24 કલાક પીવાનું પાણી પૂરું પાડનારું ગાંધીનગર દેશનું પ્રથમ શહેર બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 14:51:37
  • Views : 400
  • Modified Date : 2020-09-18 14:51:37

          સમગ્ર શહેરમાં 365 દિવસ 24x7 પીવાનું પાણી પુરૂં પાડનારૂં ગાંધીનગર દેશનું પ્રથમ શહેર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે પાટનગરને ભેટ આપતા 229 કરોડની યોજનાનું ખાતમૂર્હત કરાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીથી તથા સીએમ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી. આ પ્રસંગે અમિતભાઇ શાહે કહ્યું હતું કે, ‘યોજનામાં માથાદીઠ 150 લીટર પાણીનું આયોજન કરાયુ છે, પરંતુ નાગરિકો પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરે તે જરૂરી છે.’બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘અમિતભાઇના પ્રયાસોના કારણે દેશમાં ગાંધીનગર પ્રથમ એવુ સ્માર્ટ સિટી બનશે જ્યાં સમગ્ર શહેર વિસ્તારમાં 24 કલાક પાણીની યોજના સાકાર થશે. આ યોજનાને 24 મહિનામાં પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરાઇ છે.’ મેયર રીટાબેન પટેલે કહ્યું હતું કે, ‘50 વર્ષ પહેલાના પાણીના નેટવર્કને બદલાવીને પાણીની લાઇન, સમ્પ સહિત નવુ નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. નવા ભળેલા 18 ગામડા અને પેથાપુર નગરપાલિકા સહિત સમગ્ર મહાનગર પાલિકા વિસ્તારને આ યોજનામાં આવરી લેવામાં આવ્યો છે. જેમાં 58 હજાર મીટર નાખવામાં આવશે’ ઓનલાઇન ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ મંત્રી વાડીભાઇ પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર સહિતના ભાજપના નેતાઓ અને મ્યુનિસપલ કમિશનર રતનકંવર ગઢવીચારણ ઉપસ્થિત રહ્યા હતાં.શહેરની 2.99 લાખની વસતીને દરરોજ 2 કલાક પાણી પહોંચાડવામાં આવે છે. નવી યોજનામાં પાણીના વિતરણની ક્ષમતાને હાલની 65 એમએલડી પરથી 81 એમએલડી પર લઇ જવાશે. સાથે જ વચગાળાની ક્ષમતા 115 એમએલડી અને વર્ષ 2049માં શહેરની વસતી 6.75 લાખ થવાની ધારણા સાથે 166 એમએલડી પાણી વિતરણ થઈ શકે તે પ્રકારે યોજના તૈયાર કરાઇ છે.

Download Our B K News Today App



Related News