કાચિંડો ખાવા જતા નળીમાં અટક્યો, માદા ઘોરાડનો જીવ નીકળી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 12:51:55
  • Views : 573
  • Modified Date : 2020-02-27 12:51:55

 ગાંધીનગર ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ આયોજિત સીએમએસ કોપ-13 હજુ પૂરી જ થઇ છે અને વૈશ્વિક સ્તરે જેના સંરક્ષણ માટે કરાર થયા છે, તે વિલુપ્તીના આરે ઉભેલ ઘોરાડ પક્ષીનું નલિયાના ઘાસિયા મેદાનમાં ભાનાડા નજીક મોત થયું હતું. જેથી ગુજરાતમાં માત્ર કચ્છમાં વસતા ઘોરાડની વસ્તી અંદાજિત પાંચ જેટલી બચી હોવાનું જાણવા મળ્યું હતું. મૃત્યુ પામેલી ચાર વર્ષીય માદા ઘોરાડને વર્ષ 2017 માં વાઈડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા રેડિયો કોલર ટેગ કરવામાં આવી હતી. જેનો મૃતદેહ વનવિભાગે ભાનાડા નજીકથી કબ્જે કરી લેવાયો છે. કાચિંડો ખાતી વેળાએ ગળવા જતા નળી નીચે ન ઉતરતા મોત થયું હોવાનું પ્રાથમિક તારણ વનવિભાગની તપાસમાં બહારે આવ્યું હતું. આઈ.યુ.સી.એન રેડલિસ્ટ મુજબ ઘોરાડ વિલુપ્તીના આરે ઉભેલું પક્ષી જાહેર કરાયું છે, જે હકીકતમાં હવે અનેક ભયસ્થાનોના કારણે વિલુપ્તી તરફ આગળ વધી રહ્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ એમ પણ કહે છે કે, દર વર્ષે 15% ના દરે ઘોરાડની વસ્તી ઘટી રહી છે, અને તેની વૈશ્વિક વસ્તી જ 150 થી ઓછી છે ત્યારે આ અંગે સૌએ ચિંતા કરવાની જરૂર છે. સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડડલાઇફની બેઠક હોય કે સંયુક્ત રાષ્ટ્રસંઘ ની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઓફ પાર્ટી રાજસ્થાનથી કચ્છમાં નર ઘોરાડ લઇ આવવાની વાતને સૌ સકારાત્મક અભિપ્રાય જરૂર આપી રહ્યા છે પણ કાંઈજ કાર્યવાહી થઇ રહી નથી. એકતરફ રાજસ્થાનનો વનવિભાગ જયાં સુધી વીજલાઇન અંડરગ્રાઉન્ડ નહીં થાય ત્યાં સુધી નર ઘોરાડ આપવાના મૂડમાં નથી તો બીજી તરફ ગુજરાત રાજ્ય વનવિભાગ અને ઉર્જા મંત્રાલય ઘોરાડના વિસ્તારની પાવરલાઇન અંડરગ્રાઉન્ડ કરવા પાંચ વર્ષથી માત્ર વિચારી રહ્યા છે. ત્યારે અંતિમ તબક્કામાં બચેલી પાંચ માદાઓનું અને ગુજરાતમાં ઘોરાડના અસ્તિત્વનું ભવિષ્ય શું ? ઘોરાડ અભ્યારણ્ય અધિક્ષક ડો.તુષાર પટેલે જણાવ્યું કે,મૃત માદા ઘોરાડને માઇન્સ એક ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવી છે, જેનું પોસ્ટમોર્ટમ અને વૈજ્ઞાનિક ઢબે મોતનું પૃથ્થકરણ સ્થાનિક પશુ ડોક્ટર નહિ પણ દેહરાદૂન સ્થિત વાઈડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડોકટરો અને વૈજ્ઞાનિકોના નેજા હેઠળ થશે. જે માટે તજજ્ઞોની ટીમ બુધવારે નલિયા પણ પહોંચી આવી હતી. આ ઘટના વધુ મહત્વની એટલે બની જાય છે,કારણ કે આ ઘોરાડને રેડિયો ટેગ લાગેલો હતો અને તેનું મોનીટરીંગ પણ વાઈડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા. 11 સપ્ટેમ્બર 2014 ના રોજ સુઝલોનની 33 કેવી વીજલાઇનમાં ભટકાવાથી ઘોરાડ મોતને ભેટ્યું હતું, તો બાદમાં 20 જૂન 2017 ના રોજ પણ લાલા નજીક પણ સમાન પરિસ્થિતિમાં રેડિયો કોલર ટેગ કરાયેલ માદા ઘોરાડનું સુઝલોનની 33 કેવી વીજલાઇનમાં ભટકાવાથી મોત થયું હતું. ત્યાર બાદ એક જ રેડિયો કોલર ટેગ કરેલું પક્ષી બચ્યું હતું. જો કે મંગળવારે તેનું મોત થતા ત્રણ વર્ષમાં બંને રેડિયો ટેગ કરાયેલ ઘોરાડના મોત પામ્યા હતા.અત્રે નોંધનીય છે કે, 2007માં કચ્છમાં 48 ઘોરાડ હતા જે હવે માત્ર પાંચેક જેટલા જ બચ્યા છે. પશ્ચિમ કચ્છ વનવિભાગના ડીસીએફ બી.જે અસારી એ ‘ભાસ્કર’ થી વાત કરતા કહ્યું કે, સામાન્ય ઘોરાડ આ પ્રકારનો ખોરાક ખાતા હોય છે, છતાંય આ કેસમાં કાચિંડો ગળવા જતા ઘોરાડનું મોત નીપજ્યું તે અત્યંત દુઃખદ સાથે વૈશ્વિક ઘોરાડ જગતની આ પ્રથમ ઘટના છે. નલિયા રેન્જ વનવિભાગનો સ્ટાફ સતત ઘોરાડ વિસ્તારને મોનીટરીંગ કરી રહ્યો છે.

Download Our B K News Today App



Related News