દિયોદર પાસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-21 17:35:05
  • Views : 471
  • Modified Date : 2020-01-21 17:57:09

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ દિયોદર અને લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ છેલ્લાં કેટલાંય સમયથી કોરી ધાકોર પડી છે. જે કેનાલ શરૂ કરવા માટે દિયોદર તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી આવી પહોંચ્યા હતા અને પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી સુજલામ સુફલામ કેનાલમાં  પાણી છોડવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દિયોદર અને લાખણી પંથકમાં દિન પ્રતિદિન ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે. હાલમાં આ વિસ્તારમાં ૮૦૦  થી ૧૨૦૦ ફૂટ આસપાસ  ભૂગર્ભ જળની સપાટી  પહોંચી  ગઈ છે. જેથી આવનારા સમયમાં દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોને ખેતી પાકો માટે પાણીની વિકટ સમસ્યા સર્જાવાની શકયતા છે. જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં  આવે તો આ કેનાલ કાચી હોવાથી જેનું પાણી ભૂગર્ભમાં ઉતરી શકે છે અને ભૂગર્ભ જળ સચવાઈ રહે તેમ છે. તો સાથે સાથે જે જે ગામોમાંથી આ કેનાલ પસાર થાય છે જે ગામના ખેડૂતો કેનાલ મારફત ખેતી પાકોને પાણી સીંચી શકે છે અને પોતાના મહામુલા પાકને બચાવી શકે છે માટે મોટી સંખ્યામાં ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી આવી પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે. જો  દસ  દિવસમાં પાણી નહિ છોડાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે.


Download Our B K News Today App



Related News