પાટણ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ‘વિરાસત સંગીત સમારોહ’ નું ઉદ્ઘાટન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-17 15:00:54
  • Views : 442
  • Modified Date : 2019-12-17 15:00:54

શિલ્પકળાના બેનમુન સ્થાપત્ય સમી રાણકી વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે આ ઐતિહાસિક વિરાસતને ગૌરવ પ્રદાન કરવા સોમવારે સાંજે રાણીની વાવ ઉત્સવ ઉજવવામાં  ઉજવણી રુપે વિરાસત સંગીત સમારોહનુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્‌યા હતા. તેમજ રાણીની વાવનુ લાઇટીંગ એટલુ અદભુત કરવામાં આવ્યુ હતુ કે લોકોની નજરો પણ ત્યાંજ અટકી જતી હતી.ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નબદ્ધ છે. પાટણ ખાતે વિશ્વપ્રસિદ્ધ રાણીની વાવની મહિમા ઉજાગર કરવા રાણીની વાવ ઉત્સવ અંતર્ગત વિરાસત સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં ચાર વર્ષથી જિલ્લા કક્ષાએ ઉજવાતા રાણીની વાવ મહોત્સવને આ વર્ષે મોટા  સ્વરૂપે ઉજવવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.  ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી સૂર અને સંગીતના આ દ્વિદિવસીય મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કલાકારો ની ઉપસ્થિતીમાં સોમવારે ગુજરાતન મુખ્યમંત્રીના હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.પાટણ ખાતે દ્વિ-દિવસીય  સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. સુવર્ણનગરી પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે.પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. એમ તેમણે ઉમેર્યું હતુ.  રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, રુદ્ર-મહાલય, બિન્દુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ ગુર્જરધરાને મળેલા અલભ્ય સ્થાપત્યોની ભૂમિકા આપી હતી. અણહિલવાડથી શરૂ થયેલ ગુજરાતનો સમૃદ્ધ વારસો આજે વિકસીત ગુજરાતમાં પણ જળવાયો છે. કચ્છનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરના સાવજ, સોમનાથ અને દ્વારિકાના પુરાતન મંદિર ગુજરાતની વૈવિધ્યતાનો લખલુટ ખજાનો છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘તાનારીરી' ઉત્સવ, સૂર્ય મંદિર ખાતેનો ઉતરાર્ધ મહોત્સવ, કાઈટ ફેસ્ટિવલ વગેરે ઉત્સવો ઉજવી ગુજરાતની અસ્મિતાને ઉજવવાની પરંપરા સ્થાપી છે. સંગીત સમારોહ પૂર્વે મુખ્યમંત્રીએ વિશ્વ વિરાસત રાણકી વાવની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પાટણના પૌરાણીક એવા કાળકામાં મંદિરના દર્શન- આરતી કરી ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું. વિરાસત સંગીત સમારોહમાં ગઝલ સમ્રાટ હરિહરનજી,  સુપ્રસિધ્ધ લોકગાયક જીગ્નેશ બારોટ અને ગાયિકા ગીતાબેન રબારીએ શ્રોતાજનોને અભિભૂત કરતી સંગીતની સુરાવલી વહાવી હતી. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર,  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પાટણ જિલ્લા પ્રભારી મંત્રી વાસણભાઇ આહિર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ સી. વી. સોમ, જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પાટણના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Download Our B K News Today App



Related News