પાંદડે પાંદડે એના ઈશારા !પુષ્પે પુષ્પે એના અણસારા !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 14:16:34
  • Views : 376
  • Modified Date : 2020-08-23 14:16:34

        આજનો માનવી જ્યારે લગભગ વાનર જેવો હતો ત્યારે શાણા લોકો એને ‘હોમો સેપિયન’ તરીકે ઓળખાવતા. જૂની લેટિન ભાષામાં હોમો સેપિયન એટલે ‘શાણો માણસ’. એ માણસ બે પગ પર ટટ્ટાર ઊભો રહેતો થયો તેને ‘હોમો ઈરેક્ટસ’ કહેવામાં આવ્યો. ચાર પગ ધરાવનારા વાનરના આગલા બે પગ ધીરે ધીરે હોમો સેપિયનના બે હાથ બની ગયા! હજારો વર્ષ વીતી ગયાં પછી એ જ હોમો ઈરેક્ટસ પ્રગતિ કરવા લાગ્યો અને હોમો મેથેમેટિકસહોમો એજ્યુકેટસ, હોમો મ્યુઝિકસ, હોમો એલજિબ્રાકસ, હોમો જ્યોમેટ્રીકસ, હોમો ટ્રિગોનોમેટ્રીકસ, હોમો કેમિસ્ટ્રીકસ, હોમો-ફિઝિક્સકસ, હોમો ઇલેક્ટ્રોનિકસ, હોમો કોમ્પ્યુટરકસ, હોમો સ્પેસટ્રાવેલકસ, હોમો યોગકસ, હોમો મેડિટેશનકસ, હોમો મંગલયાનકસ અને હોમો એટમબોંબકસ સુધી પહોંચી ગયો. એ અસલ હોમો સેપિયન જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે ખૂબ આગળ વધ્યો, પરંતુ હજી સુધી એ એક ખીલેલાં પુષ્પનું નિર્માણ કરવામાં સફળ થયો નથી. એણે કરેલી સૌથી મહાન શોધને પૃથ્વી પર જીવતા કરોડો લોકો LOVE કહે છે. એની બીજી મહાન શોધને પૃથ્વીના લોકો કરુણા કહે છે. એની ત્રીજી મહાન શોધને સમજુ લોકો અહિંસા કહે છે. હોમો સેપિયન્સના જે લોકો સાધનાને માર્ગે ખૂબ આગળ વધ્યા તેમાં એક અત્યંત શાણો હોમો સેપિયન થોડાંક જ વર્ષો પર થઇ ગયો. પૃથ્વી પર હરતા, ફરતા અન્ય હોમો સેપિયન્સ એને ગાંધી તરીકે ઓળખે છે. એણે કહ્યું : ‘સત્ય એ જ પરમેશ્વર’. હોમો ઇરેક્ટસનો ‘ગતિપથ’ અહીં પૂરો નથી થતો. એ વાનરમૂલક માનવ મૃત્યુનું રહસ્ય જાણવા માટે ઉત્સુક છે.
વીસમી સદીમાં આઈન રૅન્ડ નામની મહાન વિદુષીએ એક મંત્ર જેવું વિધાન જગતને આપ્યું. એ પોતે નાસ્તિક હતી તેથી એ વિધાન હૈયે ચોંટી ગયું. એ વિદુષીએ લખ્યું: ‘Existance exists.’ ઈશ્વર હોય કે ન હોય, પરંતુ અસ્તિત્વનું અસ્તિત્વ તો છે જ! લડવું હોય તેટલું લડી લો, પરંતુ અસ્તિત્વનો ઇનકાર શી રીતે કરશો? આ વિદુષીનું પ્રથમ પુસ્તક મને વીરમગામના સ્ટેશને એક લારી પરથી મળેલું. વીરમગામથી રાજકોટ જતી મીટરગેજ ટ્રેન માટે બે કલાક રાહ જોવી પડેલી. પછી તો આઈન રૅન્ડનાં બધાં પુસ્તકો ખરીદીને વાંચેલાં. અહીં નામ નથી આપવાં. ફ્રિટ્જોફ કાપ્રા જેવો મહાન વિચારક યુવાનીમાં હિપ્પી હતો. એણે એક સુંદર શબ્દ પ્રયોજ્યો : ‘ઈન્ટરકનેક્ટેડનેસ’. આ વિશ્વમાં જે ચેતના છે, તેમાં બધું પરસ્પર જોડાયેલું છે. એક ફિલસૂફે વિધાન કર્યું: ‘તમે આકાશના કોઈ તારાને ખલેલ પહોંચાડ્યા વિના એક પુષ્પને છોડ પરથી તોડી ન શકો’. રસૂલે ખુદા યાને મોહંમદ પયંગબરનું એક જ વાક્ય યાદ રાખવા જેવું છે: ‘તમે જ્યારે એક મનુષ્યની હત્યા કરો છો ત્યારે આખી માનવજાતની હત્યા કરો છો’. આ થઇ ‘ઈન્ટરકનેક્ટેડનેસ’ સમજણ. આવી સમજણ ન હોય તો જ ધર્મના નામે હુલ્લડ કે યુદ્ધ થઇ શકેવિજ્ઞાનના ક્ષેત્રે માનવીય ચેતનાના સંદર્ભે સંશોધનો થતાં જ રહે છે. એ સંશોધનમાં ‘Q-SOUL’શબ્દ પ્રયોગ થતો રહે છે. એવું સમજાયું છે કે માનવીય ચેતના માનવીય શરીરથી અલગ છે. એ માનવીય શરીરનો ભાગ નથી. Q-SOUL વૈશ્વિક ચેતના સાથે સંલગ્ન છે. ભવિષ્યમાં પડેલી એવી શક્યતાનો ઉઘાડ થતો જણાય છે, જેમાં Q-SOULને શરીરથી અલગ કરીને એને ગમે ત્યાં લઇ જઈ શકાશે. આ Q-SOUL અંગે આજે થોડોક ગોટાળો જણાય તો તે ક્ષમ્ય છે. આ Q-SOULને બીજા કોઈ ક્લોન શરીરમાં પ્રત્યારોપણ દ્વારા દાખલ કરવામાં આવે તો કોઈ મનુષ્યની ચેતના યુરોપનો પ્રવાસ કરી શકે ત્યારે એનું શરીર જ્યાં હોય ત્યાં જ પડી રહે એમ બની શકે. આમ Q-SOUL એટેલ કોસ્મિક એકતાનું કે વૈશ્વિક ચેતનાનું બીજું નામ. મારી દીકરી મનીષાએ એના પપ્પાને આ નવી વાત જણાવી ત્યારે કહ્યું: ‘ભાઈ, કદાચ વર્ષ 2050 સુધીમાં માનવીના મૃત્યુનું રહસ્ય જડી જાય તો નવાઈ નહીં.’ મંે કહ્યું: ‘મારી પાસે એટલો બધો સમય નથી. 84 વર્ષની ઉંમર થઇ છે. થોડીક ઉતાવળ થાય તેવું ન થઇ શકે?’ મનીષા આજકાલ Q-SOUL પર અંગ્રેજીમાં નવલકથા લખી રહી છે. મને પૂરી નિરાંત છે કારણ કે મૃત્યુ પામું ત્યારે તો મૃત્યુનું રહસ્ય સમજાવાનું જ છે ને?.

Download Our B K News Today App



Related News