મોદીનો સવાલઃ દેશ કોને સોંપશો રાષ્ટ્રવાદીઓને કે ટુકડે ટુકડે ગેંગને..?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 10:59:33
  • Views : 513
  • Modified Date : 2019-04-17 10:59:33

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ફરી ગુજરાત આવી પહોંચ્યા હતા. બપોરે અમદાવાદથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હિંમતનગર પહોંચ્યા હતા. અને સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરથી પ્રચારની શરૂઆત કરી હતી. સંબોધન કરતી વખતે તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે ભારત માતા કી જય બોલાવીને ખબરઅંતર પૂછ્યા હતા.તેમણે 23મીએ ગમે તેટલી ગરમી હોય તો પણ સવારે જ મતદાન કરવા અપીલ કરી હતી. 23મીએ ગમે તેટલી ગરમી હોય તો પણ ભલભલાની ગરમી ઉતારી દેજો એમ કહીને કોંગ્રેસને નિશાન બનાવી હતી. ઉ. ગુજરાતની પ્રજાના મને ફરીથી આશિર્વાદ મળશે. સરકારી અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં જઇને ગઇકાલની આંધીથી કેટલું નુકશાન થયું તેનો સર્વે કરવા કહ્યું છે. આ ચૂંટણી આવનારી પેઢીના ભવિષ્ય માટે છે. ફિર એકબાર મોદી સરકારના સૂત્રો પણ તેમણે લગાવ્યાં હતા. મારી સરકાર પણ કોઇ દાગ લાગ્યો નથી. ગુજરાતને નીચુ જોવુ પડે એવું કાંઇ મારી સરકારે કર્યું નથી. 2004થી 2014 સુધી દિલ્હીમાં રિમોટ કન્ટ્રોલવાળી યુપીએની સરકાર હતી. જે સતત ગુજરાત પ્રત્યે ભેદભાવ રાખતી હતી. કોંગ્રેસે અમિત શાહને ખોટા કેસમાં જેલમાં નાંખ્યા હતા. ગુજરાતના પોલીસ અધિકારીઓને હેરાન કરવામાં આવતા હતા. એવી કોંગ્રેસને ફરીથી સત્તા અપાય એવો સવાલ પણ તેમણે કર્યો હતો. જેમણે દેશને લૂંટ્યુ છે તેમણે પાછુ આપવું જ પડશે અને સજા ભોગવવી જ પડશે. આવા લોકોને જેલના દરવાજા સુધી પહોંચાડ્યા છે અને વધુ પાંચ વર્ષ આપો તો જામીન પર રહેલા કોંગ્રેસના એ લોકો જેલમાં જશે. આખુ ગુજરાત મારી પડખે ઉભુ છે અને એ જ મારી તાકાત છે એમ કહીને તેમણે ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને ફરી આપવા અપીલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ આ વખતે પૂરી બેઠકો પણ લડતી નથી તો સરકાર ક્યાંથી બનાવશે. વિપક્ષોમાં વડાપ્રધાન બનવાની હોડ ચાલે છે એમાં આપણે જેને ઓળખીએ એને વડાપ્રધાન બનાવીએ. આ ચૂંટણી નક્કી કરશે કે રાષ્ટ્રવાદીઓ દેશ ચલાવશે કે ટૂકડે ટૂકડે ગેંગ વાળા ચલાવશે..? મારી સરકાર આવ્યાં બાદ ભારતમાં બોંબ ધડાકા બંધ થઇ ગયા છે. ભારત સલામત બન્યું છે. ઉરી હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેનો બદલો લઇને ગુજરાતની ધરતીની લાજ રાખી છે. પુલવામા હુમલામાં આતંકીઓએ જવાનોને શહિદ કર્યા તો આપણે વિમાનમાં જઇને બોંબ ફેંક્યા તો એ કોંગ્રેસને ના ગમ્યું. કોંગ્રેસના નેતાઓ જે ભાષા બોલે છે એ પાકિસ્તાનને ગમે છે. કોંગ્રેસના નેતાઓના નામો પાકિસ્તાનની સંસદમાં બોલાય છે. આ ચોકીદાર જાગતો છે અને જાગતો રહેશે. કોંગ્રેસનું હટન દબાવશો તો ફરીથી ગુજરાતને હેરાન કરશે એમ કહીને તેમણે ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ હટે એટલે ગરીબી હટી જવાની છે એમ કહીને તેમણે કોંગ્રેસની મહિને 6 હજારની ન્યાય યોજનાથી દૂર રહેવા ઇશારો કર્યો હતો. કોંગ્રેસને ગુજરાત અને સરદાર પટેલ તથા તેમના પુત્રી મણિબેન પટેલ પ્રત્યે પણ વેર હતો. કોંગ્રેસને ગુજરાત પ્રત્યે શું વાંધો છે એમ પણ તેમણે કહ્યું હતું. દિલ્હીમાં દેશભક્તિથી ભરપૂર નવી સરકાર બનશે. નવી સરકાર બન્યા બાદ પાણી માટે અલગ મંત્રાલય બનશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી.

Download Our B K News Today App



Related News