અમીરગઢ અને દાંતીવાડા તાલુકાનો દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-09 13:21:35
  • Views : 540
  • Modified Date : 2019-12-09 13:21:35


બનાસ ડેરીના ચેરમેન અને રાજ્યના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને બનાસ મેડીકલ કોલેજ મોરિયા ખાતે અમીરગઢ અને દાંતીવાડા તાલુકાનો  સંયુક્ત દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.બનાસ ડેરી અને જીસીએમએમએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દૂધ ઉત્પાદક બહેનો, મંડળીઓના ચેરમેનો, મંત્રીઓ અને કમિટી સભ્યોને સંબોધતા ચેરમેન શંકરભાઈએ જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ સાચા અર્થમાં દૂધ અને મહિલા જાગૃતિ દિન તરીકે જોઉં છું કારણ કે આજના કાર્યક્રમમાં બહેનોની સક્રિય ભાગીદારી રહી છે. મોરિયા ખાતે આકાર પામી રહેલ દેશમાં પ્રથમ એવી પશુપાલકોની મેડિકલ કોલેજમાં સહકાર આપનાર મોરિયા ગ્રામજનો, ગ્રામ પંચાયત અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ એવી ઘટના ઘટી છે કે જે મેડીકલ કોલેજના માલિકો દૂધ ઉત્પાદકો હોય, તેમણે ઉમેર્યું કે આટલેથી જ ન અટકતા અહીં ભવ્ય હોસ્પિટલ ઊભી થશે. જેમાં કોઈ મોટા શહેરમાં હોય તેવી હ્રદય રોગ, કિડની અને કેન્સરની સારવાર થશેઅને જિલ્લાના પશુપાલકો નિઃશુલ્ક સારવાર મેળવી શકશે. સાથે-સાથે ઈમરજન્સી કિસ્સામાં એર એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા પણ ઊભી થશે અને પશુપાલકોની નિઃશુલ્ક ઉચ્ચતમ મેડિકલ સારવાર એ જ સ્વર્ગસ્થ ગલબાકાકાને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. તેમણે જણાવ્યું કે મેડિકલ કોલેજના વ્યવસાયમાંથી થનારો નફો પણ સરવાળે દૂધ ઉત્પાદકોને જ પહોંચશે.બનાસડેરીના વહીવટ જેવી પારદર્શક કાર્યપ્રણાલી દૂધ મંડળી સ્તરે પણ ગોઠવાય તેવું આહવાન કરતા ચેરમેને જણાવ્યું કે પારદર્શક વહીવટથી જ મંડળીના કાર્યવાહકો ગામના દૂધ ઉત્પાદકોની સાચી સેવા કરી શકશે. તેમણે ઉમેર્યું કે બનાસ ડેરી એ આપણા જ જિલ્લાની આગવી ઓળખ એવી દેશી કાંકરેજી ગાયની ઓલાદ સુધારણા નું મોટું અભિયાન ઉપાડયું છે ત્યારે આવનારા સમયમાં પશુ દીઠ દૂધ ઉત્પાદન વધે તે માટે બનાસડેરી સતત પ્રયત્નશીલ છે.દૂધના વ્યવસાય સાથે જોડાયેલી માતૃશક્તિ જ આગળ આવી શિક્ષણ, તબીબી અને સંરક્ષણ ક્ષેત્રે બહેનોના આગવા પ્રદાનની સરાહના કરતાં તેમણે જણાવ્યું કે દીકરીઓના શિક્ષણ માં ક્યાંક કચાશ રાખતો તો આવનારી પેઢી નો ઉદય શક્ય બનશે નહીં. કાર્યક્રમમાં દૂધ ઉત્પાદક બહેનોએ આપેલા પ્રતિભાવની સરાહના કરીને બહેનોને અભિનંદન આપતા જણાવ્યું કે આજે સાચા અર્થમાં મહિલા જાગૃતિ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે.બનાસ ડેરીના વાઇસ ચેરમેન  માવજીભાઈ દેસાઈએ જણાવ્યું કે જિલ્લાના દૂધ ઉત્પાદકો નો બનાસડેરીના નિયામક મંડળ પર વિશ્વાસ વધ્યો છે. પરિણામે અન્ય રાજ્યોમાં કે જિલ્લાઓમાં દૂધનો પુરવઠો ઘટ્યો છે ત્યારે બનાસડેરીમાં દૂધનો પુરવઠો દિનપ્રતિદિન વધતો જાય છે. તેમણે જણાવ્યું કે દૂધ ઉત્પાદક બહેનો સાથે સીધો સંપર્ક સાધીને તેમના પ્રશ્નો હલ કરવાનો માનનીય ચેરમેનનો આ સુંદર  અભિગમ રહ્યો છે. બનાસ ડેરીએ ૯૦૦ કરોડનું દેવું ઘટાડીને નવો ઇતિહાસ સર્જ્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ દૂધ ઉત્પાદકોના હિતમાં નવા નવા પ્રોજેક્ટ દ્વારા તેમની આવક કઈ રીતે વધે તે માટે ની સતત ચિંતા સેવતા હોય છે. તેવું જણાવતાં ઉમેર્યું કે મેડિકલ કોલેજ, ટી.એચ., આર.પ્લાન્ટ, ગોબર ગેસ, બટાકા અને દાડમના પ્રોસેસિંગ પ્લાન્ટ કે મધ પ્રોજેક્ટ જેવા નવા નવા આયામો દ્વારા દૂધ ઉત્પાદકોને દૂધની આવક ની સાથે અન્ય આવક પણ મળતી થશે.દાંતીવાડા વિભાગના ડિરેક્ટર પી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા માત્ર ચાર જ વર્ષના ગાળામાં બનાસ ડેરીનું ટર્નઓવર ૪૫૦૦ કરોડથી વધીને ૧૧૦૦૦ કરોડે પહોંચ્યું છે. જે શંકરભાઇ ચૌધરીના સક્ષમ નેતૃત્વ નું પરિણામ છે. તેમણે જણાવ્યું કે જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના કરીને ચેરમેને જિલ્લાનું  વર્ષો જૂનું  પછાતપણાનું કલંક મિટાવ્યું છે. ચેરમેન શંકરભાઈના નેતૃત્વમાં પૂરે પૂરો ભરોસો છે તેવું જણાવતાં ઉમેર્યું કે દૂધના વ્યવસાયથી ઉપર ઉઠીને નવા નવા પ્રોજેક્ટ દ્વારા દૂધ ઉત્પાદકોને વધારાનો નફો મળી રહ્યો છે.

