ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ સમી તાલુકાના દુદખા ગામે વગર પરવાનગીએ સભા ભરવા બદલ નોંધાઈ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:48:52
  • Views : 457
  • Modified Date : 2019-04-23 05:48:52

૨૩ એપ્રિલના રોજ પાટણ લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા સમી તાલુકાના દુદખા ગામે વગર પરવાનગીએ સભા ભરતાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર સામે આચારસંહિતા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.પાટણ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭-ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ સમી તાલુકાના દુદખા ગામે તા.૧૧/૦૪/૧૯ ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર દ્વારા સભા યોજવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર અંગેની સભા અંગે કોઈ મંજુરી મેળવવામાં આવેલ ન હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર દ્વારા આ ગામે ચૂંટણી પ્રચારની સભા વગર મંજુરીએ કરીને ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કરેલ હોવાનું જણાઈ આવતાં ચૂંટણી અધિકારી પાટણ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર આનંદ પટેલ દ્વારા જિલ્લા નોડલ અધિકારી આદર્શ આચારસંહિતા મારફત મદદનીશ ચૂંટણી અધિકારી ૧૭-ચાણસ્મા વિધાનસભા મતવિસ્તાર વિભાગ અને નાયબ કલેક્ટર, સમીને આ બાબતે તાત્કાલીક તપાસ કરી આ અંગે જવાબદાર જણાય તો આઈ.પી.સી.ની કલમ ૧૭૧(એચ) હેઠળ કાયદેસરની પોલીસ ફરિયાદ સહીતની આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પુરતી તપાસ બાદ તપાસ અહેવાલના આધારે મદદનીશ નોડલ અધિકારી, આદર્શ આચારસંહિતા અને તાલુકા વિકાસ અધિકારી, સમી મારફતે તા.૨૦/૦૪/૧૯ ના રોજ ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૭૧/એચ હેઠળ સમીપોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે, જેની આગળની તપાસ સમી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.પાટણ લોકસભા મતદાર વિભાગમાં આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે સમગ્ર ચૂંટણીતંત્ર કટીબદ્ધ છે અને આવી ચૂંટણી આચારસંહિતા ભંગની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં તેમ ચૂંટણી અધિકારી પાટણ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.


Download Our B K News Today App



Related News