નડિયાદમાં 250 મારવાડી પરિવારો ગણેશની મૂર્તિઓ બનાવી રોજી રળે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 13:28:47
  • Views : 458
  • Modified Date : 2019-08-30 13:28:47

ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરમાં જ અઢીસોથી વધુ મારવાડી સમાજના લોકો ગણેશની મૂર્તિઓ બનાવી પરિવારના બાળકોનો આખા વર્ષનો ભણતર ખર્ચ રળી લે છે. કૌટુંબીક વારસમાં તેમને મળેલી આ મૂર્તિશિલ્પની કળા શહેરના પચાસથી વધુ પરિવારોનું ભરણ પોષણ કરે છે.સીઝનલ વેપાર કરતા આ ગરીબ અને ઓછું ભણેલા લોકો ગણપતિની મૂર્તિના વેચાણમાંથી બે મહિનામાં જ વીસ હજારથી વધુની કમાણી કરી લે છે. ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ગણેશ ભગવાનની વિવિધ મુદ્રાઓવાળી મૂર્તિઓ બનાવનારા કારીગરોના ઘર ગોડાઉનોમાં તેના રંગરોગાનને આખરી ઓપ અપાઇ રહ્યો છે.  નડિયાદના ઇન્દિરાનગરીમાં રહેતા ૫૦થી વધુ પરિવારો ગણપતિની મૂર્તિ બનાવી વેચી ગુજરાન ચલાવે છે. બે ત્રણ મહિનામાં બનાવેલી ગણપતિની મૂર્તિઓના એડવાન્સ બુકીંગ થાય છે અને આ વ્યવસાયમાં પરિવારના બાળકો અને સ્ત્રીઓ પણ મદદ કરે છે.નડિયાદના વૈશાલી સિનેમા નજીક આવેલ ઇન્દિરા નગરીમાં ૫૦ પરિવારો રહે છે. જેમાં અઢીસોથી વધુ વ્યક્તિઓ પરિવાર સાથે રહે છે. અહીં મોટા ભાગના મારવાડી કુટુંબના છે. આ પરિવારો ગણેશની વિવિધ આકર્ષક મૂર્તિઓ બનાવી વેેચે છે. તેમાં દરેક પરિવારના બાળકો અને સ્ત્રીઓ પણ પોતાની આગવી સૂઝબૂઝથી હાથોહાથ કામ કરે છે. આ વિસ્તારમાં મૂુર્તિ શિલ્પકળાનું કામ કરતા રમેશભાઇ મારવાડી જણાવે છે કે ગણેશ મહોત્સવના બે ત્રણ મહિના પહેલેથી એટલે કે મે મહિનાના અંતના દિવસોથી અમે મૂર્તિ બનાવવાનું ચાલુ કરીએ છીએ. આ માટે અમદાવાદના ગુલબઇ ટેકરાથી મૂર્તિ બનાવવા માટેની માલસામગ્રી લાવીએ છીએ. ૧ મૂર્તિ બનાવતા બે થી ત્રણ દિવસ લાગે છે. અને અંદાજે ૫ થી ૭ હજારનો ખર્ચ થાય છે. અમે આ વિસ્તારમાં અઢીસોથી વધુ  લોકો રહીએ છીએે. દરેક જણ આ વ્યવસાયમાં સંકળાયેલા છે. આ બે ત્રણ મહિનામાં જન્માષ્ટમી સુધી અમે ૩૦ થી ૪૦ નંગ નાની-મોટી મૂર્તિઓ બનાવીએ છીએ અને ગોકળ આઠમ પછી આ મૂર્તિઓનું વેચાણ ચાલુ થાય છે. જો કે દરેક મૂર્તિનું એડવાન્સ બુકીંગ થઇ જાય છે. જ્યારે અહીં પોતાના પરિવાર સાથે વસતા સખાભાઇ મારવાડી જણાવે છે કે આમ તો અમે વર્ષ દરમ્યાન છૂટક મજૂરી કામ કરીએ છીએ. પરંતુ ગણેશ મહોત્સવ આવવાના બે ત્રણ મહિના પહેલાથી ગણપતિની મૂર્તિ બનાવવાના કામમાં જોતરાઇ જઇએ છીએ. અમને આ કળા મોટેભાગે વારસાગત મળેલી છે. અમારા બાપદાદાઓ અને અડોશીઓ પડોશીઓ જોડેથી જ અમે આ શીખ્યા છીએ. અમને આ વ્યવસાયમાં મજૂરી અને અન્ય ખર્ચ બાદ કરતા એક વ્યક્તિ આરામથી ૧૦ થી ૧૫ હજાર જેટલું કમાઇ લે છે. અમારા બાપ દાદાના વખતથી  એટલે કે અંદાજે છેલ્લાં ૩૦-૩૫ વર્ષથી અમારો પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. અમારા આ વિસ્તારમાં રહેતા લગભગ દરેક પરિવાર ગણપતિની જુદી જુદી આકર્ષક મૂર્તિઓ બનાવે છે. જન્માષ્ટમી સુધી અમે ૩૦ થી ૪૦ નંગ મૂર્તિઓ બનાવવાનું કામ કરીએ છીએ. પછી જ આ મૂુર્તિઓનું વેચાણ ચાલુ થાય છે. જો કે સદ્નસીબે અમે બનાવેલી દરેક મૂર્તિનું એડવાન્સ બુકીંગ થયેલ હોવાથી વેચાણમાં કોઇ તકલીફ પડતી નથી.અહીં રહીને પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ બનાવતા શંકરભાઇ કહે છે કે છેલ્લાં ઘણાં સમયથી પર્યાવરણની વાતો કરીને પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓનો વિરોધ થઇ રહ્યો છે. પરંતુ અમારા વેચાણમાં તેની ઝાઝી અસર થઇ નથી. કારણ કે માટીની મૂર્તિઓ બનાવીને વેચવી અમારા માટે ઘણી મોંઘી અને અઘરી કામગીરી છે. અને પીઓપીની જગ્યાએ એ ડબલ કિંમતે વેચવી પડે છે આથી મધ્યમ વર્ગના નાના નાના વિસ્તારના લોકોને  મોંઘી મૂર્તિઓ ખરીદવી પોષાતી નથી. તેથી સરકાર ગમે તેટલી જાહેરાતો કરે પણ પીઓપીની મૂર્તિઓ જ વેચાય છે. જો માટીની મૂર્તિઓનો સાચો પ્રચાર કરવો હોય તો સરકારે તે માટે અમારા જેવા ગરીબ કારીગરો માટે ખાસ યોજના કાઢીને રાહત આપવી જોઇએ. તો જ પીઓપીની મૂર્તિઓ વેચાતી ઓછી થશે.

Download Our B K News Today App



Related News