બે કરતાં વધુ બાળકો હોય તેમને એકેય સરકારી સુવિધા ન આપો: ભાજપ સાંસદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 13:11:48
  • Views : 488
  • Modified Date : 2020-03-14 13:11:48

દેશમાં વધતી વસતી અને ઘટતાં સંસાધનોને ધ્યાનમાં રાખી વસતી નિયંત્રણ કાયદો ઘડવાની માગ શુક્રવારે સંસદમાં ઊઠી. રાજ્યસભામાં ભાજપના સાંસદ હરનાથસિંહ યાદવે શૂન્યકાળ દરમિયાન આ માગ કરી. તેમણે દલીલ કરી કે વસતીવિસ્ફોટના કારણે સંસાધનો પર દબાણ વધ્યું છે, જેનાથી બેરોજગારી વધવા ઉપરાંત બધે ભીડ જ ભીડ દેખાય છે. 1951માં દેશની વસતી 10.38 કરોડ હતી જે 2011માં 121 કરોડને પાર થઇ ગઇ અને 2025 સુધીમાં 150 કરોડને પાર થવાનો અંદાજ છે. વસતી ગુણાંકમાં વધે છે જ્યારે સંસાધનોમાં બહુ ઓછી વૃદ્ધિ થાય છે. સરકારે એવો વસતી નિયંત્રણ કાયદો ઘડવો જોઇએ કે જે ‘અમે બે, અમારા બે’ પર આધારિત હોય. તેનું પાલન ન કરનારાઓને દરેક પ્રકારની સરકારી સુવિધાઓથી વંચિત રાખવા જોઇએ અને કોઇ પણ પ્રકારની ચૂંટણી લડતા રોકવા જોઇએ. યુએનના 2017ના રિપોર્ટ મુજબ, 2025 સુધીમાં ભારત વસતી બાબતે ચીનને પાછળ છોડી દેશે. હાલ ભા રતની વસતી 130 કરોડ જ્યારે ચીનની 140 કરોડ છે. બંનેના ક્ષેત્રફળમાં તો કોઇ ફેરફાર થઇ શકે તેમ નથી પણ વસતી બાબતે ભારત તેને પાછળ છોડી દેશે. બિહાર, મહારાષ્ટ્ર સહિત 11 રાજ્યમાં જુદી-જુદી નીતિઓ લાગુ છે 1. આસામ: 1 જાન્યુઆરી, 2021 પછી બે કરતાં વધુ બાળક ધરાવતા લોકોને સરકારી નોકરી નહીં મળે. 2. ઓડિશા: બે કરતાં વધુ બાળક હોય તેમને શહેરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની મંજૂરી નથી. 3. બિહાર: બે કરતાં વધુ બાળક હોય તેમને નગરપાલિકાની ચૂંટણી લડવાની મંજૂરી નથી. 4. ઉત્તરાખંડ: ટુ ચાઇલ્ડ પોલિસી માત્ર નગરપાલિકાની ચૂંટણી સુધી સીમિત. 5. મહારાષ્ટ્ર: બે કરતાં વધુ બાળક હોય તેમના માટે ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડવા પર રોક. સરકારમાં કોઇ પદ પણ મળી શકતું નથી. બે કરતાં વધુ બાળકો હોય તેમને જાહેર વિતરણ વ્યવસ્થાના લાભ પણ નહીં. 6. આંધ્રપ્રદેશ: 1994ના પંચાયતી રાજ એક્ટ મુજબ બે કરતાં વધુ બાળકો હોય તો ચૂંટણી લડવા પર રોક. 7. તેલંગાણા: પંચાયતી રાજ એક્ટ મુજબ બે કરતાં વધુ બાળકો હોય તો ચૂંટણી લડી શકાતી નથી. 8. રાજસ્થાન: બે કરતાં વધુ બાળક હોય તેઓ સરકારી નોકરી માટે ગેરલાયક. બે કરતાં વધુ બાળક હોય તેઓ એક બાળક દિવ્યાંગ હોય તો જ ચૂંટણી લડી શકે છે. 9. ગુજરાત: બે કરતાં વધુ બાળકો હોય તેઓ પંચાયત કે નગરપાલિકાની ચૂંટણી લડી શકતા નથી. 10. મધ્યપ્રદેશ: 2001માં ટુ ચાઇલ્ડ પોલિસી હેઠળ સરકારી નોકરીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા પર રોક હતી પણ 2005માં નિર્ણય બદલાયો. સરકારી નોકરીઓ અને ન્યાયિક સેવાઓમાં પોલિસી લાગુ. 11. છત્તીસગઢ: બે કરતાં વધુ બાળકો હોય તો સરકારી નોકરીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા પર રોક હતી પણ 2005માં નિર્ણય બદલાયો. જોકે, હજુ સરકારી નોકરીઓ અને ન્યાયિક સેવાઓમાં પોલિસી લાગુ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ વિશ્વંભર પ્રસાદ નિષાદે 2021ની વસતીગણતરી જાતિવાર કરાવવા તથા ઓબીસી અનામતમાં ક્રીમી લેયરની લિમિટ દૂર કરવાની માગ કરી. તેમણે શૂન્યકાળમાં આ માગ કરતા કહ્યું કે દેશભરમાં ઓબીસીની વસતી 54 ટકાથી વધુ છે. આ વર્ગ માટે 27 ટકા અનામત હોવા છતાં વિવિધ સેવાઓમાં તેમનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. તેમણે ન્યાયતંત્ર અને યુનિવર્સિટીઓમાં પણ અનામતની માગ કરી. ભારતમાં જાતિ આધારિત વસતીગણતરી છેલ્લે 1931માં થઇ હતી. હજુ તે આંકડાથી જ કામ ચાલી રહ્યું છે. તેના આધારે જ જણાવાયું કે દેશમાં ઓબીસી 52 ટકા છે. બજેટ સત્ર દરમિયાન ગુરુવારે લોકસભામાં ઐતિહાસિક સમય સુધી કાર્યવાહી ચાલતી રહી. લંચ કે ડિનર બ્રેક વિના સતત 12 કલાક સુધી કામકાજ થયું. બજેટ સત્રના બીજા ભાગમાં આ વર્ષની સૌથી લાંબી કાર્યવાહી લોકસભામાં રાત્રે 11.57 વાગ્યા સુધી ચાલતી રહી, જે સામાન્ય કાર્યવાહીથી 6 કલાક વધુ છે. લોકસભામાં ગુરુવારે મોડી રાત સુધી કામ ચાલ્યું, જેમાં ગ્રાન્ટ માગણીઓ અંગે ચર્ચામાં 12 કલાકથી વધુ સમય વીતી ગયો. આ દરમિયાન લંચ કે ડિનર માટે પણ બ્રેક ન લેવાયો. સંસદનાં બંને ગૃહ- લોકસભા અને રાજ્યસભામાં સામાન્ય રીતે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સાતેક કલાક કામ થાય છે.

Download Our B K News Today App



Related News