એરપોર્ટમાં જમીન જવાના ડરથી રાણપુરમાં ખેડૂતોની બેઠક,જમીન નહીં આપવા મક્કમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-20 10:53:27
  • Views : 1076
  • Modified Date : 2020-03-20 10:53:27

 રાજ્ય સરકાર દ્વારા ડીસા એરપોર્ટને શરૂ કરવાની હિલચાલને પગલે બુધવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (અમદાવાદ)ના અધિકારીઓ ડીસા એરપોર્ટની ઓચિંતિ મુલાકાત લેતાં એરપોર્ટ આસપાસના ખેડૂતોમાં હલચલ મચી જવા પામી છે. જો કે, ગુરૂવારે રાણપુર ઉ.વાસના ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં ખેડૂતો જમીન ન આપવા મક્કમતા બતાવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (અમદાવાદ) હસ્તકના ડીસા એરપોર્ટને રાજ્ય સરકાર દ્વારા વિકસાવાની જાહેરાત કરવામાં આવી હતી.જેથી બુધવારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ ડીસા એરપોર્ટની મુલાકાતે પધાર્યા હતા. એરપોર્ટના અધિકારીઓએ પ્રાંત અધિકારી એચ.એન.પટેલ, ડીસા મામલતદાર એ.જે.પારઘી સહિતના અધિકારીઓને સાથે રાખી ડીસા એરપોર્ટ આસપાસના વિસ્તારની વિસ્તૃત જાણકારી મેળવી હતી. એરપોર્ટ ઓથોરિટીને એરપોર્ટના વિકાસ માટે વધુ જમીનની જરૂરિયાત હોઇ ડીસા એરપોર્ટ નજીક આવેલા રાજપુર અને રાણપુર ઉ.વાસ ગ્રામ પંચાયતના હસ્તકની કેટલીક જમીન સંપાદન કરવાની હોવાથી તલાટી અને સરપંચને પણ રૂબરૂ બોલાવી તેઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ અંગેના સમાચાર રાણપુરના ખેડૂતોને મળતાં ચિંતા પ્રસરી જવા પામી હતી. આથી ગુરૂવારે રાણપુર ઉ.વાસ ગામના સરપંચ પુત્ર દિનેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને એરપોર્ટ આસપાસ જમીન ધરાવતા ખેડૂતોની બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોએ પોતાની જમીન ન આપવા મક્કમતા વ્યક્ત કરી હતી. "કલેકટરના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ ડીસા એરપોર્ટના વિકાસ માટે મિટિંગ યોજી હતી. જેમાં આગામી સમયમાં એરપોર્ટના વિસ્તરણ અને વ્યાપ વધારવા ચર્ચા થઈ તેમજ આગામી સમયમાં હવાઇ મુસાફરી સરળતાથી મળે તે દિશામાં કામગીરી હાથ ધરાશે’ તેવું ડીસા પ્રાંત અધિકારી એચ.એમ.પટેલે બુધવારે મોડી સાંજે ટ્વીટ કર્યું હતું. એરપોર્ટ આસપાસ જમીન ધરાવતા ખેડૂતોને જમીન જવાની ચિંતા સતાવી રહી છે. જેથી તંત્રએ કેટલી જમીન જોઇશે તેવી સ્પષ્ટતા કરવી જોઈએ તેમ રાણપુર ઉ.વાસના કલ્યાણ રબારીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News