આ પ્રસંગે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક બહેનો રેખાબેન રબારી અમીરગઢ એ પશુ સારવાર અને તબીબી સેવાઓ વિશે, રમીલાબેન રબારી દાંતીવાડાએ  દૂધ વ્યવસ્થાપન વિશે, ફુલીબેન દેસાઈ અમીરગઢ એ દાણની સેવાઓ વિશે, રેખાબેન ચૌધરી દાંતીવાડાએ ટી.એચ.આર.પ્લાન્ટ વિશે તેમ જ મણીબેન ચૌધરી દાંતીવાડા એ મેડિકલ કોલેજ વિશે પોતાના હકારાત્મક મંતવ્યો રજૂ કરીને બનાસ ડેરીના નિયામક મંડળની કાર્યપ્રણાલીને બિરદાવી હતી.આ પ્રસંગે બનાસડેરીના આસિસ્ટન્ટ મેનેજર કરશનભાઈ ચૌધરી એ મંડળીઓની પ્રાથમિક માહિતી, ડી.એચ. વિભાગના એજીએમ ડા. હરિભાઈ પટેલે આદર્શ પશુપાલન, એમ.પી. વિભાગના એ.જી.એમ. ડો. પ્રફુલભાઈ ભાણવડીયાએ  મંડળીનું વહીવટી સંચાલન અને નવીન પ્રોજેક્ટ વિષયક તેમજ ઇન્ચાર્જ એમ.ડી.  કામરાજભાઈ ચૌધરીએ દૂધ અને તેની ગુણવત્તા વિષયક  પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.આ પ્રસંગે પશ  દીઠ વધુ દૂધ ઉત્પાદન હરીફાઈ, રેડ ટેગ ડે ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર દૂધ ઉત્પાદક બહેનો અને મંડળીના ચેરમેન મંત્રીને  રોકડ ઈનામ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.તે જ પ્રમાણે આઇ.એસ.ઓ. સર્ટિફાઇડ મંડળીઓને પણ આઈ.એસ.ઓ. પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાઆ પ્રસંગે દાંતીવાડા અને અમીરગઢ તાલુકાના સહકારી આગેવાનોમાં  ડિરેક્ટર ભાવાભાઈ રબારી, તાલુકા પંચાયત પ્રમુખ  રણજીતસિંહ ચૌહાણ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ  સ્વરૂપાભાઈ રબારી, અગ્રણી કિરણસિંહ ચૌહાણ,ભલાભાઈ પટેલ, ઉમેદસિંહ ચૌહાણ, હરખાભાઈ પટેલ, ગંગારસિંહ ગઢડા, મફતસિંહ ડાભેલા, મેરૂજી ધુખ, ઈશ્વરસિંહ સોલંકી, સવાભાઇ પટેલ, કરસનભાઈ પટેલ, કરસનભાઈ ગાયત્રી લેબોરેટરી, નટુભાઇ ચૌધરી, ગણપતભાઇ રાજગોર,સવસીભાઇ પટેલ, હરજીભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં બંને તાલુકાના દૂધ મંડળીઓના ચેરમેનો,મંત્રીઓ, કારોબારી સભ્યો અને દૂધ ઉત્પાદક બહેનો ઉપસ્થિત રહી હતી.  કાર્યક્રમનું સંચાલન ડેરીના સીડી વિભાગના વિસ્તરણ અધિકારી  વિમુબેન પટેલે કર્યું હતું.




Download Our B K News Today App



Related News