એક કિલો બનાવટી સોનાના બિસ્કિટ સાથે એક ઝડપાયો, ૧૩ મોબાઇલ સાથે મુદ્દામાલ જપ્ત કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:47:47
  • Views : 542
  • Modified Date : 2020-12-22 11:47:47

આણંદ શહેરની સામરખા ચોકડી પાસેથી નકલી સોનાના બિસ્કીટ બતાવી છેતરપિંડી કરનારા આરોપીને એક કિલો વજનના નકલી સોનાના 10 નંગ બિસ્કિટ અને 13 મોબાઈલ ફોન સાથે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન પર મુક્ત કર્યો હતો. આણંદ એલસીબીના ઈન્ચાર્જ પીઆઇ પી. એ. જાદવે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમ્યાન ટીમને બાતમી મળી હતી કે, અગાઉ ચિટીંગના ગુનાઓમાં પકડાયેલા કેવલચંદ દાલચંદ જૈન (રહે મૂળ. રાજસ્થાન હાલ રહે. આણંદ પ્રેઝન્ટ હોટલ પાછળ અલસિફા સોસાયટી) પોતાના સાગરિતો સાથે મળી ગ્રાહકો શોધી નકલી સોનાના બિસ્કીટ બતાવી છેતરપિંડી આચરે છે. અને હાલ ગ્રાહકો શોધી ચીટીંગ કરવાની ફિરાકમાં સામરખા ચોકડી ખાતે નકલી સોનાના બિસ્કિટ સાથે આવવાનો છે. જેને પગલે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબનો શખ્સ આવતા તેને ઝડપી લઈ પૂછપરછ કરતાં પોતાનું નામ કેવલચંદ દાલચંદ જૈન હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેની તલાસી લેતાં એક બ્રાઉન કલરના પાકીટમાંથી એક કિલો વજનના નકલી સોનાના બિસ્કીટ નંગ 10 તેમજ ગ્રાહકોને છેતરવા માટે ઉપયોગમાં લીધેલા જુદી જુદી કંપનીના રૂપિયા 30,500ના 13 નંગ મોબાઈલ ફોન કબ્જે લીધા હતા. પોલીસ પૂછપરછમાં અગાઉ તે આણંદના નાઝીર વહોરા ઉર્ફે ભજિયાવાળા સાથે મળી છેતરપિંડી કરતો હતો. નાઝીર વિરુદ્ધ અનેક ફરિયાદ નોંધાઈ હતી. જોકે પકડાયેલા શખ્સ સામે પોલીસ તપાસમાં કોઈ ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલ્યું નથી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો.

સસ્તુ સોનું લેવાના નામે મોટાભાગના લોકો લાલચમાં આવી જઈને તેમની પાસે જતા હોય છે. તેઓ દ્વારા પણ આવા લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતો હોય છે. રાજસ્થાનના શખ્સની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ તેની કબુલાતમાં હજુ સુધી તે કોઈની સાથે છેતરપિંડી કરી શકે તે પહેલાં જ તે પકડાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે, તેના સાગરિતે અગાઉ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી. જોકે, છેતરાયેલાં લોકો પણ આવા સંજોગોમાં પોલીસ સમક્ષ આવતા નથી અને તેને કારણે ધુતારાઓને મોકળું મેદાન મળી જતું હોય છે. પી.એ. જાદવ, ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, આણંદ

Download Our B K News Today App



Related News