સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ધૂમ, બંગાળી કારીગરો દ્વારા બનાવવામાં આવે છે ખાસ મૂર્તિઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 16:46:39
  • Views : 788
  • Modified Date : 2019-08-29 16:46:39

એક સમયે માત્ર મહારાષ્ટ્રમાં જ ધામધૂમથી ઊજવાતો ગણેશ ઉત્સવ છેલ્લાં કેટલાંક વર્ષોથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં નવરાત્રિ પર્વની જેમ ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જ નહીં, નાનાં-મોટાં અનેક શહેરોમાં ગણપતિ પંડાલો ઊભા થઈ રહ્યા છે. દસ દિવસ સુધી ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજે છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ગણેશનાં મંદિરો તો દાયકાઓ અને સૈકાઓથી છે, પણ ગણેશ ઉત્સવને મહારાષ્ટ્રની જેમ સાર્વજનિક રીતે ધામધૂમથી ઊજવવામાં આવતો ન હતો. મહારાષ્ટ્રીયન લોકો પોતાના ઘરે ગણપતિને બેસાડીને આ પર્વ ઊજવતા હતા, પણ હવે પરિવર્તન આવ્યું છે. માત્ર મહારાષ્ટ્રીયન જ નહીં, સ્થાનિક લોકો પણ ઉમંગથી ગજાનનની ભક્તિમાં લીન થઈને પર્વ ઉજવે છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું તે પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર એક રાજ્ય હતું અને ગણેશ ઉત્સવ બંને પ્રાંતોમાં ઊજવાતો તેમ હવે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અંગ્રેજો સામે લડતને મજબૂત બનાવવા બાલ ગંગાધર ટિળકે જ્ઞાતિ- જાતિના ભેદભાવ દૂર કરી તમામને એક છત્ર નીચે લાવવા ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે ઉજવણી કરવાની શરૃઆત કરાવી હતી. ફરી આ બંને રાજ્યોમાં આવો માહોલ જોવા મળી રહ્યો છે. પર્વની સંસ્કૃતિએ રાજ્યોની સરહદોની આ દીવાલને દૂર કરી દીધી છે.રાજકોટમાં આશરે પંદર હજાર જેટલા મહારાષ્ટ્રીયન લોકો રહે છે અને ૧૯૩૦થી મહારાષ્ટ્ર મંડળ કાર્યરત છે. આ મંડળના આગેવાનો કહે છે, એક સમયે રાજકોટમાં માત્ર મહારાષ્ટ્રીયન લોકો જ દસ દિવસનો આ ઉત્સવ મનાવતા હતા, પણ હવે તેનું ફલક ખૂબ મોટું થયું છે. રાજકોટની તમામ વર્ગની જનતા આ ઉત્સવમાં સામેલ થાય છે. વર્ષો પહેલાં માત્ર મંડળની ઑફિસમાં અને પોલીસ હેડક્વાર્ટર, જંક્શન પ્લોટ જેવી જૂજ જગ્યાએ જ સાર્વજનિક ગણેશ પંડાલ ઊભા થતા હતા, જ્યારે આજે રાજકોટના દરેક ચોકમાં ગણેશજીના પંડાલો ઊભા થાય છે. એક અંદાજ મુજબ પ૦૦થી વધુ નાની - મોટી જગ્યાઓ અને ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ગણપતિની મૂર્તિની ડિમાન્ડ વધી છે. મહારાષ્ટ્ર કે રાજસ્થાન સુધી મૂર્તિ લેવા જવું પડતું હતું, પણ હવે રાજકોટ અને રાજ્યનાં અન્ય શહેરોમાં જ બંગાળી કારીગરો એક-બે મહિના પહેલાં આવીને મૂર્તિઓ બનાવે છે. ખાસ કરીને બંગાળી કારીગરો ગણેશ ઉત્સવ પર રોજીરોટી કમાવવા માટે અહીં આવે છે. રાજકોટના બાલભવનમાં છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળી કારીગરો ગણેશ ઉત્સવ પહેલાં આવી જાય છે. ત્રણેક મહિના સુધી તેઓ અહીં રહે છે. બાલભવન નજીક પંડાલ નાખીને મૂર્તિઓ બનાવતા કોલકાતાના પ્રદીપ પાલ કહે છે, 'હું કોલકાતાથી મારા કારીગરોની ૧૪ સભ્યોની ટીમ સાથે રાજકોટ આવ્યો છું. છેલ્લાં પંદર વર્ષોથી હું અહીં આવું છું. મારા પિતાજી પણ વર્ષોથી રાજકોટ મૂર્તિઓ બનાવવા આવતા હતા. હવે હું આવંુ છું. સૌરાષ્ટ્રમાં છેલ્લાં થોડાં વર્ષોથી ગણેશ ઉત્સવને ઉજવવાનો ઉમંગ લોકોમાં વધ્યો છે. અનેક સ્થળોએ પંડાલ ઊભા કરવામાં આવતા હોવાથી ગણેશજીની મૂર્તિની માગ વધી છે. નવરાત્રિની જેમ આ પર્વ હવે સૌરાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે. બે ફૂટથી માંડી ૧ર ફૂટ સુધીની મૂર્તિઓ બનાવીએ છીએ. મોટી મૂર્તિની કિંમત રૃ.