જ્યોર્જિયામાં ગુજરાતીઓ મનભરીને ગરબે રમ્યા, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે કરી ધમાકેદાર ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 17:32:29
  • Views : 374
  • Modified Date : 2020-10-20 17:32:29

        કોરોના મહામારીના કારણે હાલ સમગ્ર વિશ્વમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દુનિયાભરમાં પાર્ટી-તહેવારની ઉજવણી બંધ છે. કોરોનાને કારણે નવરાત્રિની ઉજવણીને પણ ઝાંખપ લાગી છે. કડક ગાઈડલાઈનના કારણે ગુજરાત સહિત ભારતમાં ક્યાંય ગરબાનું આયોજન થયું નથી. જોકે વિશ્વમાં અમુક જગ્યાએ નવરાત્રિની ઉજવણી થઈ રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમેરિકાના એટલાન્ટા સ્ટેટના જ્યોર્જિયા ખાતે અંબાજી શક્તિ મંદિરમાં કોરોનાકાળમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓ સેફ્ટી ગાઈડલાઈનનું પાલન કરીને મનભરીને ગરબે ઝૂમી રહ્યા છે.એટલાન્ટા સ્ટેટના જ્યોર્જિયામાં આવેલા અંબાજી શક્તિ મંદિરમાં તારીખ 17 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી USA સંસ્થા સંચાલિત આ મંદિરમાં ગુજરાતીઓ મનભરીને ગરબાને માણી રહ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકો નવરાત્રિનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે.ખેલૈયાઓએ ગરબામાં ભાગ લેવા માટે કડક સેફ્ટી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહે છે. માસ્ક અને 6 ફૂટનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે. આ ઉપરાંત ગરબામાં વચ્ચે વચ્ચે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓ માટે તૈયાર કરવામાં આવતા ફુડમાં પણ ગાઇડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે.આ પહેલાં નવરાત્રિની શરૂઆતમાં માતાજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ઢોલ-નગારાના તાલે અને ફટાફટા ફોડી માતાજીની મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી. ભક્તોએ હાથમાં ધજા લહેરાવી માતાજીના જયઘોષના નારા લગાવ્યા હતા.અંબાજી USA સંસ્થા દ્વારા સંચાલિત ‘અંબાજી શક્તિ મંદિર’માં દરરોજ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન, આરતી તથા મહાપ્રસાદનો લાભ લે છે. આ મંદિરનો મુખ્ય હેતુ હિન્દુ સમુદાય માટે આધ્યાત્મિક, સાંસ્કૃતિક, અને સામાજિક જરૂરિયાતોને પૂરો કરવાનો છે. અહીં સમગ્ર વર્ષ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.6 જૂન, 1993ના રોજ આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાઈ હતી. મંદિર સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ભક્તો સવારના 9 વાગ્યે 'શ્રૃંગાર આરતી', બપોરે 12 વાગ્યે 'રાજભોગ આરતી'નો લાભ લે છે. જ્યારે સાંજે સાત વાગ્યે 'શયન આરતી'નો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. શક્તિ મંદિરના અન્નપૂર્ણા પ્રસાદ ગૃહ દ્વારા દરેક ભક્તોને દરરોજે બપોરના 12થી સાંજના 8 વાગ્યા સુધી ઉત્તમ અને મફત રાજભોગ પ્રસાદ આપવામાં આવે છે. ભક્તો અન્નપૂર્ણા પ્રસાદ ગૃહ માટે કરિયાણું દાનમાં આપે છે.

Download Our B K News Today App



Related News