બાલુન્દ્રામાં નરેગા કૌભાંડ, 200 જોબ કાર્ડ રદ ગુનોં નોંધાતાં અરજદારના ઘર પર પથ્થરમારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 10:49:23
  • Views : 575
  • Modified Date : 2020-08-04 10:49:23

   અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં ચાલતા નરેગાના કામમાં કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થતાં 200 જેટલા જોબકાર્ડ રદ કરી દેવાયા છે.આ અંગે નાયબ ડીડીઓ વ્યાસે ફરિયાદ નોંધાવી છે.કૌભાંડ બહાર આવતાં અધિકારીઓ અને પદાધિકારીઓના પગતળે રેલો આવે તેવી શક્યતા છે.ત્યારે સોમવારે અરજદારના ઘર પર અસામાજિક તત્વોએ પથ્થર મારો કરતાં ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી પણ બચાવમાં ઉતરી આવ્યા છે.બાલુન્દ્રામાં ચાલતા નરેગાના કામમાં કૌભાંડ મુદ્દે અરજદાર કિરણ નામના યુવાને 15 દિવસ અગાઉ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. ઉપરાંત જીજ્ઞેશ મેવાણીને પણ રજૂઆત કરતા તેમણે 2 દિવસ પહેલા અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી બનાસકાંઠામાં 10 કરોડનું નરેગા કૌભાંડ થયું હોવાનું કહી ગુનો દાખલ કરવા માંગ કરી હતી. જે બાદ ડીડીઓએ લુલો બચાવ કરતાં મીડિયા સામે ખુલાસો કરવો પડ્યો હતો જ્યારે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલને સરકારના બચાવમાં આવવું પડ્યું હતું.કૌભાંડમાં મોટા માથાઓની શક્યતા સેવાઈ રહી છે ત્યારે ત્રીજા દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોમવારે અરજદાર યુવકના ઘર પર તેના જ કુટુંબીજનોએ હુમલો કરી પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું હતું. ગામની વાતને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ કેમ પડી એવું કહી ગામના વડીલોએ યુવાનને ઠપકો પણ આપ્યો હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું. આ બનાવને લઈ અરજદારમાં ભયનો માહોલ ઊભો થયો છે. એસપી તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે " પોલીસ ફરિયાદ ડે. ડીડીઓએ નોંધાવી છે. જેમાં 200થી વધુ જોબ કાર્ડમાં જે ક્ષતિઓ હતી તેને લઈ તપાસ થશે. અને આરોપીઓના નામ ફરિયાદમાં લખવામાં આવ્યા નથી પરંતુ તપાસમાં જેજે અધિકારી કે કર્મચારીનું કે પદાધિકારીનું નામ ખુલશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે." નરેગા કૌભાંડ બહાર લાવનાર કિરણ નામના યુવાનના ઘરે સમાજના વડીલો રોષે ભરાઈને આવ્યા હતા અને પથ્થમારો કર્યો હોવાના ફોટા વાઇરલ થયા હતા. જોકે યુવાનની પ્રતિક્રિયા જાણી શકાઈ નહતી.બીજી બાજુ પદાધિકારીઓ કૌભાંડ ન થયાનું કહે છે તો પણ પછી અરજદારના ઘર પર કેમ પથ્થરમારો કરવામાં આવ્યો તેને લઈ પ્રશ્નો ઊભા થયા છે. અરજદારોએ જણાવ્યું હતું કે "બાલુન્દ્રા ગામે 11 વર્ષથી મનરેગા કામ ચાલે છે. જેમાં જોબ કાર્ડમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થઈ છે. લોકોના નામે ખોટા જોબકાર્ડ બની પૈસા ચાઉં થઈ ગયા છે. જેની રજૂઆત 15 દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરને કરી હતી. "કૌભાંડ બાબતે અરજદારની અરજી આવેલી છે. જે બાબતે તપાસ ચાલુ જ છે. જે પ્રકારએ આક્ષેપ થયા છે તે ખોટા છે. કામો માત્ર 1.18 કરોડના કામો થયા છે. અધિક કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા આ મામલે તપાસ થશે. જો ગેરનીતિ હશે તો ફોજદારી કાર્યવાહી કરીશું. - અજય દહીંયાં ( ડીડીઓ બનાસકાંઠા ) "કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારની હારમાળા થઈ હતી. જે વિગતો જણાવાઈ તે પાયાવિહોણી છે. રૂ.10 કરોડ નું અમીરગઢના બાલુન્દ્રા ગામમાં મનરેગા નું કામ જ થયું નથી. માત્ર 1.18 કરોડના કામો જ થયા છે તો આટલા કૌભાંડ ની વાત જ ક્યાં આવે. તેમ છતાં ભ્રષ્ટાચાર ની તપાસમાં સાબિતી થશે તો કોઈપણ ચમરબંદી ને છોડવામાં આવશે નહીં. પરબત પટેલ (સાંસદ બનાસકાંઠા)​​​​​​​

Download Our B K News Today App



Related News