શ્રાવણમાં મેહુલિયાની હેલી,ખેડૂતો હરખાયા, પાલનપુરમાં હાઇવે પર પાણી ભરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 14:18:53
  • Views : 806
  • Modified Date : 2020-08-11 14:18:53

    જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂત આલમમાં ખુશી વ્યાપી છે. એકંદરે તમામ તાલુકાઓમાં વરસાદ પડતો ખેતીને ખેતીપાકોને નવજીવન મળ્યું છે. રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં દાંતા અને દાંતીવાડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જ્યારે દિયોદર, વડગામમાં દોઢ ઇંચ, જ્યારે પાલનપુરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે અમીરગઢના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ પડતા બનાસ નદીમા નવા નીર આવતા ગ્રામજનોએ ફૂલોથી સામૈયું કર્યું હતું.હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને કચ્છ નજીક બનેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પાલનપુરમાં રવિવારે સાંજથી જ ઝરમર વરસાદ ચાલુ થયો હતો. જે સોમવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો.રવિવારે સાંજથી સોમવાર સાંજ સુધીમાં પાલનપુરમાં 58 મીમી વરસાદ પડયો હતો. જેને લઇ પાલનપુરના હાઈવે વિસ્તાર તેમજ નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. શહેરના ગણેશપુરા મફતપુરા તેમજ બ્રિજેશ્વર કોલોનીમાં પાણી ભરાયા હતા. પાલનપુરના મલાણા પાટીયા નજીક તેમજ અમદાવાદ હાઇવે ઉપર બનાવેલા અંડરબ્રિજ, ચિત્રાસણી અંડરબ્રિજ, ગાયત્રી મંદિર નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર અટવાયો હતો. જ્યારે શહેરના મીઠીવાવ વિસ્તારમાં રહેતા હરેશભાઈ પ્રજાપતિના મકાનની દીવાલ ધરાશાયી થતાં ઘરવખરીને નુકસાન થયું હતું. બનાસ મેડીકલ કોલેજના સેન્ટર કોવિડ હેલ્થ વિભાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે અમીરગઢના ઉપરવાસ માં વરસાદ પડતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા હતા. વિશ્વેશ્વર નજીક ગામલોકોએ નવા નીરનું સામૈયું કર્યું હતું. આ ઉપરાંત દાંતા પંથકમાં પણ 24 કલાકમાં 80 મીમી વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જ્યારે દાંતીવાડામાં પણ 73 મીમી અમીરગઢમાં 54 મીમી વરસાદ પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ઉપરાંત ધાનેરામાં 35 વરસાદને લઇ શહેર પાણી પાણી થઇ ગયું હતું અને જાહેર રસ્તાઓ પણ પાણી ભરાઇ ગયા હતા. વડગામમાં 36 મીમી જ્યારે થરાદ પંથકમાં 20 મીમી વરસાદના પાણીથી ખેતરો જળબંબાકાર બની ગયા હતા.રાજસ્થાનમાં થયેલા વરસાદથી કોરી ધાકોર રહેતી બનાસ નદી વહેવા લાગી ત્યારે સૌ કોઈ આનંદથી ઝૂમી ઊઠ્યા હતા. કેટલાય મહિનાઓથી દાંતીવાડા ડેમ ખાલી હતો બનાસના આ નવા નીરથી ડેમમાં પાણી આવશે જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી. જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું હતું કે "બનાસ નદી અરવલ્લીનના ડુંગરોમાંથી નીકળી રાજસ્થાન રાજયમાં થઇ કચ્છના નાના રણને મળે તે પહેલા ગુજરાત રાજયના બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાંથી પસાર થાય છે. શિહોરી જીલ્લાના પીંડવારા ગામેથી નીકળી છેલ્લે કચ્છના નાના રણમા ભળી જાય છે. સીપુ એકમાત્ર જમણા કાંઠે મળતી બનાસની ઉપનદી છે.ડાબા કાંઠે છ ઉપનદીઓ જેવી કે બત્રીયા, સુકરી, સેવારણ, સુકેત, બાલારામ અને ખારી છે. જે મુખ્ય પ્રવાહમા ભળે છે."પાલનપુરમાં હાઇવે વિસ્તારમાં બાલાજી સીટી સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા.જેને લઈ રહીશો હાલાકીમાં મુકાયા હતા.

Download Our B K News Today App



Related News