોએ પણ રજૂઆત કરી હતી. જેમાં પ્રમુખની મનમાની, શહેરમાં બનતો ઓવરબ્રિજ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પાલિકાના સભ્યો દ્વારા નાનાજી દેશમુખ બગીચો શરૂ કરવા, ડીસા શહેરમાં મંજૂર થયેલ ઓવરબ્રિજ અટકાવવા, સભ્યોની વાત કર્મચારીઓ સાંભળતા ન હોવા સહિતની અનેક રજૂઆતો નિરીક્ષકો સમક્ષ કરવામાં આવી હતી. ભાજપના કેટલાક સભ્યોમાં અસંતોષ હોવા અંગેની રજૂઆત મળતાં તમામ સભ્યોની સાથે બેસી સમસ્યા જાણવામાં આવી છે અને આ રજૂઆત પ્રદેશ કક્ષાએ મોકલાશે તેમ નિરીક્ષક અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.ચૌધરીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News