૧પ૦૦થી ૧ લાખ સુધીની છે. હવે માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એટલે કે પીઓપી નહીં, માત્ર માટીની મદદથી જ ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ પર હવે વધુ ઓર્ડર મળી રહ્યા છે. બંગાળથી કારીગરો આ સમય દરમિયાન રોજીરોટી કમાવવા રાજકોટ આવે છે. બંગાળ કરતાં અહીં સારી રોજગારી મળી રહે છે. રાજકોટમાં ગણેશજીની મૂર્તિ બનાવી રહેલા અન્ય બંગાળી કારીગરોએ કહ્યું હતું કે બંગાળથી કારીગરોની ટીમ સાથે અમે અહીં આવ્યા છીએ. વૉટર કલર અને પીળી માટીની મદદથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. ખાસ તો ફિનિશિંગ પર વધુ ભાર મૂકવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જે લોકો મૂર્તિ ખરીદવા માટે આવે છે તેઓ આકર્ષક કલર અને ફિનિશિંગ વર્ક પર વધુ ભાર મૂકે છે. ૧ર ફૂટ સુધીની મોટી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. અમારા માટે આ ઉત્સવ એ રોજી કમાવવા માટેનો સમય છે. દોઢ-બે મહિના બાદ કારીગરો ફરી વતનમાં જાય છે. બંગાળમાં પણ આ જ કામ કરીને રોજી કમાય છે. રાજકોટ ધર્મપ્રિય અને શાંત શહેર હોવાથી અહીં રોજી કમાવવા વારંવાર આવવાની ઇચ્છા થાય છે. મહારાષ્ટ્રની જેમ હવે રાજકોટ - સૌરાષ્ટ્રમાં પ્લાસ્ટિક ઓફ પેરિસની જગ્યાએ પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનંુ અથવા તો બહારથી ચલણ વધ્યું છે. પુના, નાસિક રાજસ્થાનથી મૂર્તિઓ લાવવામાં આવે છે, તે પણ માટીની લાવવામાં આવે છે અને સ્થાનિક સ્તરે બનાવાય છે, તે પણ માટીની ખાસ બનાવડાવવામાં આવે છે. રાજકોટ મહારાષ્ટ્ર મંડળના આગેવાનો કહે છે, મંડળની ઑફિસમાં અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ગણપતિની મૂર્તિઓ જુદા જુદા મંડળોને આપીએ છીએ. વર્ષો પહેલા માત્ર મંડળની ઑફિસમાં અને પોલીસ હેડ ક્વાર્ટર, જંક્શન પ્લોટ જેવી જૂજ જગ્યાએ જ સાર્વજનિક ગણેશ પંડાલ ઊભા થતા હતા, જ્યારે આજે રાજકોટના દરેક ચોકમાં ગણેશજીના પંડાલો ઊભા થાય છે. એક અંદાજ મુજબ પ૦૦થી વધુ નાની-મોટી જગ્યાઓ અને ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. રાજકોટમાં ૮૪ વર્ષ પહેલાં ૧૯૩૦માં પંચનાથ મંદિરની એક ઓરડીમાં મહારાષ્ટ્ર મંડળની સ્થાપના કરવામાં આવી હતી. એ સમયના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોએ આ નાની ઓરડીમાં ગણેશજીનું મંદિર રાખ્યું હતું. બાદમાં ૧૯પ૬માં મંદિરની આ ઓરડીમાં ભારે વરસાદથી પાણી ભરાતા મોટી ટાંકી પાસે મંડળની ઑફિસ શરૃ કરવામાં આવી હતી. બાદમાં  દાતાઓની મદદથી અહીં એક હૉલ લેવામાં આવ્યો અને ત્યાં મંડળની ઑફિસ અને મંદિર શરૃ કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવ દરમિયાન તો દસ દિવસ અહીં ઉત્સવ ઉજવાય છે. રાજકોટ મહારાષ્ટ્ર મંડળના આગેવાનો કહે છે, સૌરાષ્ટ્રમાં આશરે પ૦ હજાર મહારાષ્ટ્રીયન લોકોની વસતી હશે. સૌરાષ્ટ્ર - કચ્છમાં ખાસ કરીને મોરબી, વેરાવળ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગાંધીધામ, આદીપુર સહિતનાં શહેરોમાં મંડળો કાર્યરત છે. સૌરાષ્ટ્રનાં નાનાં-મોટાં શહેરોમાં આશરે પ૦૦૦ જેટલાં સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન લોકો સાથે હવે સ્થાનિક લોકો ઉત્સાહથી આ પર્વમાં જોડાય છે. સૌરાષ્ટ્રના મંડળોના આયોજકો રાજકોટમાં મૂર્તિઓ લેવા આવતા હોય છે. ગુજરાતમાં ગણેશજીના મંદિરની ચર્ચા નીકળે એટલે સૌ પહેલાં અમદાવાદ જિલ્લામાં આવેલા ગણેશપુરાનું નામ લેવામાં આવે છે, પણ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં મહારાષ્ટ્ર મંડળમાં દાયકાઓ જૂનું મંદિર છે તો ઉપલેટા પાસે ઢાંકમાં પાંડવોના સમયમાં બાંધવામાં આવેલું ગણેશજીનું પ્રાચીન મંદિર છે. આવું જ પ્રસિદ્ધ મંદિર જામનગર જિલ્લામાં સપડા ગામમાં આવેલું છે. હજારો ભાવિકો આ મંદિરોમાં ગજાનનને શીશ નમાવવા જાય છે. 



 

Download Our B K News Today App



Related News