ઇન્ટરનેટ પર કિડની પણ વેચાય છે, વ્યાજખોરોનું દેવું ચૂકવવા થરાદના શિક્ષકે ઇન્ટરનેટથી શ્રીલંકામાં કિડની વેચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-17 15:38:55
  • Views : 1026
  • Modified Date : 2020-08-17 15:38:55

      થરાદના મોરીલા ગામના વતની અને ખોડામાં સીઆરસી તરીકે ફરજ બજાવતા શિક્ષકે વર્ષ 2012માં પોતાના લગ્ન અને ભાણીનું મામેરું કરવા બે વ્યક્તિ પાસેથી લીધેલા રૂપિયા ચૂકવવા ઇન્ટરનેટના માધ્યમથી શ્રીલંકામાં રૂ.15.80 લાખમાં પોતાની કિડની વેચી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. કિડની વેચી 15 લાખનું દેવું ચુકવ્યા બાદ પણ વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખતાં કંટાળેલા શિક્ષકે 4 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતાં ઇન્ટરનેશનલ કક્ષાએ ચાલતા કિડની કૌભાંડની હકીકત 6 વર્ષે પ્રકાશમાં આવી છે.થરાદના મોરીલા ગામના વતની અને થરાદની સત્યમનગર સોસાયટીમાં રહી ખોડામાં સીઆરસી તરીકે ફરજ બજાવતા શિક્ષક રાજાભાઇ ગમાજી પુરોહિતે વર્ષ-2012માં પોતાના લગ્ન અને ભાણીનું મામેરું કરવા થરાદની રાશીયાશેરીમાં રહેતા હરેશ પ્રભુભાઇ વજીર પાસેથી રૂ.3 લાખ વ્યાજે લીધા હતા. વર્ષ 2014 સુધીમાં 9 લાખ ચૂકવી દીધા હોવા છતાં આ શખ્સ તેમને ધમકી આપતો હતો. આથી શિક્ષકે વ્યાજની ભરપાઇ કરવા ગામના દેવા ઓખાભાઇ રબારી પાસેથી રૂ.4 લાખ વ્યાજે લીધા હતા. વર્ષ 2014 સુધીમાં દેવાભાઇને પણ 8 લાખ ચુકવવા છતાં બંને વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખતાં છેવટે કોઇ આરો નહીં જણાતાં શિક્ષકે કિડની વેચવાનો વિચાર કર્યો હતો અને ઇન્ટરનેટના માધ્યમથી કિડની વેચવા શ્રીલંકાના કોલંબોના તબીબ ડો.મોનીકનો સંપર્ક કર્યો હતો અને પાસપોર્ટ કઢાવી ડો.મોનીકના કહ્યા મુજબ શિક્ષક ઘરેથી પત્નીને દિલ્હી કામે જવાનું કહી 28 માર્ચ, 2014એ પુના પહોંચ્યા હતાજ્યાં તબીબના માણસ પાસેથી શ્રીલંકા જવાની ટિકિટ મેળવી શિક્ષક 31 માર્ચે કોલંબો પહોંચ્યો હતો અને ડો.મોનીકની નવલોકા હોસ્પિટલમાં ઓપરેશન કરાવી કિડની વેચી નાખી હતી. જોકે, તે સમયે શિક્ષકને તબીબે કિડનીના રૂ.4,80,000 શ્રીલંકન નાણાંમાં આપ્યા હતા. શ્રીલંકાનું નાણું એરપોર્ટ પરથી લઇ જવા નહીં દે તેમ કહી એક શખ્સે આ નાણાં સુરતથી અપાવવાનું કહ્યું હતું. તે બાદ 10 એપ્રિલ, 2014એ શિક્ષક મુંબઇ પહોંચતાં ડો.મોનીકે કિડની ખરીદનારના સંબંધી પાસેથી શિક્ષકને રૂ.11 લાખ તેમજ શ્રીલંકાથી તબીબે આપેલા રૂ.4,80,000 મળી કુલ રૂ.15,80,000 મળ્યા હતા. તેમાંથી રૂ.8 લાખ દેવાભાઇને અને રૂ.7 લાખ હરેશભાઇને આપી દીધા હતા. આમ છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતાં કંટાળેલા શિક્ષકે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. શિક્ષકે વ્યાજખોરો હરેશ પ્રભુભાઇ વજીર (ભાટી), દેવા ઓખાભાઇ રબારી, ઓખા માનસંગભાઇ રબારી અને વશરામ ચોથાભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવતાં થરાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં આ ઇન્ટરનેશનલ કિડની કૌભાંડ સામે આવ્યું હતું.

Download Our B K News Today App



Related News