માંદેળુ તળાવ ફાટ્યું ઃ જોવા માટે લોકોની ભારે ભીડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 12:01:49
  • Views : 861
  • Modified Date : 2019-07-30 12:01:49

બનાસકાંઠા જિલ્લામાં જૂન મહિનો અને જુલાઈ મહિનો પૂરો થવાં આવ્યો છતાં પણ વરસાદ નહિ પડતાં સરહદી વાવ અને સુઈગામ પંથકમાં દુષ્કાળનાં ડાકલા વાગી રહ્યાં હતાં. તો વળી ખેડૂતોએ ખેતરોમાં ચારેબાજુ વાવેતર કરતાં વરસાદની ખેંચ વર્તાઈ રહી હતી. ત્યારે રવિવારે સાંજે ૭ઃ૦૦ વાગે યાત્રાધામ ઢીમા સહિત વાવ પંથકમાં ૧૨ કલાક સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે વાવ પંથકમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. પવિત્ર યાત્રાધામ ઢીમા ધામનું ઐતિહાસિક માંદેળુ તળાવ ભારે વરસાદનાં કારણે ફાટ્યું હતું. તો વળી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાં પામ્યું હતું. જેના કારણે ગામના જાહેર રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી યાત્રાળુઓ સહિત શાળાએ જતાં બાળકોને મુશ્કેલી વેઠવી પડી હતી.  સરહદી વાવ અને યાત્રાધામ ઢીમા સહિત વર્ષ ૨૦૧૭નાં પુર પછી યાત્રાધામ ઢીમા ધરણીધરજી ભગવાનનાં મંદિરની સામે આવેલું ઐતિહાસિક ધરોહર સમાન માંદેળુ માનસરોવર તળાવ ફાટતાં ગ્રામજનોનાં ટોળેટોળાં ઉમટી પડ્‌યા હતા. ત્યારે સરહદી વિસ્તારમાં ૧૨ કલાકમાં ખાબકેલા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. વાવ તાલુકાનાં માડકા ગામનું તળાવ ફાટતાં ગ્રામજનોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે વાવનાં વાવડી ગામમાં રહેણાંક મકાનોમાં પાણી ઘુસ્યું હતું.  વાવનાં હરિપુરા પ્લોટ વિસ્તારમાં અને વાઢીયાવાસમાં રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જવાથી લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.  આમ ભારે વરસાદને પગલે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે.અત્રે નોંધનીય છે કે સરહદી વાવ પંથકમાં રવિવારે રાત્રે ખાબકેલા વરસાદથી વર્ષ ૨૦૧૭માં આવેલ પુરની યાદ તાજી થઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પવિત્ર યાત્રાધામ ઢીમાનાં વરસાદી પાણીનાં રેલ પટ્ટામાં આવતાં અડચણરૂપ દબાણો હટાવી પાણીનો રસ્તો ખુલ્લો કરવામાં નહિ આવે તો હવે ભારે વરસાદથી પવિત્ર યાત્રાધામ ઢીમા ધામનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News