ગુજરાતભરમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 12:03:51
  • Views : 1601
  • Modified Date : 2019-07-02 12:03:51

હવામાન વિભાગે તા. 3થી5 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઈ છે. હાલમાં દક્ષિણ ગુજરાતના આકાશમાં સમુદ્રની સપાટીથી 2થી 3.5 કિ.મી. સુધીના વિસ્તારમાં હવાના ચક્રવાતની સ્થિતિ સર્જાયેલી છે. જયારે બંગાળની ખાડીનું લો પ્રેસર આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં પરિણમશે.ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે. બે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમા આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારમાં પડશે. ગુજરાતમા અત્યાર સુધીનો સરેરાશ 15.13 ટકા વરસાદ નોંધાયો છે, અને સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમા નોંધાયો છે.ત્રણ સિસ્ટમને કારણે આવતીકાલથી આગામી તા. ૫મી સુધી ગુજરાત રિજન (અમદાવાદથી ઉમરગામ સુધીનો વિસ્તાર)માં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશને અડીને આવેલા છોટા ઉદેપુર, પાવી, જેતપુર, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આ સમયમાં તોફાની વરસાદની શકયતા છે. આ વરસાદ તા. ૬ઠ્ઠી બાદ શાંત પડવાની શકયતા છે. ખાસ કરીને તા. ૩ અને ૪ ભારે વરસાદ રહેશે અને તા. ૫મીના રોજ છૂટાછવાયો વરસાદ રહેશે.દક્ષિણ ગુજરાતમાં તોફાની અતિભારે વરસાદને પગલે વાપી, વલસાડ અને નવસારી સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને સોમવારે સવારે છ વાગ્યે સમાપ્ત થતાં વીતેલા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં વાપી ખાતે સર્વાધિક ૩૫૭ મિ.મી. લેખે ૧૪ ઈંચ વરસાદ ખાબકયો હતો. જયારે ભારે વરસાદની જિલ્લામાં હોડ જામી હોય એમ ૨૪ કલાકમાં વલસાડ શહેરમાં ૩૩૬ મિ.મી., ઉમરગામ ૨૮૫, પારડી ૨૫૩, કપરાડા ૧૪૯ અને ધરમપુરમાં ૧૬૪ મિ.મી. જેટલો તોફાની વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે સમગ્ર વલસાડ અને વાપીમાં ચારેતરફ પાણી પાણી છવાઈ ગયું હતું.ખાસ કરીને ડહાણુંથી શરૃ થયેલા આ વરસાદને કારણે નવસારી સુધીનો હાઈવે ચક્કાજામની સ્થિતિમાં મુકાયો છે. આજે બપોર સુધી હાઈવે ઉપર વાહનચાલકોએ ધીમી ગતિએ વાહન ચલાવાની ફરજ પડી હતી. જયારે હાઈવે ઉપરના પાણી સુધ્ધાં આજે મોડી બપોરે ઓસરવાના શરૃ થયા હતા.મહત્તવનું છે કે, વલસાડ પંથકમાં આજે પણ વરસાદ ચાલુ રહેતા આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં વાપીમાં વધુ ૬૬ મિ.મી. લેખે બે ઈંચ ઉપરાંત તેમજ ઉમરગામમાં ૬૯ અને કપરાડામાં એક ઈંચ લેખે ૨૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.નવસારીમાં પણ ૨૪ કલાક દરમિયાન ખેરગામ તાલુકામાં આઠ ઈંચ લેખે ૨૦૫ મિ.મી. જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. ઉપરાત ચીખલીમાં ૬૦, ગણદેવી ૫૮, નવસારી શહેર ૨૨ અને વાંસદામાં ૦૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં આજે વસાદનો વિરામ રહ્યો હતો. જયારે ૨૪ કલાકમાં માંગરોળમાં ૭૦, બારડોલી ૩૩, ચોર્યાસીમાં ૩૮, કામરેજ ૧૭, પલસાણા ૪૫, ઓલપાડ ૦૩, સુરત શહેરમાં ૧૪ અને ઉમરપાડામાં ૫૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ સિવાય તાપીઅને ડાંગ જિલ્લામાં બેથી ચાર મિ.મી. જેટલા હળવા વરસાદી છાંટા પડયા હતા.