વડોદરામાં ગંદકીથી રોગચાળાનો વાવર, શાસકોનું રૂવાડુંય ફરકતું નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 14:16:21
  • Views : 387
  • Modified Date : 2020-02-20 14:16:21

શહેરના તમામ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાલિકાના શાસકો ના પાપે શહેરની જનતાને વેરો ભર્યા પછી પણ ગંદકીનાં કારણે બીમારીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ ગંદકીનાં મુદ્દે છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે શહેરના દરેક ર્વોડમાં ઠેર ઠેર ગંદકીનાં ઢગલા જોવા મળી રહ્યા છે. સફાઇ પાછળ કરોડો રૂપીયાનો ખર્ચા કર્યા પછી પણ શહેરમાંથી ગંદકી હટી રહી નથી તે વરવી વાસ્તવિકતા છે. રસ્તાની બાજુ પર,ખુલ્લા પ્લોટોમાં,વરસાદી કાંસ માં કચરાના ઢગલા ના પગલે મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. ગંદકીના પગલે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી મચ્છર જન્ય રોગચાળાનો વાવર વધુ ફેલાઇ રહ્યો છે. તેમ છતાં પાલિકાના શાસકોનું રૂવાડુંય ફરકતું નથી.  શહેરના સમા વિસ્તારમાં પણ ગંદકીનું સામ્રાજ્ય યથાવત્ રહ્યું છે. વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ગંદકીનાં ઢગલાઓ જોવા મળી રહ્યા છે. સફાઇના અભાવે ગંદકી વધી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેનાથી રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે ગોરવા રિફાઇનરી રોડ પર આવેલા એલમ્બિક નગર પાસે ખુદ પાલિકાના કર્મચારીઓ કચરો ઢાલવતા હોય તેવા ચોંકાવનારા દ્દશ્યો નજરે પડી રહ્યા છે. જેના શિરે ચોખ્ખાઇની જવાબદારી હોય તે પોતે જ ગંદકી કરી રહ્યા છે. જેનાથી રહીશો પરેશાન થઇ ગયા છે.વાઘોડીયા વિસ્તારમાં મહેશ કોમ્પ્લેક્ષ અને ઉમેશ્વર મહાદેવ રોડનાં ત્રણ રસ્તા પાસે ગંદકીથી ભરેલો રોડ નજરે પડે છે. પસાર થતી વખતે સૂગ ચડે તેવી સ્થિતિ હોવા છતાં પણ તંત્ર પગલાં નહિ ભરવાના કારણે સ્થાનીક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શહેરના સુશેન તરસાલી રોડ પર એસ્સાર પેટ્રોલ પંપ ની સામેના મુખ્ય રોડ પર જ ગંદકીનાં ઢગલા જોવા મળે છે. રખડતા ઢોર પણ ગંદકી માંથી ખાવાનું શોધતા નજરે પડે છે. નજીક આવેલી દુકાનો અને અવરજવર કરતાં લોકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.સન ફાર્મા રોડ પર આવેલા નીલાંબર ઓરીઅન્સ,શ્યામલ પાર્ક પાસે કચરાના ઢગલા ના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. ચારે તરફ ગંદકીનાં પગલે સ્થાનીક રહીશો માટે જીવવું દુષ્કર થઇ ગયું છે. ગંદકી માટે લોકોએ ફરીયાદો કરવા છતાં પણ કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. છેલ્લા કેટલાય સમયથી વિસ્તારમાં ગંદકી યથાવત્ રહેવા પામી છે.


Download Our B K News Today App



Related News