કાળું શર્ટ ઢાંકવા યુવકે ટી-શર્ટ ખરીદવી પડી, ગેટ બહાર કાળાં કપડાંનો ઢગલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-25 14:57:28
  • Views : 999
  • Modified Date : 2020-02-25 14:57:28

 મોદી-ટ્રમ્પના કાર્યક્રમમાં કાળા કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ હતો. એક યુવકે કાળું શર્ટ પહેર્યું હોવાથી પ્રવેશ ન અપાયો. આખરે તેણે બહારથી ટી-શર્ટ ખરીદી ઉપર પહેરી લીધી હતી. એ જ રીતે અન્ય એક યુવકે સ્ટેડિયમમાં પ્રવેશવા કાળુ બ્લેઝર ઉતારવું પડ્યું હતું. સ્ટેડિયમના ગેટ બહાર કાળા કપડાનો ઢગલો પડ્યો હતો. આસપાસના લોકોએ આ સ્થિતિ જોઈ તરત ટી-શર્ટ વેચવાનું શરૂ કરી દીધું હતું. ટ્રમ્પ-મોદીનો કાફલો ગાંધી આશ્રમથી મોટેરા સ્ટેડિયમ જઈ રહ્યો હતો ત્યારે ઈન્દિરા બ્રિજ સર્કલ પાસે મોદીનો કાફલો પસાર થયા પછી ટ્રમ્પનો કાફલો આવે તેની 40 સેકન્ડ પહેલાં ભીડમાંથી એકાએક એક કૂતરું રોડ પર આવી ગયું હતું. બંદોબસ્તમાં ઊભેલા પોલીસકર્મીઓમાંથી તત્કાળ એક પીઆઈ અને બે કોન્સ્ટેબલ કૂતરું પકડવા પાછળ દોડ્યા હતા. જો કે, કૂતરું રોડ ક્રોસ કરી ભીડમાં ઘૂસી ક્યાંક નીકળી ગયું હતું. અગાઉ સવારે ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ પાસે પણ કૂતરાં રઝળતા જોવા મળ્યા હતા. રોડ-શો પૂર્વે વાંદરાનું એક ઝૂંડ ડફનાળા રોડ આ‌વી જતાં બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ કર્મચારીઓએ દોડધામ કરવી પડી હતી. આખરે અસારવાથી આવેલા એક યુવકે જોર જોરથી ઢોલ વગાડતા વાંદરા ભાગ્યા હતા. રોડ-શોમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે ઉપરથી સૂચના હોવાથી પોલીસ ચિંતામાં હતી. રોડ-શોમાં ભાગ લેવા આવેલી બાવળા તાલુકાના શાકોદરા ગામની એક મહિલા ચક્કર આવવા સાથે બેભાન થઈને પડી ગઈ હતી. સ્ટેડિયમ બહાર રખાયેલી મેડિકલ ટીમે તાત્કાલિક તેને સારવાર આપી હતી. સ્ટેડિયમ ખાતે મેડિકલ ઈમરજન્સીના 12 સ્ટોલ હતા. દિવસ દરમિયાન આ સ્ટોલમાં 400થી વધુ કેસ નોંધાયા હતા. સાબરમતી આશ્રમને જોડતાં રોડને શણગારવા માટે ડિવાઇડર પર ફૂલનાં કુંડાં મૂકવામાં આવ્યાં હતાં. કાર્યક્રમ પૂરો થયા બાદ લોકો બસની રાહ જોઇ રહ્યા હતા. દરમિયાન કુંડાં લેવા માટે ટ્રેક્ટર આવ્યું ત્યારે લોકો એકાએક દોડ્યા હતાં અને ફૂલોથી ભરેલા કુંડા ઉઠાવી ચાલવા માંડ્યા હતા. તેમજ બસમાં ચઢી ગયા હતા. કુંડા લેવા આવેલા ટ્રેક્ટરચાલકની નજર પડતાં તે દોડ્યો હતો અને કુંડા ભાડેથી અપાયા હોવાની બૂમો પાડી હતી. જો કે, એ પહેલાં તો કેટલાક લોકો કુંડા લઈને જતા રહ્યા હતા. રોડ-શોના રૂટ પર મ્યુનિ.એ 3.82 કરોડના ખર્ચે કુંડા તેમજ વૃક્ષો ગોઠવ્યા હતા. એએમટીએસની 700 બસના કાફલામાંથી 525 બસ સ્ટેડિયમ તેમજ ટ્રમ્પના રોડ-શોમાં લોકોના લઈ જવા માટે ફાળવવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ સર્વિસ પાસે ગણી ગાંઠી બસો જ રહેતાં રોજે રોજ બસમાં અવર-જવર કરનારા લોકો હેરાન થયા હતા. બસની સંખ્યા ઓછી હોવાથી ફ્રીકવન્સી પણ ઘટી ગઈ હતી. કેટલાક વિસ્તારમાં લોકોએ બસ માટે ઘણી રાહ જોવી પડી હતી. એ જ રીતે બીઆરટીએસનો ઝુંડાલ સુધીનો રૂટ બંધ કરી દેવામાં આવતાં લોકોની હેરાનગતિમાં વધારો થયો હતો. રોડ શૉમાં આવેલા લોકો માટે મ્યુનિ. દ્વારા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ-મોદીનો કાફલો પસાર થયા બાદ લોકો નાસ્તો કરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા. ભાટ-કોટેશ્વર પાસે ગાંઠિયા, બૂંદી, ચવાણુંના ફૂડ પેકેટ લેવા ભીડ જામી હતી.એક સમયે પીવાનું પાણી ખૂટી પડતા લોકોને તરસ્યા રહ્યા હતા. મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકો આવ્યા હોવાથી બે કલાકની અંદર 300 કિલો કચરો એકઠો થઈ ગયો હતો. છાશ પીવા માટે સ્ટેડિયમમાં આવેલા લોકોએ પડાપડી કરી હોવાથી છાશ ઢોળાવાના કારણે કેટલાક લોકો લપસી પડ્યા હતા. જ્યારે છાશના કપ પર જાહેરમાં ફેંકાયા હતા. મહેસાણા, કલોલ અને ગાંધીનગરની નર્સિંગ સહિતની કેટલીક કોલેજના વિદ્યાર્થીઓને ટ્રમ્પ-મોદીના સ્વાગત માટે સ્ટેડિયમમાં લઈ જવાશે તેવું કહી અમદાવાદ લવાયા હતા. પરંતુ તમામને સ્ટેડિયમ લઈ જવાને બદલે કોટેશ્વર રોડ પર રોડ-શો માટે ઊભા રાખી દેવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમને ચેતવણી આપવામાં આવી હતી કે, જે વિદ્યાર્થી નહીં આવે તેને રૂ.200નો દંડ તેમજ કાર્યવાહી કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ બહાર મોદી-ટ્રમ્પના રોડ શો સમયે ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડ વચ્ચે 108 એમ્બુલન્સ પણ ફસાઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News