વિતેલા ૨૪ કલાકમાં વિજળીના કડાકા – ભડાકા સાથે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સોમવારે સવાર સુધીમાં પાવી જેતપુરમાં ત્રણ ઈંચ, વડોદરા શહેરમાં પોણા ત્રણ ઈંચ, ગોધરા- જાંબુઘોડામાં બે ઈંચ, ભરૃચમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ વ્યાપક વરસાદ પડયો હતો.પાલઘર ખાતે ભારે વરસાદના પગલે સોમવારે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. ભરૃચ, અંકલેશ્વર, પાનોલી, પાલેજ સહિતના જિલ્લાનાં રેલવે સ્ટેશનો ઉપર હજારો મુસાફરો ૩ કલાક સુધી અટવાઈ ગયા હતા. અમરનાથ યાત્રા માટે ભરૃચ રેલવે સ્ટેશનથી યાત્રાળુઓનો સંઘ જતો હોય જમ્મુ-તાવી સ્વરાજ ટ્રેનને ૧ કલાક મોડી કરાતા તેઓને પણ સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઈ સમય વ્યતીત કરવાનો વારો આવ્યો હતો. ભરૃચ-વિરાર ટ્રેનને બિલિમોરા ખાતે રદ કરી દેવાઈ હતી.વડોદરા શહેરમાં ગત રાતથી સવાર સુધીમાં ૬૭ મિમી એટલે કે પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જોકે સોમવારે દિવસ દરમિયાન શહેર કોરુ રહ્યું હતું. શહેરમાં ઠેકઠેકાણે મળીને એક ડઝન જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમજ પાંચ સ્થળે રોડ પર ભૂવા અને ખાડા પડયા હતાં.જ્યારે પાદરામાં એક ઈંચ, ડભોઈમાં પોણા બે ઈંચ, કરજણમાં સવા ઈંચ, શિનોરમાં ૧૧ મિમી, વાઘોડિયામાં ૧૮ મિમી જ્યારે ડેસર અને સાવલી પંથકમાં ૮ મિમી જેટલો વરસાદ પડયો હતો.જ્યારે સોમવારે દિવસ દરમિયાન માત્ર શિનોર પંથકમાં ૪ મિમી પાણી પડયું હતું. આ જ રીતે, પંચમહાલ જીલ્લાની વાત કરીએ તો ત્યાં મેઘરાજાએ ચાર દિવસના આંશિક વિરામ બાદ રવિવારે રાત્રે ૮ વાગ્યાથી મેઘમહેર કરી હતી. જેમાં ગોધરામાં ૨ કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકયો હતો. જેને પગલે ગિરીરાજ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતાં અને લોકો અટવાઈ ગયા હતાં.આ ઉપરાંત, ધાનકાવાડ પાસે વરસાદ દરમિયાન એક વૃક્ષ ધરાશયી થયું હતું. બસ સ્ટેન્ડ પાસે બહાર રોડ ઉપર પાણી ભરાયા હતા. જાંબુઘોડા પંથકમાં આભ ફાટતાં માત્ર અડધા જ કલાકના ગાળામાં ૬૦ મિમી વરસાદ પડી ગયો હતો. જ્યારે હાલોલ -બોડેલી રાજ્ય ધોરીમાર્ગ ઉપરના પિસાડી ગામ પાસે રાત્રે ૯ કલાકે રોડ ઉપર બાવળનું ઝાડ પડયુ હતુ. જેના કારણે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકો હેરાન થયા હતાં.પાવી જેતપુરમાં રવિવારની રાત્રે ૩ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા સ્થાનિક રહીશો દ્વારા ટીપીઓનો ઘેરાવો કરી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. પાવીજેતપુર તાલુકામાં સમગ્ર ચોમાસાના કુલ વરસાદની સરેરાસની તુલનાએ ૨૫ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રમાણ ૧૫.૭૨ ટકા નોંધાયું છે. જિલ્લામાં સૌથી ઓછો નસવાડીમાં સીઝનનો કુલ ૮૩ મી.મી. (૯.૦૭ ટકા) વરસાદ પડયો છે. છોટાઉદેપુર જિલ્લાનો સૌથી વધુ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતા સુખી ડેમમાં ૨૪ કલાકમાં બે ફૂટ જેટલી જળસપાટી વધી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુખી ડેમ સાઇટ પર ૮૦ મી.મી. (સવા ત્રણ ઇંચ) વરસાદ ખાબકી ચૂક્યો છે.ખડકવાડાથી ભોરદલી ગામ તરફ જતા માર્ગ પરના બે કોઝવે ધોવાઇ ગયા છે. કોતર અને નદીનું પાણી ભેગુ થઇ જતા આસપાસના ૧૫ જેટલા ગામોને જવા- આવવાની ભારે મુશ્કેલી ચોમાસા દરમિયાન રહેશે.

Download Our B K News Today App



Related News