મોરારિબાપુની આગામી રામકથા ગીરનારની ટોચ પર કમંડળકુંડનાં ગિરનાર પર્વત પર યોજાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-16 13:38:14
  • Views : 352
  • Modified Date : 2020-10-16 13:38:14

       ગીરનાર પર્વત પર અંબાજી મંદિર પછી ગોરખનાથનું શિખર આવે અને ત્યાંથી નીચે ઉતરીને દત્તાત્રેય તરફ જતાં માર્ગ પર 'કમંડલ કુંડ' આવે છે. અહીં આવતીકાલથી મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થશે. આ પહેલા તુલસીશ્યામ પર 700 પગથિયા ઉપર આવેલા મા રૂકમણીજીનાં ચરણોમાં કથાગાન થયું હતું. મોરારિબાપુએ ખાસ સંદેશ આપતા જણાવ્યું છે કે કોરોના સંદર્ભે સરકાર અને આરોગ્ય તંત્રની જે કંઈ પણ માર્ગદર્શિકા અને નિયમો છે તેનું ચુસ્ત પાલન કરીને આ કથા યોજાશે. વાદ્યકારો અને થોડા ટેકનિશિયન સિવાય કથામાં કોઈ શ્રોતા નહીં હોય.રામાયણ કથાકાર મોરારિ બાપુ દ્વારા ગીરનારની ટોચ પર કમંડળ કુંડ ખાતે આયોજીત કરાયેલી બાપુની આ 849મી કથા છે. સોરઠના અવધૂત જોગંદર સમાન ગીરનાર પર્વત પરની આ પ્રથમ ઐતિહાસિક કથા છે. અદભૂત સ્થાન પર કોરોનાના કપરા કાળમાં બાપુની શ્રોતા વગરની છઠ્ઠી રામકથા કથા છે. નવલા નોરતાના પાવન અવસર પર કાલે સવારના 9:30થી કથાનો પ્રારંભ કરાશેગીરનાર પર્વત પર 3000 ફૂટની ઊંચાઈએ પણ અન્નક્ષેત્ર ચાલે છે. આ પહેલા પણ જુનાગઢ શહેર અને પંથકમાં કથા ગાન થયું છે. પરંતુ હિમાલય પરનું કૈલાસ-માનસરોવર, નિલગીરી પર્વત પરનું ભૂસંડી સરોવર, બર્ફાની બાબા અમરનાથ તેમજ ચારધામ- બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી જેવા દુર્ગમ ક્ષેત્રમાં રામકથાનું ગાન કરી ચૂકેલા મોરારિબાપુ ગીરનાર પર્વત પર પહેલીવાર કથા કરી રહ્યાં છે. ‘કમંડલ કુંડં’ની આ કથા કરવી એવો રાજકોટના જયંતીભાઈ ચાંદ્રા અને ચાંદ્રા પરિવારનો મનોરથ હતો. જયંતિભાઈએ ગીરનાર ક્ષેત્રના તમામ સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો પાસે રૂબરૂ જઇને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. સહુ પૂજ્ય ચરણના શુભાશિષથી તેમનો મનોરથ સાર્થક થવા જઇ રહ્યો છે. વન વિભાગથી લઈને સરકારી તંત્રની મંજૂરીની તમામ ઔપચારિકતા તેમણે પૂર્ણ કરી છે. બધાં જ નીતિ-નિયમોને આધિન રહીને આ કથાનું આયોજન કરાયું છે. શ્રોતાઓ આસ્થા ચેનલનાં માધ્યમથી તેમજ યુ-ટ્યૂબ પરથી કથાગાનનું લાઇવ પ્રસારણ જોઇ શકાશે.

Download Our B K News Today App



Related News