શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ધરણા આપી રહેલા દેખાવકારોને હટાવવા અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. સોમવારે કોર્ટે કહ્યું કે, બીજા પક્ષને સાંભળ્યા વગર આ કેસમાં કોઈ આદેશ ન આપી શકાય. સુનાવણી દરમિયાન સંજય કિશન કૌલે પુછ્યું- પ્રદર્શન લાંબા સમયથી ચાલી રહ્યું છે, આના માટે તમે કેવી રીતે રોજિંદી અવરજવરનો રસ્તો બંધ કરી શકો છો?આ ઉપરાંત કોર્ટે 30 જાન્યુઆરીએ દેખાવમાં 4 મહિનાના બાળકના મોત અંગે જાતે નોંધ લીઘી હતી. કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ આપીને જવાબ માંગ્યો છે.
કોર્ટે કહ્યું - લોકોને આંદોલન કરવાનો અધિકાર છે, પરંતુ આનાથી કોઈને હેરાનગતિ ન થવી જોઈએ. દેખાવ નક્કી કરેલા સ્થળે થવો જોઈએ. અને આ રીતે અનિશ્વિત સમય માટે ન થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. આ ઉપરાંત આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
નવજાતના મૃત્યુ અંગેની સુનાવણી પર
દેખાવકારીઓ તરફથી 2 મહિલા વકીલે કોર્ટની જાતે નોંધ લેવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. વકીલોએ કહ્યું કે, પ્રદર્શનસ્થળ પર જનારા બાળકોને શાળામાં પાકિસ્તાની અને દેશદ્રોહી કહેવામાં આવે છે. આ અંગે ચીફ જસ્ટિસ એસએ બોબડેની બેંચે મહિલા વકીલની ઝાટકણી કાઢતા કહ્યું કે, શું 4 મહિનાનું બાળક આવા દેખાવોનો ભાગ હોવું જોઈએ. સાથે જ કેન્દ્ર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- બાળકોને પ્રદર્શનસ્થળે લઈ જવા યોગ્ય નથી.
હાડ થીજવતી ઠંડીના કારણે 4 મહિનાના જહાનનું મોત
ચાર મહિનાનો મોહમ્મદ જહાન રોજ શાહીનબાગમાં દેખાવમાં સામેલ થવા માટે તેની માતા સાથે આવતો હતો. ત્યાં તેને એક પછી એક બધા ખોળામાં લઈને રમાડતા હતા. છેલ્લા એક મહિનાથી હાડ થીજવતી ઠંડીના કારણે તેનું મોત થઈ ગયું હતું. તેની માતાના જણાવ્યા પ્રમાણે, તે આગળ પણ આ દેખાવમાં ભાગ લેશે કારણ કે આમા તેના બાળકના ભવિષ્યનો સવાલ છે.
દેખાવ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 3 અરજી કરવામાં આવી છે
દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા 50 દિવસોથી CAA અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(NRC) વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. જેના કારણે મુખ્ય રસ્તા પર અવરજવર બંધ છે. આ વિસ્તારનું ટ્રાફિક ડાઈવર્ટ કરવાથી લોકોને થઈ રહેલી મુશ્કેલી વિરુદ્ધ અમિત સાહની અને ભાજપ નેતા નંદકિશોર ગર્ગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સાથે જ પ્રદર્શન વખતે 4 મહિનાના બાળકના મોત પર બહાદુરી પુરસ્કાર મેળવનારા વિદ્યાર્થી જેન ગુણરત્ન સદાવર્તેએ સુપ્રીમ કોર્ટને ચિઠ્ઠી લખી હતી. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ આ ચિઠ્ઠીની નોંધ લીધી હતી.
કોર્ટે કહ્યું- અમે તમારી તકલીફ સમજીએ છીએ
રસ્તો બંધ કરવા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીમાં કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને સાર્વજનિક સ્થળ પર વિરોધ દેખાવો વિશે આદેશ આપવાની અપીલ કરવામાં આવી હતી. શુક્રવારે કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે, ‘અમે તમારી તકલીફ સમજીએ છીએ, પરંતુ અમારે આ સમસ્યાનો નિવેડો કેવી રીતે લાવી શકાય તેના વિશે પણ વિચારવું પડશે’
અરજદારે દિલ્હી હાઈકોર્ટને અપીલ કરી હતી
અરજદાર આ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં પણ અરજી કરીને શાહીનબાગથી પ્રદર્શનકારીઓને હટાવવાની માંગ કરી ચુક્યા છે. જો કે, કોર્ટે કોઈ પણ સત્તાવાર આદેશ વગર અધિકારીઓને આ કેસ જોવા માટે કહ્યું હતું ત્યારબાદ સાહની તેમની અરજી લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
શાહીનબાગમાં છેલ્લા દોઢ મહિનાથી ધરણા ચાલી રહ્યા છે
દિલ્હીમાં CAA અને NRC વિરુદ્ધ શાહીનબાગ વિસ્તારમાં 15 ડિસેમ્બરથી મહિલાઓ અને બાળકો સહિત સેકડો લોકો ધરણા પર બેઠા છે. 2 ફેબ્રુઆરીએ પહેલી વખત શાહીન બાગના ધરણાના વિરોધમાં સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યા. તેમની માંગ હતી ધરણા પર બેસેલા લોકોને નોઈડા અને કાલિંદી કુંજને જોડનારા રસ્તા પર કબ્જો કર્યો છે. આ જ કારણે લોકોના આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે.



